GSTR-3B રિટર્ન દાખલ કરનાર વેપારીઓની સંખ્યામાં થઇ રહ્યો છે વધારો

નવી દિલ્હી:જીએસટી અમલને પાંચ મહિના કરતા વધુનો સમય થઇ ચૂક્યો છે. એક અંદાજ મુજબ ૪૩.૬૭ લાખ કંપનીઓ અને યુનિટોએ ઓક્ટોબર મહિના માટે જીએસટીઆર-૩ બી રિટર્ન દાખલ કર્યું છે. જીએસટી નેટવર્કના સત્તાવાળાઓના જણાવ્યા પ્રમાણે કોઇ એક મહિનામાં સમયસર રિટર્ન દાખલ કરવાના કિસ્સામાં આ સૌથી ઊંચો આંકડો છે.

જીએસટીના જણાવ્યા પ્રમાણે એક અંદાજ મુજબ ૫૬ ટકા જીએસટીના રજિસ્ટર્ડ વેપારીઓએ ઓક્ટોબર મહિના માટે જીએસટીઆર-૩ બી રિટર્ન નિર્ધારિત તારીખ સુધીમાં દાખલ કરી દીધું છે. એટલું જ નહીં જીએસટીઆર-૩ બી રિટર્ન દાખલ કરનાર રજિસ્ટર્ડ વેપારીઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે.

આ અગાઉ જુલાઇ મહિનામાં જીએસટીઆર-૩બી રિટર્ન ૩૩.૯૮ લાખ વેપારીઓએ ભર્યું હતું, જ્યારે ઓગસ્ટમાં ૨૮.૪૬ લાખ વેપારીઓએ, સપ્ટેમ્બરમાં ૩૯.૩૩ લાખ વેપારીઓએ જીએસટી-૩ બી રિટર્ન ભર્યું હતું. જીએસટીએનના જણાવ્યા પ્રમાણે ઓક્ટોબરમાં જીએસટીઆર-૩ બી રિટર્ન ભરવાના મામલે પંજાબ સૌથી આગળ છે. પંજાબમાં ઓક્ટોબરનું જીએસટીઆર-૩ બી રિટર્ન રાજ્યના કુલ રજિસ્ટર્ડ વેપારીઓમાંથી ૭૩ વેપારીએ ભર્યું હતું.

You might also like