Ahmedabad: વાસણામાં એપાર્ટમેન્ટના ધાબા પરની પાણીની ટાંકી જમીનદોસ્ત

અમદાવાદ: શહેરના વાસણા વિસ્તારમાં આવેલા એક વર્ષોજૂના એપાર્ટમેન્ટના ધાબા પરની સિમેન્ટની ટાંકી આજે વહેલી સવારે અચાનક એપાર્ટમેન્ટના રોડ પર જમીનદોસ્ત થતાં બે એક્ટિવાનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. સદ્નસીબે વહેલી સવારની આ ઘટના હોઈ તેમાં કોઈ જાનહાનિ થઈ નથી.

વાસણામાં ધરણીધર દેરાસર પાસેના ગૂંજન એપાર્ટમેન્ટના રહેવાસીઓ માટે આજની વહેલી સવાર ચોંકાવનારી બની હતી. આ એપાર્ટમેન્ટના રહેવાસીઓ સવારની મીઠી નિંદરમાં હતા તે વખતે અચાનક ધાબા પરની સિમેન્ટની ટાંકી એપાર્ટમેન્ટના રોડ પર ધડાકાભેર જમીનદોસ્ત થતાં તેેઓ સફાળા જાગી ઊઠ્યા હતા. આ ધડાકાનું કારણ તત્કાળ જાણવા ન મળતાં પહેલાં તો લોકોમાં ગભરાટ ફેલાયો હતો.

આ અંગે સ્થાનિક રહેવાસી મૌલિક પટવાનાે સંપર્ક કરતાં તેઓ કહે છે. અમારો એપાર્ટમેન્ટ વર્ષો જૂનો છે. છેક ૧૯૮૨માં તેનું નિર્માણ કરાયુુું હતું. એપાર્ટમેન્ટના ધાબા પર ત્રણ હજાર લિટરની ક્ષમતા ધરાવતી સિમેન્ટની ટાંકી હતી.

આ ટાંકી આજે સવારે ૫.૩૦ વાગ્યે ધડાકાભેર તૂટી પડી હતી. વહેલી સવારે આ ઘટના બની હોઈ સદ્દનસીબે કોઈને ઈજા થઈ નથી, પરંતુ એપાર્ટમેન્ટના રોડ પર પાર્ક કરાયેલા બે એક્ટિવાનાે ભુક્કાે બોલાઈ ગયાે હતાે. આની જાણ થતાં મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ સ્થળ પર તપાસ અર્થે દોડી આવ્યા હોઈ તંત્ર દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે.

You might also like