U-19: ક્વાર્ટર ફાઇનલમાં ઈંગ્લેન્ડને હરાવી ઓસ્ટ્રેલિયા સેમિફાઇનલમાં

ક્વીન્સટાઉનઃ અહીં ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી અંડર-૧૯ વિશ્વકપની પ્રથમ સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયાના લોયડ પોપની ઘાતક બોલિંગે અંગ્રેજ ટીમનો કચ્ચરઘાણ કાઢી નાખીને એકલા હાથે પોતાની ટીમને સેમિફાઇનલમાં પહોંચાડી દીધી હતી.

ઓસ્ટ્રેલિયાના કેપ્ટન જેસન સાંગાએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ તેનો આ નિર્ણય ખોટો પડતો હોય તેમ ઓસ્ટ્રેલિયાની ટીમ ૩૩.૩ ઓવરમાં ફક્ત ૧૨૭ રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. ત્યાર બાદ ૧૨૮ રનના સાવ નાના લક્ષ્યનો પીછો કરવા ઊતરેલી ઈંગ્લેન્ડની ટીમના બેટ્સમેનો ઓસ્ટ્રેલિયન બોલર લોયડ પોપ સામે ટકી શક્યા નહોતા અને આખી ટીમ ૨૩.૪ ઓવરમાં ફક્ત ૯૬ રન બનાવીને ઓલઆઉટ થઈ જતાં ઓસ્ટ્રેલિયાએ ૩૧ રને મેચ જીતી લઈ સેમિફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો હતો. લોયડ પોપે ૯.૪ ઓવરમાં ફક્ત ૩૫ રન આપીને ઈંગ્લેન્ડના આઠ બેટ્સમેનોને પેવેલિયન ભેગા કરી દીધા હતા.

ટોસ જીત્યા બાદ ઓસ્ટ્રેલિયાની બેટિંગમાં ઊતરી હતી અને એક તબક્કે ૮૬ રનમાં જ સાત વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ પૂંછડિયા બેટ્સમેનોએ થોડા થોડા રન બનાવીને ઓસ્ટ્રેલિયાની ટીમનો સ્કોર ૩૩.૩ ઓવરમાં ઓલઆઉટ થતાં પહેલાં ૧૨૭ રન સુધી પહોંચાડી દીધો હતો.

ઈંગ્લેન્ડ માટે લક્ષ્ય સાવ નાનું હતું. ઈંગ્લિશ ટીમ આસાનીથી જીતી જશે એવું લાગતું હતું. ઈંગ્લેન્ડની શરૂઆત પણ શાનદાર રહી હતી અને પ્રથમ વિકેટની ભાગીદારીમાં ટોન બેન્ટન અને લીઆમ બેન્ક્સે ૪૭ રન જોડ્યા હતા. ટોમ ઝડપી રન બનાવી રહ્યો હતો. પ્રથમ વિકેટના રૂપમાં લીઆમ બેન્ક્સ ફક્ત ત્રણ રન બનાવીને આઉટ થઈ ગયો હતો, બાકીના બધા જ ટોમ બેન્ટને બનાવ્યા હતા, પરંતુ ઓસ્ટ્રેલિયન બોલર લોયડ પોપ આજે કંઈક અલગ જ કરવાના મૂડમાં હતો.

તેણે એક પછી એક ઈંગ્લિશ બેટ્સમેનને પેવેલિયન ભેગા કરવાનું શરૂ કર્યું હતું અને પોતાના ૯.૪ ઓવરના ઘાતક સ્પેલમાં તેણે આઠ વિકેટ ઝડપીને ઈંગ્લેન્ડની ટીમની કમર તોડી નાખી હતી. ઈંગ્લેન્ડની આખી ટીમ ફક્ત ૨૩.૪ ઓવરમાં ૯૬ રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી.

You might also like