RTOમાં 1 ઓગસ્ટથી તમામ પેમેન્ટ ઓનલાઈન જ કરવું પડશે

અમદાવાદ: ૧ ઓગસ્ટથી આરટીઓની ૧૨ પ્રકારની કામગીરી ઉપરાંત તેનું પેમેન્ટ પણ હવે રોકડથી નહીં, પરંતુ ફરજિયાત ઓનલાઈન કરવું પડશે. જેના કારણે હવે પછી અરજદારોએ કાઉન્ટરો પર લાઈનમાં ઉભા રહેવું નહીં પડે. નવા વાહનોના રજિસ્ટ્રેશન ૩૦ અને ૩૧ જુલાઈએ બંધ રહેશે.

નવું વાહન ખરીદતી વખતે રજૂ થતા તમામ ડોક્યુમેન્ટ ઓનલાઈન અપલોડ કરવા પડશે, વાહનની તબદિલી (ટ્રાન્સફર) વાહનનું ઓનલાઈન પેમેન્ટ, વ્હિકલનું સરનામું બદલાવવું, ડુપ્લિકેટ આરસી બુક કઢાવવી, વાહનની લોન પૂરી થયા પછીની કાર્યવાહી, વિહિકલનું રજિસ્ટ્રેશન પૂરું થયા બાદ રિન્યૂની કામગીરી, વાહનનું એનઓસી, વિહિકલમાં નામ ટ્રાન્સફર, વિહિકલનાં ફિટનેસ સર્ટિફિકેટ, રિએસાઈન્મેન્ટ ઓફ રજિસ્ટ્રેશન નંબર, ડુપ્લિકેટ ફિટનેસ સર્ટિફિકેટ વગેરેનો સમાવેશ થાય છે. આરટીઓ એસ.પી. મુનિયાએ જણાવ્યું હતું કે ઉપરોક્ત તમામ પ્રક્રિયા આરટીઓમાં ઓનલાઈન થવાથી અરજદારોને લાંબી લાઈનોમાં ઊભા રહેવામાંથી મુક્તિ મળશે.

હવે વાહન ખરીદીના તમામ કાગળો અરજદારે અથવા ડિલરોએ વાહન ૪ સોફ્ટવેર પર ઓનલાઈન અપલોડ કરવા પડશે. ત્યારબાદ જ આરટીઓ અધિકારી મંજૂરી આપશે.  ત્યાર પછી વાહનનો નંબર જનરેટ થશે. તેનો એસએમએસ અરજદારને મળશે. ડીલરે ફરજિયાત વાહન માલિકનો મોબાઈલ નંબર અને ઈ-મેઈલ લખવાનો રહેશે.

અરજદારે ઓનલાઈન કામગીરી કરવા માટે Https/parivahan.gov.in વેબસાઈટ ઉપર જવું પડશે જેમાં તેને તમામ કામગીરીમાં વિકલ્પ આપવામાં આવ્યા હશે તે વિકલ્પ પસંદ કર્યા બાદ જરૂરી માહિતી અપલોડ કરીને છેલ્લે ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહેશે.

ત્યાર બાદ પેમેન્ટ રિસિપ્ટની પ્રિન્ટ કચેરીમાં રજુ કરવાની રહેશે. ફરિયાદ કરવા માટે સાયબર ડ્રેઝરી કચેરીઃ ૦૭૯-૨૩૨૫૭૩૨૫ અને ૨૩૨૫૭૩૨૬ પર કોલ કરવો. જો ડીલર આ પ્રક્રિયામાં સહકાર નહીં આપે તો તેની ડીલર‌િશપ રદ કરવા સુધીની કાર્યવાહી થશે. તમામ પ્રકારની ફીનું ચૂકવણું સાયબર ટ્રેઝરી પોર્ટલ અથવા પેમેન્ટ ગેટ વે પર થઈ શકશે. ગેટ વે પર SBI E-payનો વિકલ્પ લઈ શકાશે. વિભાગે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા સાથે ટાઇઅપ કર્યું છે, જોકે સાયબર ટ્રેઝરી પોર્ટલમાં રિફંડની સુવિધા નથી.

You might also like