Ahmedabadમાં સ્કૂલ બસ-રિક્ષા-વાન સામેની ડ્રાઈવ જારી

અમદાવાદ: શહેરમાં નિયમોને નેવે મૂકીને બેફિકરાઈથી શાળાએ જતાં બાળકોને લેવા મૂકતા જતાં સ્કૂલ વર્ધી વાહનોની આરટીઓએ આજે સઘન ચકાસણી કરી હતી. શહેરની જાણીતી અને જુદા જુદા વિસ્તારની ૧૨ શાળાઓ પર સવાર ના છ વાગ્યાથી જ વાહનોનું ચેકિંગ હાથ ધરાયું હતું જેમાં સૌથી વધુ સ્કૂલ વાન અને ત્યાર બાદ રિક્ષા સહિતના વાહનો નિયમ ભંગ બદલ ઝડપાયાં હતાં.

માર્ગો ઉપર ક્ષમતા કરતાં વધુ વિદ્યાર્થીઓને સ્કૂલ વાન કે રિક્ષામાં ભરવા,લાઇસન્સ કે ફિટનેસ વગર વાહનો દોડાવવાં,વીમા વગર વાહનો ચલાવવાં સહિતના અનેક નિયમોનો ભંગ કરીને વાહન ચલાવતા ચાલકોને કોઈનો ભય નથી આરટીઓ દ્વારા આવા સ્કૂલ વર્ધી વાહનોનું ચેકિંગ હાથ ધરાતાં ૧૨ શાળાઓનાં વાહનો ઝપટે ચઢયાં હતાં. શહેર અને જિલ્લામાં આવાં 50 હજારથી વધુ વાહનો સ્કૂલ વર્ધી વાહન તરીકે ફરે છે.

આ અંગે એ આરટીઓ એ. એસ. મોજનીદારે જણાવ્યું હતું કે ચેકિંગ દરમિયાન નિયમ ભંગ કરતાં કોઈપણ વાહનને છોડવામાં આવશે નહીં આવા વાહનો સામે દંડ સહિતની કાર્યવાહી કરી છે. જરૂર પડે ડિટેઇન કરવા કે પરમિટ રદ કરવાની આકરી કાર્યવાહી પણ થઇ શકે છે.

ક્ષમતાથી વધુ બાળકોને સ્કૂલ વાન કે રિક્ષામાં બેસાડવા છતાં વેકેશનની પણ ફી વસૂલ કરતા ખાનગી વાહન સંચાલકો સામે વાલીઓ મજબૂરીના માર્યા અવાજ ઉઠાવી શકતાં નથી.

પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ ચાંદખેડા, સાકાર ઈંગ્લિશ મિડિયમ સ્કૂલ ચાંદખેડા, ડીએવી સ્કૂલ મકરબા, દીવાન બલ્લુભાઈ સ્કૂલ પાલડી, અંકુર સ્કૂલ પાલડી, ડિવાઇન લાઈફ વાસણા, આઇડીપી સ્કૂલ ન્યૂ સી જી રોડ, ગંગોત્રી વિદ્યાલય જીવરાજપાર્ક, કામેશ્વર વિદ્યા મંદિર આનંદનગર, ચંદ્રમૌલી વિદ્યાલય સેટેલાઇટ, સન ફલાવર સ્કૂલ જીવરાજપાર્ક, સ્વસ્તિક હાઈસ્કૂલ સોલારોડ શાળાઓમાં આવતાં જતાં સ્કૂલ વર્ધી વાહનોની ચકાસણી આજે હાથ ધરાઈ હતી.

આરટીઓના ૩૬ કર્મીઓની કુલ ૧૨ ટીમ બનાવવામાં આવી હતી. આજે સવારથી ચાલી રહેલી ડ્રાઈવના પગલે સ્કૂલવાન ચાલકોએ વધુ સંખ્યામાં બેસાડેલા બાળકોને અન્ય રિક્ષામાં મોકલવાનું શરૂ કર્યું હતું છતાં કેટલાક ચાલકો ઝડપાઈ ગયા હતા.

You might also like