Monsoonની ગતિવિધિ અને પ્રથમ ક્વાર્ટરનાં પરિણામ બજાર માટે મહત્વનાં

શેરબજાર ગઇ કાલે છેલ્લે પોઝિટિવ બંધ થયું હતું. બીએસઇ સેન્સેક્સ ૨૫૭ પોઇન્ટને સુધારે ૩૫,૬૮૯, જ્યારે એનએસઇ નિફ્ટી ૮૦ પોઇન્ટને સુધારે ૧૦,૮૦૦ની ઉપર ૧૦,૮૨૧ પોઇન્ટની સપાટીએ બંધ જોવાઇ છે. નિફ્ટી ૧૦,૮૦૦ની ઉપર બંધ આવી છે તે એક સારી નિશાની છે, જોકે આગામી સપ્તાહે જૂન એક્સપાયરી છે, જેના પગલે શેરબજારમાં વોલેટાલિટી વધવાની શક્યતા છે.

નોંધનીય છે કે ચાલુ સપ્તાહમાં સેન્સેક્સમાં માત્ર ૬૭ પોઇન્ટનો જ સુધારો નોંધાતો જોવા મળ્યો હતો. ઓપેકની બેઠકમાં ક્રૂડનાં ઉત્પાદનમાં વધારો કરવાનો નિર્ણય લેવાયો છે તે એક સારી બાબત છે, પરંતુ બીજી બાજુ અમેરિકા અને ચીન વચ્ચેના વેપાર સંબંધો તંગ બન્યા છે. આગામી સપ્તાહમાં ટ્રેડ વોરને લઇને ઊભી થયેલી સ્થિતિ પર બજારની નજર રહેશે.

એપ્રિલથી જૂનનું ક્વાર્ટર પૂરું થવાની તૈયારીમાં છે. નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮ના પ્રથમ ત્રિમાસિક સમયગાળાનાં પરિણામ આગામી જુલાઇ મહિનાથી આપવાના શરૂ થઇ જશે. એફએમસીજી, કન્ઝ્યુમર ગુડ્સ સેક્ટરની કંપનીનાં પરિણામ સારા આવી શકે છે તેવો મત નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરાયો છે.

શેરબજારમાં આગામી દિવસોમાં સેક્ટરની કંપનીના શેરમાં પોઝિટિવ મૂવમેન્ટ જોવા મળી શકે છે. એટલું જ નહીં ઓપેક દેશ દ્વારા ક્રૂડના ઉત્પાદનમાં વધારો કરવાનો નિર્ણય કરાયો છે. ઓઇલ કંપનીના શેરમાં આગામી સપ્તાહમાં શરૂઆતમાં સુધારાની ચાલ જોવા મળી શકે છે.

જાણકારોના જણાવ્યા પ્રમાણે દેશના ગુજરાત સહિત પશ્ચિમનાં રાજ્યોમાં ચોમાસું બે સપ્તાહ લંબાયું છે. પાછલા કેટલાક વર્ષથી ચોમાસું લંબાઇ રહ્યું છે. આ વખતે પણ આ પ્રકારની જ પેટર્ન જોવા મળી રહી છે. તે બજાર માટે ચિંતાજનક છે. આગામી સપ્તાહમાં પણ શેરબજારમાં ‘સ્ટેડી’ ચાલ જોવા મળી શકે છે. નિફ્ટીમાં ૧૦૦થી ૧૫૦ પોઇન્ટની મૂવમેન્ટ જોવા મળે તેવી શક્યતા છે. નિફ્ટી ૧૦,૭૦૦ સપોર્ટ લેવલ ગણાવી શકાય.

You might also like