SEBIના મૂડીબજાર અંગે મહત્વપૂર્ણ નિર્ણયઃ IPOનું લિસ્ટિંગ ત્રણ દિવસમાં

મુંબઇ: બજારમાં ફંડ મેળવવાની પ્રક્રિયાને વેગ આપવા મૂડીબજાર નિયામક સેબીએ કેટલાક મહત્ત્વના નિર્ણય લીધા છે. મંગળવારે યોજાયેલી સેબીની બોર્ડ બેઠકમાં શેરબજારમાં આઇપીઓના લિસ્ટિંગનો સમય છ દિવસથી ઘટાડીને ત્રણ દિવસ કરવાનો નિર્ણય લેવાયો છે. બોર્ડે આઇપીઓમાં શેર ખરીદવા માટે છૂટક રોકાણકારોને યુપીઆઇ દ્વારા પેમેન્ટની સુવિધા આપવાનો નિર્ણય પણ કર્યો છે.

સેબીની બોર્ડ બેઠકમાં મૂડીબજારને લગતા કેટલાક મહત્ત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. સેબીએ બજારમાંથી ડી લિસ્ટ થવાની પ્રક્રિયામાં પણ ફેરફાર કર્યો છે તેનાથી આ પ્રક્રિયાની વર્તમાન ખામીઓ દૂર કરી શકાશે. સેબીએ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણના ખર્ચને ઘટાડવાના પ્રસ્તાવ પર પણ મંજૂરીની મહોર મારી દીધી છે.

બેઠકમાં આવા ફંડ પર કુલ ખર્ચની મર્યાદા ૨.૨૫ ટકા કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સેબીના ચેરમેન અજય ત્યાગીએ જણાવ્યું હતું કે મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગે તમામ સ્કીમમાં કમિશન માટે ફુલ ટ્રાયલ મોડલ અપનાવવું પડશે. વર્તમાનમાં મ્યુચ્યુઅલ ફંડ પોતાના ડિસ્ટ્રબ્યૂટરને બે ટકા જેટલું કમિશન આપે છે.

સેબીએ વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (એફપીઆઇ) માટે નવા કેવાયસી નિયમ લાવવાની પણ વાત કરી છે. સાથેસાથે વિદેશી એકમોને કોમોડિટી ડે‌િરવેટિવ માર્કેટમાં રોકાણની મંજૂરી પણ આપવામાં આવી છે. કેટલીક સંવેદનશીલ કોમોડિટી સિવાય તમામ કોમોડિટીમાં હવે વિદેશી રોકાણકારો રોકાણ કરી શકશે.

સેબીએ ઘરેલુ મૂડીબજારમાં પ્રવેશને એફપીઆઇ માટે એક કોમન એપ્લિકેશન ફોર્મ લાવવાના પ્રસ્તાવને પણ મંજૂરી આપી છે. તેનાથી વિદેશી રોકાણકારોનો ભારતીય મૂડીબજારમાં પ્રવેશ સરળ બનશે. ખેડૂતોને ફાયદો કરાવવાના હેતુથી સેબીએ એગ્રિ કોમોડિટી ડે‌િરવેટિવ એક્સચેન્જથી એકસાથે રૂ. એક લાખની ફી લેવાની પણ જાહેરાત કરી છે.

પ્રથમ ટર્નઓવરના આધારે આ ફી લેવામાં આવશે. આ ફી લેવાનો લાભ ખેડૂતો સુધી પહોંચાડવા માટે સેબીએ એક્સચેન્જને ખેડૂતો/એફપીઓના લાભ માટે અલગ ફંડ બનાવવાની પણ વાત કરી છે.

મોટી લિસ્ટેડ કોર્પોરેટ કંપનીઓને હવે પોતાના લાંબા ગાળાની લોનનો ઓછામાં ઓછો ૨૫ ટકા હિસ્સો બોન્ડ દ્વારા એકત્ર કરવો પડશે. આ વ્યવસ્થા ૧ એપ્રિલ, ૨૦૧૯થી અમલમાં આવશે. સેબીએ જણાવ્યું છે કે નવા નિયમો હેઠળ લિસ્ટેડ કોમર્શિયલ બેન્કને બાદ કરીને અન્ય કંપનીઓને કેટલાક માપદંડના આધારે મોટી કંપની તરીકે વર્ગીકૃત કરવામાં આવશે. આ નિર્ણય અનુસાર એક વર્ષથી વધુ મેચ્યોરિટીવાળા બોન્ડને લાંબા ગાળાનું કરજ કે લોન માનવામાં આવશે.

નિયમો અનુસાર વધેલા કરજ કે લોનનો ૨૫ ટકા ભાગ બોન્ડ બજાર દ્વારા એકત્ર કરવાના નિયમનો ૨૦૨૧-૨૨ બાદ બે-બે વર્ષમાં તેની સમીક્ષા કરવામાં આવશે. બે વર્ષની સમયમર્યાદામાં બોન્ડ દ્વારા કરજ મેળવવામાં કોઇ ત્રૂટિ જણાશે તો તેના પર ૦.૨ ટકાનો દંડ કરાશે.

સેબી દ્વારા લેવાયેલા મહત્વપૂર્ણ નિર્ણય ઊડતી નજરે
• આઈપીઓના લિસ્ટિંગનો સમય છ દિવસથી ઘટાડી ત્રણ દિવસ કરાયો. • આઇપીઓમાં શેર ખરીદવા માટે છૂટક રોકાણકારોને યુપીઆઇ દ્વારા પેમેન્ટ કરવાની સુવિધા આપવાનો નિર્ણય • બજારમાંથી ડીલિસ્ટ કરવાની પ્રક્રિયામાં પણ ફેરફાર કરાયો. • મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણનો ખર્ચ ઘટાડીને કુલ ખર્ચની મર્યાદા ૨.૨૫ ટકા કરાઈ. • મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીએ તમામ સ્કીમમાં કમિશન માટે ફુલ ટ્રાયલ મોડલ અપનાવવું પડશે. • કોમોડિટી ડેરીવેટિવ બિઝનેસમાં વિદેશી રોકાણકારોને રોકાણ કરવા મંજૂરી અપાઇ. • એફપીઆઇ માટે એક કોમન એપ્લિકેશન ફોર્મ લાવવાના પ્રસ્તાવને મંજૂરી. • ભાગેડુ આર્થિક અપરાધીઓ દ્વારા શેરની ખરીદી પર પ્રતિબંધ મુકાયો. • ખેડૂતોની સુવિધા માટે વાયદા કારોબાર પર પ્રતિ એક્સચેન્જ રૂ. એક લાખની સમાન ફી લેવાનો નિર્ણય કરાયો, જોકે ઇક્વિટી ટ્રેડિંગના સમયને લંબાવવા માટે હજુ કોઇ નિર્ણય કરાયો નથી.

You might also like