મ્યુનિસિપલ હદમાં ભેળવાયેલા ગામતળ વિસ્તારોમાં ગેરકાયદે બાંધકામોનો રાફડો

અમદાવાદ: સમગ્ર અમદાવાદમાં ગેરકાયદે બાંધકામોના રાફડે રાફડા છે. નરોડાથી નારોલનો પટ્ટો કહો કે દાણાપીઠની મ્યુનિ. મુખ્યાલયના આસપાસનો વિસ્તાર ગણો પરંતુ તંત્રની ઐસી કી તૈસી કરીને ઠેર ઠેર મોટાં મોટાં કોમ્પ્લેક્સ ઊભાં કરી દેવાયાં છે. જો કે કોર્પોરેશનના નવા વિસ્તારો પણ ગેરકાયદે બાંધકામોના દૂષણથી બાકાત નથી. નવા વિસ્તારમાં બેરોકટોક ગેરકાયદે બાંધકામો થતાં હોઇ મ્યુનિ. તિજોરીને આવકમાં પણ ફટકો પડી રહ્યો છે.

રાજ્ય સરકાર દ્વારા ગત તા.૧૪ ફેબ્રુઆરી, ર૦૦૬એ ઔડા લિમિટની સાત નગરપાલિકા વિસ્તાર અને ગત તા.ર૦ જુલાઇ, ર૦૦૬એ ઔડા લિમિટની વધુ દશ નગરપાલિકા તેમજ ત્રીસ ગ્રામ પંચાયતોને કોર્પોરેશન હદ વિસ્તારમાં ભેળવી દેવાયો હતો. પરંતુ આ નવા વિસ્તારોને લગતું ઝોનનું માળખું કે ચુંટાયેલી પાંખને અસ્તિત્વમાં આવતાં વર્ષો લાગી ગયાં હતાં.
આજે દસ વર્ષ બાદ પણ નવા વિસ્તારોને પાણી, ગટર, રસ્તા જેવી માળખાકીય સુવિધાઓ આપી શકાઇ નથી. પરંતુ તંત્રની લાપરવાહીથી કોર્પોરેશનના નવા વિસ્તારોમાં બેફામ ગેરકાયદે બાંધકામોનું નિર્માણ થઇ રહ્યું છે જે અંગે સંલગ્ન વોર્ડના કોર્પોરેટરો પણ ફરિયાદો કરી રહ્યા છે.

ખાસ કરીને નવા નિકોલ, નવા નરોડા, રામોલ, હાથીજણ, વટવા ગામ, વિંઝોલ, ગોતા, સાયન્સ સિટી, સોલા ગામ, ફતેહવાડી, શીલજ,ભાડજ. પીપળજ, ફતેહવાડી, ગ્યાસપુર ભઠ્ઠા જેવા નવા વિસ્તારમાં થતી બાંધકામની પ્રવૃત્તિ પર નજર રાખવા માટે કોર્પોરેશન પાસે અસરકારક વ્યવસ્થા જ નથી. અનેકવાર જે તે ઝોનના એસ્ટેટ વિભાગના અધિકારીઓ ઉપર વહીવટી હોવાના આક્ષેપ ઉઠ્યા છે. મ્યુનિ. બોર્ડમાં પણ આ પ્રકારના ગંભીર આક્ષેપ થતા રહ્યા છે.

અમદાવાદ ઇમ્પેક્ટ ફીની યોજના એકંદરે નિષ્ફળ નિવડી છે. સત્તાવાળાઓ પણ ‘કટ ઓફ ડેટ’ પછીના ગેરકાયદે બાંધકામોને ફક્ત નોટિસ ફટકારવાનું નાટક કરી રહ્યા છે. ગેરકાયદે બાંધકામોનાં વધેલાં દૂષણથી શહેરમાં ટીપી સ્ક્રીમના સુવ્યવસ્થિત અમલીકરણનાં ફાંફાં, ટ્રાફિકના પ્રશ્નો, મ્યુનિ. રિઝર્વ પ્લોટ પર દબાણ જેવી અનેક પ્રકારની સમસ્યાઓ દિનપ્રતિદિન વિકરાળરૂપ લઇ રહી છે.

You might also like