IL&FS ડૂબવાના આરેઃ રૂ. 91 હજાર કરોડનો ટાઈમ બોમ્બ ગમે ત્યારે ફૂટશે

નવી દિલ્હી: ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરને લોન આપનારી દિગ્ગજ કંપની ઇન્ફ્રાસ્ટ્રક્ચર લીઝિંગ એન્ડ ફાઇનાન્શિયલ સર્વિસીઝ લિ. (આઇએલએન્ડએફએસ) હવે સ્વયં પોતાનું કરજ ચૂકવવા અસમર્થ બની ગઇ છે, જેના કારણે તેની સીધી અસર દેશના નાણાકીય બજાર પર પડી રહી છે.

છેલ્લાં કેટલાંક વર્ષથી સતત સારું રિટર્ન આપનારી નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓ (એનબીએફસી)ને લઇને રોકાણકારોમાં અચાનક ફફડાટ વ્યાપી ગયો છે. એનબીએફસીમાં વેચવાલીથી બજારનું સેન્ટિમેન્ટ અચાનક બગડતાં છેલ્લા કેટલાક દિવસોથી બજારમાં મોટો કડાકો જોવા મળ્યો છે.

રોકાણકારોના અબજો રૂપિયા ડૂબી ગયા છે. નિષ્ણાતો તેને ક્યાંક ને ક્યાંક આઇએલએન્ડએફએસ સાથે સાંકળી રહ્યા છે. આઇએલએન્ડએફએસ પર રૂ. ૯૧ હજાર કરોડનું કરજ છે અને હાલ તે કેશ કટોકટીનો સામનો કરી રહી છે. રૂ. ૯૧ હજાર કરોડના કરજમાં માત્ર આઇએલએન્ડએફએસના ખાતામાં ૩૫ હજાર કરોડ રૂપિયા છે, જ્યારે ફાઇનાન્શિયલ સર્વિસીઝ કંપની પર રૂ. ૧૭ હજાર કરોડ બાકી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે રૂ. ૫૭ હજાર કરોડ બેન્કોના બાકી છે. મોટા ભાગની ભાગીદારી સરકારી બેન્કોની છે. આમ, સમગ્ર નાણાકીય વ્યવસ્થા અને તંત્ર પર આ રૂ. ૯૧ હજાર કરોડનો બોમ્બ ગમે ત્યારે ફાટે તેમ છે તેથી શેરબજાર અને નાણાકીય બજારોમાં ભારે ગભરાટ પ્રવર્તે છે.

કેશ કટોકટીનો સામનો કરી રહેલ આઇએલએન્ડએફએસ ગ્રૂપ માટે બ્લુમ્બર્ગ ન્યૂઝ એજન્સીના અહેવાલમાં સિડબીને ટાંકીને એવું જણાવાયું છે કે તેણે આઇએલએન્ડએફએસ વિરુદ્ધ એનસીએલટી સમક્ષ ઇનસોલ્વન્સી અરજી દાખલ કરી છે, જોકે અેવા પણ અહેવાલ છે કે એલઆઇસીએ કહ્યું છે કે તેઓ આઇએલએન્ડએફએસને ડૂબવા દેશે નહીં.

You might also like