‘2019માં જો BJP જીતશે તો ભારત બની જશે હિન્દુ-પાકિસ્તાન’

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન શશિ થરૂરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે. થરૂરે કહ્યું કે જો 2019માં યોજાનાર લોકસભા ચૂંટણીમાં ભાજપની જીત થશે તો ભારતનું બંધારણ મુશ્કેલમાં મુકાઇ જશે. ભારત હિન્દુ પાકિસ્તાન બની જશે.

શશી થરૂરે ભાજપ પર આકરા પ્રહાર કરતાં કહ્યું કે આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપની જીત થશે તો લોકતાંત્રિક મૂલ્ય ખતરામાં પડી જશે. જો કે કોંગ્રેસના સાંસદ શશી થરૂરના આ નિવેદન પર ભાજપે પલટવાર કર્યો છે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું કે શશી થરૂરના આ નિવેદન પર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ માફી માંગવી જોઇએ.

સંબિત પાત્રાએ કહ્યું કે આ જ કોંગ્રેસ પાર્ટીએ પોતાના સ્વાર્થ માટે પાકિસ્તાનને જન્મ આપ્યો હતો. પાકિસ્તાન આજે ટેરરિસ્તાન છે, જેની સરખામણી ભારતની સાથે ન કરી શકાય. સંબિત પાત્રાએ કહ્યું કે કોંગ્રેસ પક્ષ વારંવાર ભારતને નીચો દેખાડવાનો પ્રયાસ કરી રહ્યું છે, તેની સાથે હંમેશા હિન્દુઓને ગાળો આપવાનું કામ કર્યું છે.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર નિશાન તાકતા પાત્રાએ કહ્યું કે આ પહેલા રાહુલ ગાંધીએ હિન્દુઓને સેફ્રોન ટેરરિસ્ટ કહ્યા હતા. હવે તેમના નેતા શશિ થરૂરે હિન્દુઓને ગાળ આપી છે. જેને લઇને રાહુલ ગાંધીએ માફી માગવી જોઇએ. જો કે આ પહેલી વાર નથી કે કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ પર આકરા પ્રહાર કર્યા હોય.

You might also like