ICUમાં દાખલ યુવતીઅે કાગળમાં લખ્યું, મારા પર બળાત્કાર થયો છે!

અમદાવાદ: શહેરના ઇન્દિરા બ્રિજ નજીક આવેલી એપોલો હોસ્પિટલમાં આઇસીયુમાં ડેન્ગ્યુની સારવાર લઇ રહેલી યુવતીએ હોસ્પિટલના સર્વન્ટ તેમજ ડોકટર સામે શારીરિક છેડછાડ અને બળાત્કાર ગુજાર્યાની ફરિયાદ નોંધાવી છે. અડાલજ પોલીસે બંને વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અમદાવાદમાં રહેતી એક યુવતીને થોડા દિવસ અગાઉ ડેન્ગ્યુ થયો હતો. ડેન્ગ્યુની અસર વધી જતાં યુવતીને ભાટ ગામ નજીક આવેલી એપોલો હોસ્પિટલમાં આઇસીયુ વોર્ડમાં ભરતી કરવામાં આવી છે. ચાર દિવસથી આ યુવતી હોસ્પિટલના આઇસીયુ વોર્ડ નં.૯માં સારવાર લઇ રહી છે. ડેન્ગ્યુના કારણે ગંભીર હોઇ તે અર્ધ બેભાન હાલતમાં હતી. ગઇ કાલે બપોરે યુવતીએ એક કાગળમાં પોતાની સાથે શારીરિક છેડછાડ અને બળાત્કાર થયો હોવાનું લખી તેના પરિવારજનોને જણાવ્યું હતું.

પોતાની દીકરી સાથે આ રીતે ડોકટર અને સર્વન્ટ દ્વારા વર્તન કરાયું હોઇ આ મામલે અડાલજ પોલીસને જાણ કરાઇ હતી. બનાવની ગંભીરતાને લઇ અડાલજ પોલીસ અને ઉચ્ચ અધિકારીઓનો કાફલો હોસ્પિટલ દોડી ગયો હતો. સૂત્રોનાં જણાવ્યા મુજબ યુવતીની હાલત નાજુક હોઇ તે બોલી શકતી નહોતી. પોતાની સાથે અજુગતું થયું હોવાનું લાગતાં તેણે આ બાબતે કાગળ પર લખી જાણ કરી હતી. ઘટનાની ગંભીરતાને લઇ મેજિસ્ટ્રેટ સામે પણ નિવેદન નોંધાવવામાં આવ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. એપોલો હોસ્પિટલના આઇસીયુ વોર્ડમાં જ આ રીતે યુવતી સાથે દુષ્કર્મ થતાં હોસ્પિટલમાં હોબાળો મચી ગયો હતો. ઘટનાને લઇ અડાલજ પોલીસ સ્ટેશનના પીઆઇ અને અન્ય પોલીસ કર્મીઓએ કોઇ જવાબ આપ્યો નહોતો. પોલીસ દ્વારા ફરિયાદને લઇ તમામ હકીકત છુપાવવાનો પ્રયત્ન કરવામાં આવતો હતો. અડાલજ પોલીસે હોસ્પિટલમાં ફરજ બજાવતા કર્મચારી ચંદુ અને એક અજાણ્યા ડોક્ટર સામે ફરિયાદ નોંધવી છે.

ગાંધીનગર જિલ્લા પોલીસ વડા ‌વીરેન્દ્રસિંહ યાદવે જણાવ્યું હતું કે હાલમાં ફરિયાદ નોંધવામાં આવી છે. આ બાબતે તપાસ કરવામાં આવશે. ઘટના બાબતે એપોલો હોસ્પિટલના સત્તાધીશોને પૂછતાં આ બાબતે જણાવ્યું હતું કે હાલમાં પોલીસ તપાસ કરી રહી છે જેથી અમે કશું કહી શકીઅે તેમ કહી જવાબ આપવાનું ટાળી દીધું હતું. હાલમાં પોલીસે હોસ્પિટલના સીસીટીવી ફૂટેજ અને અન્ય હોસ્પિટલના સ્ટાફના નિવેદનો લેવાનું શરૂ કર્યું છે.

જો કે પોલીસ સ્ટેશનમાં યુવતી દ્વારા જે કાંઈ પણ કાગળમાં લખ્યું છે અને ફરિયાદ નોંધવામાં અાવી છે તે બાબતે કશું જ કહેવા તૈયાર નથી જેથી સ્પષ્ટ જણાઈ અાવે છે કે પોલીસ દુષ્કર્મ જેવા ગંભીર કેસમાં હોસ્પિટલના ડોક્ટર અને વોર્ડબોયને બચાવવાનો પ્રયત્ન કરી રહી હોવાનું જણાય છે. યુવતીના સેમ્પલ લઈ અને સિવિલ હોસ્પિટલમાં તપાસ માટે મોકલી અાપવામાં અાવ્યા છે.

You might also like