ICC રેન્કિંગઃ કોહલી અને ટીમ ઇન્ડિયા ટોચ પર

નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ આઇસીસી વર્લ્ડ ટી-૨૦ બેટ્સમેનોના રેન્કિંગમાં ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે, જ્યારે ટીમ ઇન્ડિયા પણ રેન્કિંગમાં ટોપ પર રહી છે. બીજી વાર વર્લ્ડ ટી-૨૦નો ખિતાબ જીતનારી કેરેબિયન ટીમ બીજા સ્થાન પર પહોંચી ગઈ છે, તેના ૧૨૫ પોઇન્ટ છે અને તે ભારતીય ટીમથી ફક્ત એક પોઇન્ટ પાછળ છે. ઈંગ્લેન્ડ ચોથા અને દક્ષિણ આફ્રિકા પાંચમા સ્થાન પર છે, જ્યારે ન્યૂઝીલેન્ડે પોતાનું ત્રીજા નંબરનું સ્થાન જાળવી રાખ્યું છે.

બેટ્સમેનોના રેન્કિંગમાં વિરાટ કોહલી નંબર વન પર છે, જેને ટી-૨૦ વર્લ્ડકપમાં પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ જાહેર કરવામાં આવ્યો હતો. ઓસ્ટ્રેલિયાનો એરોન ફિંચ ૮૬ પોઇન્ટ સાથે બીજા સ્થાને છે. ઇંગ્લેન્ડનો જો રૂટ પહેલી વાર ટોપ ફાઇવમાં પહોંચ્યો છે અને તે સાત સ્થાનની છલાંગ લગાવીને ચોથા સ્થાને પહોંચી ગયો છે. ફાઇનલમાં મેન ઓફ ધ મેચ જાહેર થનાર માર્લોન સેમ્યુઅલ ૧૮મા સ્થાને છે. જ્યારે ઈંગ્લેન્ડનો જોસ બટલર ત્રણ સ્થાન ઉપર ચડીને ૨૪મા સ્થાને પહોંચી ગયો છે.

બોલિંગમાં ભારતના જસપ્રીત બુમરાહ અને આશિષ નેહરાએ પોતાની કરિયરની સર્વશ્રેષ્ઠ રેન્કિંગ હાંસલ કરી છે. વેસ્ટ ઇન્ડીઝનો સેમ્યુઅલ બદ્રી નંબર એક પર છે, જ્યારે ઇમરાન તાહિર બીજા સ્થાને છે. ભારતનો રવિચંદ્ર અશ્વિન ત્રીજા સ્થાન પર છે. ઓલરાઉન્ડરની યાદીમાં શેન વોટસન ટોચ પર છે, જ્યારે બાંગ્લાદેશનો શાકિબ અલ હસન બીજા અને પાકિસ્તાનનો શાહિદ આફ્રિદી ત્રીજા સ્થાને છે.  અમદાવાદનો જસપ્રીત બુમરાહ પોતાની નાનકડી કરિયરમાં ઘાતક યોર્કર દ્વારા દુનિયાભરના બેટ્સમેનો પર ધાક જમાવવામાં સફળ રહ્યો છે

You might also like