ICC આચારસંહિતા અને DRSમાં ફેરફાર કરાયો

દુબઈઃ આઇસીસીએ ખેલાડીઓ અને ખેલાડીઓના સહયોગી સ્ટાફ માટે આઇસીસી આચારસંહિતા તથા ડીઆરએસમાં અમ્પાયરના કોલ માટે ફેરફાર કર્યા છે. આચારસંહિતાના અપરાધોની યાદી કે પ્રત્યેક અપરાધ માટે ચેતવણી, દંડ, સસ્પેન્શન વગેરેમાં કોઈ ફેરફાર કરાયો નથી, પરંતુ આચારસંહિતાનું ઉલ્લંઘન કરનારા ખેલાડીના નામ પર નકારાત્મક પોઇન્ટ જમા થશે, જેનાથી સતત ભૂલો કરનારા ખેલાડીઓને સસ્પેન્ડ કરી શકાશે.

નકારાત્મક પોઇન્ટ કોઈ પણ ખેલાડીના ખાતામાં બે વર્ષ સુધી જમા રહેશે. આ પોઇન્ટની ગણતરી ગઈ કાલ એટલે કે ૨૨ સપ્ટેમ્બરથી શરૂ થઈ ચૂકી છે. એલબીડબલ્યુને લઈને અમ્પાયરના કોલ સાથે સંબંધિત ડીઆરએસનો નિયમ પણ ગઈ કાલથી અમલી થઈ ગયો છે. આ નિયમ પ્રમાણે પહેલી મેચ આગામી રવિવારે દક્ષિણ આફ્રિકા અને આયર્લેન્ડ વચ્ચે બેનોનીમાં રમાશે. આ પરિવર્તન બાદ એવું માનવામાં આવી રહ્યું છે કે આ ફેરફારથી બોલર્સને વધુ ફાયદો થશે અને મેદાન પરના અમ્પાયરનો નિર્ણય ત્રીજા અમ્પાયરને મોકલવાથી વધુ બેટ્સમેનોને આઉટ આપી શકાશે. અગાઉના નિયમ પ્રમાણે લાઇન સ્ટમ્પની વચ્ચે માનવામાં આવતી હતી, નવા નિયમ પ્રમાણે લાઇન સ્ટમ્પના બહારના હિસ્સાથી માનવામાં આવશે.

You might also like