ICCના CEO રિચર્ડસન ટી-૨૦ વર્લ્ડ કપમાં વધુ બે ટીમ ઈચ્છે છે

નવી દિલ્હી: આઇસીસીના સીઈઓ ડેવિડ રિચર્ડસનને ટી-૨૦ વર્લ્ડ કપની વર્તમાન પદ્ધતિથી સંતોષ છે, પણ તેમણે કહ્યું છે કે ભવિષ્યની ટૂર્નામેન્ટમાં તેઓ પહેલા અને બીજા રાઉન્ડમાં વધુ બે ટીમનો સમાવેશ ઇચ્છે છે. દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ વિકેટકીપર રિચર્ડસને કહ્યું કે સ્પર્ધાની વર્તમાન પદ્ધતિ સફળ રહી છે. ટીમની સંખ્યામાં વધારો કરવાથી આઈ.સી.સી. જોડે સંકળાયેલાં એસોશિયેટ રાષ્ટ્રોને વધુ તક મળશે.

ઓલિમ્પિક સ્પોર્ટ્સ તરીકે ક્રિકેટ માટે રિચર્ડસને કહ્યું, ”૨૦૨૪ના ઓલિમ્પિક રમતોત્સવમાં ક્રિકેટનો સમાવેશ કરવા માટે આઈસીસીનાં સભ્ય-રાષ્ટ્રોમાંથી સમૂહમાં અને ખાસ કરી બીસીસીઆઈ તરફથી સહકાર મળવો જરૂરી છે. આઈઓસી (ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કાઉન્સિલ)ને બીચ ક્રિકેટ અથવા ટીમ દીઠ છ ખેલાડીની ક્રિકેટમાં રસ નથી અને તે ક્રિકેટનો ટી-૨૦ પ્રકાર ઇચ્છે છે, પણ તે માટે આઈસીસીનાં બધાં સભ્ય-રાષ્ટ્રોની મંજૂરી જરૂરી છે.” રિચર્ડસને જણાવ્યું, ”શું આપણે વધુ એક કે બે ટીમને જોડીને ટૂર્નામેન્ટનો આકાર વધારી શકીએ છીએ કે કેમ? અથવા પહેલા રાઉન્ડમાં પ્રત્યેક ગ્રૂપમાં એક ટીમ. મને લાગે છે કે જો આપણે આવું કર્યું તો પહેલાં તો અમે અન્ય ટીમોને વધુ તક આપીશું અને બીજું, જો તમે બે મેચ ગુમાવી દીધી હોય તો પણ તમારી પાસે પાંચ ટીમના ગ્રૂપમાં આગળ વધવાની તક રહેશે, જ્યારે ચાર ટીમના ગ્રૂપમાં તમે બહાર ફેંકાઈ જાઓ છો.”

You might also like