Video: અંતે Dy.CM માની ગયા! આજે સચિવાલયમાં ચાર્જ સંભાળશે, કોંગ્રેસના લાભ ખાટવાના પ્રયત્નો પર કર્યો વાર

નારાજ ચાલી રહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આખરે રાજી થઈ ગયા છે. નીતિન પટેલને હવે નાણાં મંત્રાલય અથવા શહેરી વિકાસ ખાતું સોંપાઈ શકે છે. નારાજ નીતિન પટેલે ભાજપ સાથે ચાલી રહેલા ખટરાગનો આજે મીડિયા સમક્ષ ખુલ્લા મને જવાબ આપ્યો છે. તેમણે ભાજપ અને મીડિયાનો આભાર વ્યક્ત કરી કહ્યું હતું કે, ‘મારી લાગણી મેં મોવડીમંડળ સુધી પહોંચાડી છે અને અનુભવને ધ્યાનમાં રાખીને શોભે તેવા ખાતા સોંપવામાં આવે તેવી માગ કરી છે.’

આખરે રિસાઈને બેસેલા નીતિન પટેલ અમિત શાહ સાથે વાત કરીને માની ગયા છે. તેમણે માની ગયા બાદ પહેલી પત્રકાર પરિષદ કરી હતી અને કહ્યું હતું કે, ‘મને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યો છે અને બીજા નંબરના મંત્રીને શોભે તેવા ખાતા મને મળ્યા નથી. મારી પાસે પહેલા હતા તે ખાતા પણ હવે અપાયા નથી. મારી લાગણી મેં મોવડીમંડળ સુધી પહોંચાડી છે. આજે સવારે અમિત શાહનો મારા પર ફોન આવ્યો હતો. તેમણે મને યોગ્ય ખાતા આપવાનો વાયદો કર્યો છે.’

અમિત શાહની નીતિન પટેલને અપાયેલી બાંહેધરી બાદ હવે CM વિજય રૂપાણી પક્ષે ખાતા આપ્યા છે તેવો પત્ર રાજ્યપાલને સોંપશે. ત્યારબાદ જ હું મારો ચાર્જ સંભાળીશ. નીતિન પટેલે ભાજપને યોગ્ય ખાતા ન ફાળવાય ત્યાં સુધી મંત્રીમંડળમાંથી મુક્ત રાખવાની અપીલ પણ કરી હતી.

નીતિન પટેલે એવું પણ કહ્યું કે, ‘મને નાણાં મંત્રાલય અને શહેરી મંત્રાલય જેવા યોગ્ય ખાતા આપવામાં આવ્યા ન હતા. મને મારા પદને શોભે તેવા ખાતા અપાય તેવી માગણી મેં કરી છે અને પક્ષે મારી લાગણીને માન આપવાના આશ્વાસનની વાત કરી છે. મને નવા મંત્રીપદનું આશ્વાસન અપાયું છે.’

જો કે 11.15 વાગ્યે પત્રકાર પરિષદ બાદ નીતિન પટેલ સચિવાલય જવા રવાના થઈ ગયા છે. હું મારા કાર્યાલય પર જઈને મારો ચાર્જ સંભાળીશ. શનિવારે નીતિન પટેલે ભૂપેન્દ્ર સિંહ ચુડાસમા, પ્રદીપસિંહ સાથે મુલાકાત કરી હતી. વી. સતિષજી સાથે પણ પોણા કલાક સુધી તેમણે મુલાકાત કરી હતી. આ તમામ મુલાકાતો બાદ આખરે તેઓ માની ગયા છે.

નીતિન પટેલે કાર્યકરોનો આભાર માનતાં કહ્યું હતું કે, મારી સાથે રહેવા બદલ તમામ કાર્યકરોનો આભાર માનું છું. મેં કોઈને બોલાવ્યા નથી, છતાં તમામ કાર્યકરો મારી સાથે રહ્યા હતા. મારી વાત કોઈ હોદ્દા કે સત્તા માટેની ન હતી. વાત મારા સન્માનની હતી. નાયબ મુખ્યમંત્રીને શોભે તેવા ખાતા મળે તેવી મારી લાગણી હતી.

નીતિન પટેલે કોંગ્રેસ અને હાર્દિક પર વાર કરતાં એવું પણ કહ્યું હતું કે, ‘આવા પ્રકારના સંજોગોનો કેટલાક લોકો ફાયદો લેવા માગતા હોય છે. કોંગ્રેસે પણ મને પાર્ટીમાં આવવાની ઑફર કરી દીધી અને અન્ય લોકોએ પણ મને પાર્ટી છોડવા કહ્યું હતું, પરંતુ મારો ભાજપ સાથેનો નાતો 40 વર્ષ જૂનો છે. મને ભાજપે જ બનાવ્યો છે. હું છેલ્લા 40 વર્ષથી પાર્ટીની સેવા કરી રહ્યો છું, અને કરતો રહીશ. મે મુશ્કેલીના સમયમાં અને દરેક સારા સમયમાં પણ પાર્ટીનો સાથ આપ્યો છે અને હવે પાર્ટીએ મને સાથ આપ્યો છે, તેના માટે હું પાર્ટીનો આભારી છું.’

You might also like