‘હું નરેન્દ્ર મોદી બનવા માંગુ છું’ ફિલ્મ ચૂંટણી પહેલા જ લૉન્ચ થશે, પ્રચારમાં ગીતોનો ઉપયોગ થશે

આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો દ્વારા પ્રચાર-પ્રસારને વેગ આપવા માટે અવનવા અખતરા કરવામાં આવતા હોય છે. ત્યારે એ દરમિયાન ‘હું નરેન્દ્ર મોદી બનવા માંગુ છું’ નામની નરેન્દ્ર મોદી પર આધારિત પહેલી ગુજરાતી ફિલ્મ રૂપેરી પડદે ચમકાવવાનું આયોજન કરી દેવામાં આવ્યું છે.

ચૂંટણીના માહોલની વચ્ચે ભાજપ દ્વારા આ ફિલ્મનો પ્રચાર-પ્રસારના ડિઝિટલ માધ્યમ તરીકે ઉપયોગ કરવામાં આવશે. વડાપ્રધાન કાર્યાલયમાંથી પણ આ ફિલ્મને પ્રસારિત કરવા માટે પરવાનગી આપી દેવામાં આવી હોવાનું ફિલ્મના ડાયરેક્ટર અનિલ નારાયણનું કહેવું છે.

બે ભાગમાં તૈયાર થયેલી આ ફિલ્મનો પહેલો પાર્ટ ચૂંટણી ટાણે રિલીઝ કરીને તેનો રાજકીય લાભ ખાટવાનું આયોજન કરવામાં આવ્યું છે. પહેલાં ભાગમાં મોદીના બાળપણની રસપ્રદ કથાને પ્રસ્તુત કરાઈ છે. ફિલ્મમાં નરેન્દ્ર મોદીના બાળપણના કિસ્સાને સાંકળીને નમો-નમો ગીત તૈયાર કરવામાં આવ્યું છે, જેનો ભાજપ પોતાના ચૂંટણી પ્રચારમાં ઉપયોગ કરશે.

ક્યાં કરવામાં આવ્યું ફિલ્મનું શૂટિંગ?
અમદાવાદ, સુરત, વડોદરા, ઉમરગામ અને દમણના અંતરિયાળ વિસ્તારમાં ફિલ્મનું શૂટિંગ કરવામાં આવ્યું છે. વડનગર રેલ્વે સ્ટેશન પરના મોદીના ટી સ્ટોલની આબેહૂબ રેપ્લીકા ફિલ્મમાં દેખાશે. આ ઉપરાંત મોદીના હિમાલયના પ્રવાસ અંગે પણ માહિતી ફિલ્મમાં આપવામાં આવી છે. ટૂંક સમયમાં ફિલ્મનું સોંગ, ટીઝર અને પ્રોમો રિલિઝ થશે.

મોદી બાળપણથી જ અભિનેતા કે નેતા બનવા માંગતા હતા, તેના માટે તેમણે કેવો સંઘર્ષ કરવો પડ્યો તે આ ફિલ્મમાં દર્શાવાયું છે. બાળપણમાં મોદી ચા વેચતા હતા અને તેમના મિત્રો અને તે સમયની સ્થિતિનો ચિતાર દર્શાવાયો છે. અમદાવાદના પાટીદાર યુવક કરન પટેલે મોદીના બાળપણની ભૂમિકા નિભાવી છે. ટૂંક સમયમાં ફિલ્મનું સોંગ, ટીઝર અને પ્રોમો રિલીઝ કરવામાં આવશે અને ત્યાર બાદ એના રિસ્પોન્સ બાદ ફિલ્મ રિીઝ કરવામાં આવશે.

You might also like