13 રાજ્યોમાં વરસાદનો કહેર, દિલ્હીમાં ધૂળ તો મણિપુર-ત્રિપુરા-અસમમાં પૂર

દેશમાં 13 રાજ્યોમાં અલગ-અલગ રીતે મૌસમ વિનાશ સર્જી રહ્યું છે. જ્યાં દિલ્હી-એનસીઆર સહિત પંજાબ, ચંદીગઢ અને રાજસ્થાનમાં ધૂળની આંધી કહેર વર્તાવી રહી છે તો નોર્થ-ઇસ્ટના 4 રાજ્યોમાં પૂરનું સંકટ જોવા મળી રહ્યું છે. જેમાં ત્રણ લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે. કર્ણાટક અને કેરળમાં પૂરની પરિસ્થિતિ વણસી છે.

સૌથી વધુ ખરાબ પરિસ્થિતિ નોર્થ-ઇસ્ટ રાજ્યોની છે. જ્યાં છેલ્લા 48 કલાકથી પડી રહેલા ભારે વરસાદના કારણે ત્રિપુરા, મિઝોરમ, મણિપુર, અસમમાં પુરની પરિસ્થિતિ નિર્માણ પામી છે. રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં છે. જ્યારે અનેક જગ્યાઓ પર ભૂસ્ખલન જોવા મળ્યું છે.

ત્રિપુરામાં 4 અને મણિપુરમાં બે લોકોનાં મોત થયા છે. જ્યારે આસામમાં લમડિંગ-બાદરપુર હિલ સ્ટેશનમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે 4 ટ્રેનો રદ્દ કરવામાં આવી છે. અહીં 6 જિલ્લાના 222 ગામડાઓ સૌથી વધારે પ્રભાવિત થયા છે. મણિપુરના ઇમ્ફાલ, બિષ્ણુપુરમાં ભારે પૂરથી તબાહી સર્જાઇ છે.

અહીં 3500 પરિવારોને 80 કેમ્પમાં સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યાં છે. રોડ પર પાણી ભરાયાં છે. લોકોને હોડીઓમાં બેસાડી સુરક્ષિત જગ્યાએ લઇ જવામાં આવી રહ્યાં છે. મિઝોરમમાં પણ બુધવારથી ભારે વરસાદ વરસી રહ્યો છે. વરસાદ અને ભૂસ્ખલનના કારણે રાજ્યના ત્રણ જિલ્લા સંપર્કવિહોણાં થઇ ગયા છે.

You might also like