હાર્વિક દેસાઇઃ ભારતીય ક્રિક્રેટને સૌરાષ્ટ્રની નવી ભેટ

ઐતિહાસિક જીતમાં એક ગુજરાતી ખેલાડીની મહત્ત્વની ભૂમિકા હતી. ભાવનગરનો હાર્વિક દેેસાઈ આ મેચથી ક્રિક્રેટ જગતમાં છવાઈ ગયો છે.

ન્યૂઝીલેન્ડની ધરતી પર રમાયેલા અન્ડર ૧૯ વર્લ્ડ કપમાં કાંગારુઓને કચડીને ભારતીય ટીમ ચેમ્પિયન બનતાં દેશભરના ક્રિક્રેટ રસિકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ગુજરાતીઓ માટે તો આ બેવડા આનંદનો અવસર હતો. આ ઐતિહાસિક જીતમાં એક ગુજરાતી ખેલાડીની મહત્ત્વની ભૂમિકા હતી. ભાવનગરનો હાર્વિક દેેસાઈ આ મેચથી ક્રિક્રેટ જગતમાં છવાઈ ગયો છે. આવો જોઈએ એક સામાન્ય પરિવારમાંથી આવેલા આ ખેલાડીના સંઘર્ષની કહાની…..

 

સૌરાષ્ટ્ર ક્રિક્રેટ જગતે અનેક ચુનંદા ખેલાડીઓની ભેટ આપી છે. જામ રણજીથી માંડી રવિન્દ્ર જાડેજા અને જયદેવ ઉનડકટ સુધીના ખેલાડીઓ આપ્યા છે. આ સિલસિલો ચાલુ જ રહ્યો છે. સૌરાષ્ટ્રનો વધુ એક ખેલાડી હવે ભારતીય ક્રિક્રેટ જગતમાં કાંડાનું કૌવત બતાવવા આગળ વધી રહ્યો છે. ન્યૂઝીલેન્ડની ધરતી પર ૩ ફેબ્રુઆરીએ અન્ડર ૧૯ વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને ભારતીય ટીમ ચેમ્પિયન બની ત્યારે સતત ચોથી વાર આ ટાઇટલ જીતવાનો એક રેકોર્ડ સર્જાયો હતો. ગુજરાતીઓ માટે બેવડી ખુશીની વાત એ હતી કે આ ઐતિહાસિક જીતમાં એક ગુજરાતી ખેલાડી પણ હિસ્સો બન્યો હતો.

ભાવનગરનો હાર્વિક દેસાઈ એક સામાન્ય પરિવારમાંથી આવે છે. ૪ ઑક્ટોબર ૧૯૯૯ના રોજ જન્મેલા હાર્વિકનો પરિવાર ભાવનગરમાં ચાર પેઢીથી દરજીકામના વ્યવસાય સાથે સંકળાયેલો છે. ભાવનગરમાં તેમની દરજીની પેઢી ખૂબ જાણીતી છે. હાર્વિકના પિતા મનીષભાઈ ‘અભિયાન’ને કહે છે, ‘નાનપણથી જ તેને ક્રિક્રેટ પ્રત્યે લગાવ હતો. ભાવનગરની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનો તે વિદ્યાર્થી હતો. શાળાએ ભણવા જતો તો હતો ત્યારથી ક્રિક્રેટ રમવાનો હાર્વિક શોખીન હતો. ૯ વર્ષની વયે ભાવનગરની ભરૃચા ક્રિકેટ ક્લબનો તે મેમ્બર બન્યો હતો. વહેલી સવારના છ વાગ્યાથી તે પ્રેક્સિસ કરવા જવા નીકળી જતો હતો. સાંજે પણ મોડે સુધી મેદાન પર રહેતો હોય છે. જ્યાં ટૂર્નામેન્ટ હોય ત્યાં અગાઉથી પહોંચીને સખત પ્રેક્ટિસ કરતો હોય છે. છેલ્લાં નવેક વર્ષથી મહેનત કરતો તે રંગ લાવી છેે.’  સૌરાષ્ટ્ર ક્રિક્રેટ એસોસિયેશન સાથે તે જોડાયેલો હોવાથી રાજકોટ લાંબો સમય સુધી રહીને પ્રેક્ટિસ કરતો હોય છે. ત્રણ વર્ષથી હાર્વિકને કોચિંગ આપનાર રાજકોટના હિતેશ ગોસ્વામી કહે છે, ‘હાર્વિકમાં ક્રિક્રેટ પ્રત્યે ડેડિકેશનની એક ભાવના જોવા મળે છે. વિકેટ કીપિંગ કરવાની સાથે તેની બેટિંગ લાઇન પણ મજબૂત છે. હાર્વિકની રમત જોઈને એવી આશા જાગે છે કે ભવિષ્યમાં ભારતીય ક્રિક્રેટને મહેન્દ્રસિંહ ધોની જેવો એક ખેલાડી મળી શકે છે. એક પ્રસંગને ટાંકતા કોચ કહે છે, ‘વર્ષ ર૦૧૬માં રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં એક મેચ વખતે હાર્વિકને જમણા હાથની એક આંગળીમાં ઈજા થતાં ફ્રેક્ચર થયું હતું. આ વખતે ફિઝિયો સહિતનાએ મેચ છોડી દેવાની તેને સલાહ આપી હોવા છતાં મેચ રમવા માટે કટિબદ્ધ હતો અને એ મેચમાં તેણે સદી ફટકારી હતી. આ મેચના થોડા દિવસો પછી બીસીસીઆઈની  અન્ડર ૧૯ના વર્લ્ડ કપ માટે દેશભરમાંથી પ૦ જેટલા ખેલાડીઓની પસંદગી કરી નામ જાહેર કર્યા તેમાં હાર્વિકનો સમાવેશ કરાયો હતો. આ પસંદગી થઈ ત્યારથી તે ૧૯ વર્લ્ડ કપમાં સારા પરફોર્મન્સ માટે મહેનત કરતો હતો.

અન્ડર ૧૯ વર્લ્ડ કપમાં હાર્વિક દેસાઈએ ૪૭ રન સાથે ૩ વિકેટ ઝડપીને ઐતિહાસિક જીત માટે મહત્ત્વનું યોગદાન આપતા સૌરાષ્ટ્ર ક્રિક્રેટ એસોસિયેશનના નિરંજન શાહ સહિતનાએ તેને અભિનંદન આપ્યા હતા. ભાવનગરમાં તો તેને આવકારવા આયોજન થઈ રહ્યા છે. ન્યૂઝીલેન્ડથી હાર્વિક દેસાઈ પરત ભાવનગર આવે ત્યારે ભાવનગરના ક્રિક્રેટ રસિકો નારી ચોકડીથી સ્વાગત કરીને શહેરમાં લઈ જશે. તેની આ સિદ્ધિથી ભાવનગરવાસીઓ ગૌરવ લઈ રહ્યા છે.

——————————–.

You might also like