VIDEO: હરીશ રાવત પર વધુ એક સ્ટિંગ, ધારાસભ્યોને વહેંચ્યા 25-25 લાખ

નવી દિલ્હી: 10 મેના રોજ ઉત્તરાખંડમાં યોજાનાર ફ્લોર ટેસ્ટ પહેલાં ફરી એકવાર સ્ટિંગ બોમ્બ ફૂટ્યો છે. જેણે હાહાકાર મચાવી દીધો છે. એક ખાનગી સમાચાર ચેનલે પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવતના એકદમ અંગત કોંગ્રેસ ધારાસભ્ય મદન બિષ્ટનું એક સ્ટિંગ જાહેર કર્યું છે. આ સ્ટિંગમાં કોંગ્રેસના 12 MLAને એક સાથે રાખવા માટે લાખો રૂપિયા આપ્યા હોવાનો દાવો કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ સમાચાર ચેનલે પહેલાં પણ લે-વેચનો હરિશ રાવતનો વિડીયો જાહેર કર્યો હતો. જેની સીબીઆઇ તપાસ કરી રહી છે.

આ સ્ટીંગ ઓપરેશન ક્યારે કરવામાં આવ્યું હોવાનું જણાવવામાં આવ્યું નથી. ઉત્તરાખંડના ધારાસભ્ય મદન બિષ્ટે સ્ટિંગ સામે આવ્યા બાદ પોલીસ ફરિયાદ કરી કોંગ્રેસ ધારાસભ્યને ધમકાવવાનો આરોપ લગાવ્યો છે. હરીશ રાવતે પણ ભાજપ પર ધારાસભ્યોને ધમકાવવા અને બ્લેકમેલિંગનો આરોપ લગાવ્યો છે.


ખાનગી ન્યૂઝ ચેનલ દ્વારા જાહેર કરવામાં આવેલા આ નવા સ્ટિંગમાં કોંગ્રેસ ધારાસભ્ય મદન બિષ્ટ અને બાગી ધારાસભ્ય હરક સિંહ રાવતની વાતચીતનો વીડિયો છે. વીડિયોમાં મદન સિંહ બિષ્ટ કહી રહ્યાં છે કે કયા પ્રકારે હરીશ રાવતે 12 ધારાસભ્યોને મેનેજ કરવા માટે 25-25 લાખ રૂપિયા વહેંચ્ય છે. આ સ્ટિંગ પર હજુ સુધી હરીશ રાવત દ્વારા કોઇ પ્રતિક્રિયા આવી નથી.

You might also like