વર્ગ વિગ્રહ કરવાની ‘સોપારી’ લીધી છેઃ હાર્દિકનો વધુ એક ‘લેટર બોમ્બ’

અમદાવાદ: ઉદયપુરમાં છ મહિનાની નજરકેદ હેઠળ રહેલા હાર્દિક પટેલે વધુ એક લેટર બોમ્બ ફોડ્યો છે હાર્દિકે વીસનગરના ભાજપના ધારાસભ્ય ઋષિકેશ પટેલને પત્ર પાઠવીને તેમના પર ગુજરાતમાં વર્ગ વિગ્રહ ફેલાવવાની સોપારી લીધી હોવાનો આક્ષેપ કર્યો છે.

પાસના કન્વીનર હાર્દિક પટેલના ઋષિકેશ પટેલને ગઇકાલે પાઠવાયેલા પત્રમાં વધુમાં જણાવાયું છે કે ઉત્તર ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલનથી ભાજપ કમજોર બન્યું છે. ઠાકોર સમાજના વ્યસન મુક્તિ આંદોલનથી અન્ય સમાજમાં પણ જાગૃતિનું પ્રમાણ વધ્યું છે. આ સ્થિતિના કારણે ભાજપ સમાજમાં વર્ગ વિગ્રહ સર્જવા માગે છે.

જેની સોપારી આપ દ્વારા લેવાઇ છે. વીસનગરના વાલમ ગામથી આપે શરૂઆત પણ કરી છે. આપ વિકાસની રાજનીતિ નહીં પણ જાતિ વિનાશની રાજનીતિ રમી રહ્યા છેા. પરંતુ હવે ૧૯૮૪ કે ર૦૦રનું પુનરાવર્તન થશે નહીં. તેમણે રાજયની જનતાને આવનારા સમયમાં એકતા જાળવી રાખવાની અપીલ કરતાં છેલ્લે ધારાસભ્યને એવી પણ ચમકી આપી છે કે જનતાની એકતામાં ભંગ ના પડાવતાં નહીંતર જોવા જેવી થશે.

દરમ્યાન પાસના સંગઠન ‌પ્રભારી દિલીપ સાબવાની સોશિયલ મીડિયા પરની એક જાહેરાત મુજબ આજથી રાજ્યના વિભિન્ન ક્ષેત્રની પાસની ટીમ ઉદયપુર જઇને હાર્દિકની મુલાકાત લેશે. આજે ઉત્તર ગુજરાતની ટીમ, ત્રીજી ઓગસ્ટે અમદાવાદ, ચોથી ઓગસ્ટે મધ્ય ગુજરાત, છઠ્ઠી ઓગસ્ટે બોટાદ અને સાતમી ઓગસ્ટે ભાવનગર, જામનગર અને મોરબીની ટીમ હાર્દિકને મળશે.

You might also like