હાર્દિક પટેલ-પાસના કાર્યકરો સામે રાયોટિંગનો ગુનોઃ ૧૦ની ધરપકડ

અમદાવાદ: શહેરના વસ્ત્રાલ વોર્ડના ભાજપના કાઉ‌ન્સિલર પરેશ પટેલ દ્વારા ફેસબુકમાં પ્રદેશ ભાજપ યુવા મોરચાના પ્રમુખ ડો.ઋત્વિજ પટેલનો ફોટો મૂકી ઋત્વિજ પટેલ પાટીદાર છે, ‘મારો ભાઇ છે’ તેવું લખતાં વિવા‌દિત કોમેન્ટ કરનાર યુવકની ગઇ કાલે રામોલ પોલીસે ધરપકડ કરી હતી. પાટીદાર યુવકને છોડાવવા મોડીરાતે પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)ના કન્વીનર હાર્દિક પટેલ સહિત પ૦થી વધુ લોકોનું ટોળું પોલીસ સ્ટેશન ગયું હતું. બાદમાં પરેશ પટેલના કહેવાથી પાટીદાર યુવકની ધરપકડ કરાઇ હોવાનું કહી હાર્દિક પટેલ સહિત ૭૦ માણસોનું ટોળુ પરેશ પટેલના ઘરે મોડી રાતે પહોંચી ગયું હતું અને હલ્લાબોલ કર્યો હતો. ઘટનાની જાણ પોલીસને કરાતાં પોલીસ કોર્પોરેટરના ઘરે પહોંચી ગઇ હતી. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાતાં હાર્દિક પટેલ સહિત ૭૦ લોકો સામે રામોલ પોલીસે રાયોટિંગ અને જાનથી મારી નાખવાની ધમકીનો ગુનો નોંધી ૧૦ લોકોની ધરપકડ કરી છે. સુરતના યોગીચોકમાં ગત રાત્રે પોલીસ પર પથ્થરમારાની ઘટના અને કોર્પોરેટરના ઘર પર હુમલાને લઇ હાલ પોલીસે અનેક પાટીદાર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે.

મળતી માહિતી મુજબ વસ્ત્રાલની માધવ સ્કૂલ પાસે આવેલા આસ્થા બંગલોઝમાં રહેતાં અને ભાજપના વસ્ત્રાલ વોર્ડના કોર્પોરેટર પરેશ પટેલ દ્વારા તેમના ફેસબુક પર દસેક દિવસ અગાઉ ભાજપ યુવા મોરચા પ્રમુખ ડો.ઋત્વિજ પટેલનાં મુકાયેલા ફોટા પર અનેક લોકોએ કોમેન્ટ કરી હતી, તેમાં ટાકા પાટીદાર અને સ્વાતિક પટેલ નામના યુવક વચ્ચે વિવા‌િદત કોમેન્ટ થઇ હતી, જે મામલે સ્વાતિક પટેલે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં ગઇ કાલે રામોલ પોલીસે ટાકા પાટીદાર નામના યુવકની ધરપકડ કરી હતી.

આ અંગે પાટીદાર યુવકો અને હાર્દિક પટેલને જાણ થઇ હતી. મોડી રાતે કેટલાક પાટીદારોનું ટોળું પોલીસ સ્ટેશન પહોંચ્યું હતું. હાર્દિક પટેલ પણ આવી જતાં નચિકેત મુખી, ગીતાબહેન પટેલ, અંક્તિ પટેલ સહિતના પાટીદાર લોકોનું ટોળું પરેશ પટેલના ઘરે પહોંચ્યું હતું. તેઓએ રાત્રે બે વાગ્યે પટેલના ઘરનો દરવાજો ખખડાવતાં હાર્દિકે પરેશને બહાર ખેંચી લાવો, તે ખોટા લોકોને જેલમાં પુરાવે છે તેવું કહ્યું હતું. લોકોએ બીભત્સ ગાળો અને મારી નાખવાની ધમકીઓ આપતાં પરેશ પટેલ ગભરાઇ ગયા હતા અને આ અંગે તેઓએ પોલીસને જાણ કરી હતી. રામોલ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઇ હતી. પોલીસ આવતાં ટોળું ત્યાંથી વિખેરાઇ ગયું હતું અને વાહનો મૂકી તેઓ ફરાર થઇ ગયા હતા.

ટોળાએ પરેશ પટેલના ઘર પર હુમલો કરી મકાનમાં ઘૂસી પરેશ પટેલની નેમ પ્લેટ તોડી ભાજપનો ઝંડો સળગાવી દીધો હતો. આ અંગે પરેશ પટેલે રામોલ પોલીસ સ્ટેશનમાં હાર્દિક પટેલ, ગીતાબહેન પટેલ, નચિકેત મુખી સહિત ૭૦ લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે પાસના ૧૦ સભ્યની ધરપકડ કરી હતી. પોલીસે અન્ય લોકોની ધરપકડનાં ચક્રો ગતિમાન કર્યાં છે. ઘટનાના પગલે હાલ રામોલ સહિત પાટીદાર વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

આ મામલે પરેશ પટેલે જણાવ્યું હતું કે મારા ફેસબુકમાં ડો.ઋત્વિજ પટેલના ફોટા મૂક્યા બાદ અનેક કોમેન્ટ આવતાં સ્વાતિક પટેલે ટાકા પાટીદાર સામે ફરિયાદ આપતાં પોલીસે તેની ધરપકડ કરી હતી. આ ધરપકડ કરાવવામાં મારો હાથ હોવાનું માની હાર્દિક પટેલ અને ગીતાબહેન પટેલે રાત્રે મારા ઘરના સભ્યો સાથે હું હાજર હતો ત્યારે હલ્લાબોલ કર્યો હતો.
આરોપીઓનાં નામ
હાર્દિક પટેલ, નચિકેત મુખી, ગીતાબહેન પટેલ, મહેશ દાઢી, કિરણ પટેલ, પ્રતીક પટેલ, અક્ષય ભોરિયો, વિપુલ પટેલ, કૌશલ પટેલ, નિકુંજ પટેલ, અંક્તિ પટેલ, રાહુલ પટેલ ઉર્ફે ગાંધી, મિલન સુથાર.

http://sambhaavnews.com/

You might also like