ISના નેતા હાફિઝ સૈયદ ખાનનું મોત થયાનો પેન્ટાગોનનો દાવો

કાબુલ: અમેરિકાના સંરક્ષણ કાર્યાલય પેન્ટાગોને દાવો કર્યો છે કે ગત માસમાં એક ડ્રોન હુમલામાં અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના ચરમપંથી સંગઠન ઈસ્લામિક સ્ટેટના વડા હાફિઝ સૈયદ ખાનનું મોત થયું છે. હાફિઝ સૈયદ ખાન આઈએસ સાથે જોડાયાે તે પહેલાં તાલિબાનમાં હતો અને તે અફઘાનિસ્તાનમાં થયેલા અનેક ખતરનાક હુમલામાં સામેલ હતો. પેન્ટાગોનના પ્રવકતા ગોર્ડન ટ્રાઉબ્રિજે જણાવ્યું કે સૈયદ ખાનનું હવાઈ હુમલામાં મોત થયું છે.

જોકે આ અગાઉ પણ હાફિઝ સૈયદના મોત અંગેના સમાચાર બહાર આવ્યા હતા. પાકિસ્તાનમાં રહેલા અફઘાનિસ્તાનના રાજદૂતે જણાવ્યું કે નાનગરાહ પ્રાંતમાં આઈએસના એક અન્ય કમાન્ડરનું પણ મોત થયું છે, પરંતુ ઈસ્લામિક સ્ટેટે આ બાબતે ઈનકાર કર્યો છે અને જણાવ્યું છે કે આ હુમલામાં આઈએસના એક વરિષ્ઠ નેતાનું મોત થયું છે. તાજેતરમાં અમેરિકાએ દાવો કર્યો હતો કે ગત ર૬ જુલાઇએ અચિન જિલ્લામાં હાફિઝ સૈયદ ખાનનું મોત થયું છે.

દરમિયાન કાબુલમાં આઈએસએ આ ડ્રોન હુમલાના ત્રણ દિવસ પહેલા શિયા મુસ્લિમોની રેલી પર હુમલો કર્યો હતો. જેમાં ૮૦ લોકોનાં મોત થયા હતા. જોકે આ ઘટનામાં એવું પણ માનવામાં આવી રહ્યું છે કે ડ્રોન હુમલામાં આઈએસના ૩૦ લોકોના મોત થયા હતા. જેમાં એક વરિષ્ઠ સભ્ય મોલવી આબ્દુર્રહીમ મુસ્લિમ દોસ્તનો પણ સમાવેશ થાય છે. જોકે પાકિસ્તાન અને તાલિબાન છોડીને આઈએસમાં સામેલ થયેલો શહીદુલ્લાહ શાહીદ પણ મરનારાઓ પૈકી એક હોઈ શકે છે. આટલી મોટી સંખ્યામાં જવાનો ગુમાવી દેવાની વાત આઈએસ માટે મોટા આંચકા સમાન છે.

You might also like