ગુરુ પ્રત્યેની અનન્ય નિષ્ઠા: અહીં ગુરૂ કરતાં શિષ્યની કરવામાં આવે છે પૂજા…

ગુરુ દ્રોણાચાર્યે પોતાની ગુરુદક્ષિણારૂપે એકલવ્યના જમણા હાથનો અંગૂઠો માગ્યો હતો અને એકલવ્યે હસતાં હસતાં ગુરુ દ્રોણની સામે અંગૂઠો હાથથી અલગ કરી દીધો હતો. આ મહાભારતનો બહુ જાણીતો પ્રસંગ છે. અહીં આ પ્રસંગ યાદ કરવાનું કારણ એ છે કે જે જગ્યાએ એકલવ્યે ગુરુ દ્રોણાચાર્યની મૂર્તિ બનાવી હતી અને જ્યાં ગુરુદક્ષિણારૂપે પોતાનો અંગૂઠો આપી દીધો હતો, એ સ્થળ ઉત્તરપ્રદેશના ગૌતમ બુદ્ધ નગર જિલ્લામાં આવેલું છે અને દનકૌર તરીકે ઓળખાય છે.

આજે અહીં એક દ્રોણાચાર્ય મંદિર છે. કૌરવો અને પાંડવોના ગુરુ તરીકે આપણી પૌરાણિક કથાઓમાં હંમેશાં યાદ કરાતા ગુરુ દ્રોણાચાર્યનું ભારતમાં સંભવતઃ એકમાત્ર મંદિર છે અને એ પણ એકલવ્યે બનાવ્યું હતું. અહીં ગુરુદ્રોણ એકલવ્યના ગુરુ તરીકે ઓળખાય છે અને આ મંદિર ગુરુ-શિષ્ય પરંપરાના પ્રતીક તરીકે ભારતભરમાં ખૂબ જાણીતું બન્યું છે.
દનકૌરનું નામ પહેલાં દ્રોણકૌર હતું. સમયાંતરે દ્રોણકૌરમાંથી અપભ્રંશ થઈને દનકૌર થઈ ગયું છે.

મંદિરમાં ગુરુ દ્રોણની જે મૂર્તિ છે તે એકલવ્યે બનાવેલી હોવાનું મનાય છે. મંદિરની એકદમ પાસે એક તળાવ છે. જે દ્રોણાચાર્ય તળાવ તરીકે ઓળખાય છે. કહેવાય છે કે આ તળાવ એકલવ્યના સમયમાં પણ હતું. આ તળાવ આખું ભરાઈ જાય તોપણ એકાદ બે કલાકમાં તે ખાલી થઈ જાય છે અને તેની સપાટી નીચેના સ્તર સુધી આવી જાય છે. શું કામ છલોછલ ભરાયેલું રહેતું નથી, તેનું કારણ કોઈને ખબર નથી.

મંદિરની નજીક એક ઉદ્યાન છે, જેને એકલવ્ય ઉદ્યાન એવું નામ આપવામાં આવ્યું છે. આ બગીચામાં એકલવ્યની પ્રતિમા મૂકવામાં આવી છે. મંદિરના પ્રાંગણમાં ગુરુ દ્રોણાચાર્ય ઉપરાંત બાંકે બિહારી, રાધાકૃષ્ણ, ભગવાન શિવ, હનુમાનજી અને રામદરબાર જેવાં નાનાં મંદિરોનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. દર રવિવારે અહીં વિશેષ ગુરુપૂજાનું આયોજન કરવામાં આવે છે.એકલવ્યનું પણ એક મંદિર છે.

હરિયાણાના ગુડગાંવની પાસે એક નાનકડું ગામ છે ખાંડસા. આ ગામમાં એકલવ્યનું નાનકડું મંદિર આવેલું છે. ભારતમાં એકલવ્યનું આ એકમાત્ર મંદિર છે. કહેવાય છે કે આ ગામ પહેલાં ખાંડવ પ્રદેશના નામે ઓળખાતું હતું. ખાંડવ પ્રદેશમાં હિરણ્યધનુ નામના નિષાદ રાજા રાજ કરતા હતા. એકલવ્ય આ ભીલ રાજાનો પુત્ર હતો. ગુરુદ્રોણે માત્ર રાજકુમારોને શિક્ષણ આપવાનું કહ્યું એટલે એકલવ્યે દનકૌરમાં જઈને સ્વયં ધર્નુવિદ્યા શીખી હતી. એક માન્યતા પ્રમાણે આ મહાન શિષ્યની યાદમાં તેના નગરમાં તે વખતે એક પ્રતિમા મૂકવામાં આવી હતી. આજે ત્યાં નાનકડું મંદિર ઊભું છે, જે મહાન શિષ્ય એકલવ્યની યાદ અપાવે છે.•

You might also like