Abhiyaan-1655-Analysis-Suchita Boghani kannar - Sambhaav News
Thu, Jan 18, 2018
mobile apps
Sambhaav Audio News

કચ્છીમાડુનો મિજાજ બદલાયો, પરંપરા તૂટી

Suchita-Abhi-1656

કચ્છીઓએ ભાજપ પાસેથી એક સીટ આંચકીને કોંગ્રેસને આપી છે. છેલ્લી બે ચૂંટણીથી પાંચ સીટ ભાજપને અને એક કોંગ્રેસને આપનારા કચ્છના મતદારોએ આ વખતે કોંગ્રેસને બે સીટ આપી છે. ઉપરાંત કચ્છની છ બેઠકો પર કુલ ત્રણ મહિલા ઉમેદવાર હતા. લોકોએ પક્ષને ધ્યાને લીધા વગર ત્રણેને જીતાડીને મહિલા સશક્તિકરણનું ઉદાહરણ પૂરૃં પાડ્યું છે…….

 

કચ્છના ચૂંટણી પરિણામો પર જી.એસ.ટી., નોટબંધી કે મોંઘવારી જેવા મુદ્દાઓની વિશેષ અસર જોવા મળી ન હોવા છતાં ભાજપને ચેતતા રહેવા જેવું પરિણામ ચોક્કસ આવ્યું છે. ૨૦૦૭ અને ૨૦૧૨ની ચૂંટણીમાં કોંગ્રેસને એક- એક બેઠક મળી હતી પરંતુ આ વખતે સમીકરણ બદલાયું છે. આ વખતે કોંગ્રેસને બે અને ભાજપને ચાર બેઠકો મળી છે. ભાજપના ભરોસાના ઉમેદવાર પંકજ શાહને કોંગ્રેસના નવા નિશાળિયા જેવા સંતોકબેને હરાવીને અબડાસા ઉપરાંતની સીટ પણ અંકે કરી લીધી છે. તો ભાજપના માંડવીના ઉમેદવાર વિરેન્દ્રસિંહ ભચાઉના હોવા છતાં માંડવીમાં શક્તિસિંહ ગોહિલ જેવા મોટા ગજાના કોંગ્રેસી નેતાને હરાવીને જાયન્ટ કિલર બન્યા છે. ભાજપના ફાળે ગાંધીધામ, અંજાર, ભુજ, માંડવીની ચાર સીટો અને કોંગ્રેસને રાપર, અબડાસાની સીટ મળી છે. સત્તા મળી હોવા છતાં પ્રજાને ન અવગણવાની તાકીદ પણ આ પરિણામો આપી રહ્યા છે.

અબડાસા સીટ પર પ્રજાએ ભાજપના છબીલભાઇ પટેલને પછાડીને કોંગ્રેસના પ્રદ્યુમનસિંહ જાડેજાને વિજેતા બનાવ્યા હતા. અહીં છેલ્લી ત્રણ ટર્મથી કોંગ્રેસના ઉમેદવાર જ વિજયી થાય છે.પ્રદ્યુમનસિંહ નખત્રાણા તાલુકાના મોટી વિરાણી ગામના વતની છે. તે વાત ઉપરાંત ભાજપમાં રહેલી જુથબંધી પણ તેમના માટે ફાયદાકારક રહી હતી. અબડાસા અને નખત્રાણા તાલુકામાં લાંબા સમયથી ભાજપમાં જુથબંધી ચાલી રહી છે. મતગણતરીની શરૃઆતથી જ પ્રદ્યુમનસિંહ આગળ રહ્યા હતા. ભાજપના ઉમેદવાર છબીલભાઇ પટેલ કોંગ્રેસના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજાથી ૭૭૪૬ મતે હારી ગયા હતા.

ભુજ બેઠક પર મતગણતરીની શરૃઆતમાં જ્યારે મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારના મતોની ગણતરી થતી હતી ત્યારે નીમાબેન ૨૭ હજારથી વધુ મતોથી પાછળ રહ્યા હતા પરંતુ જેવી પટેલ ચોવીસીના મતોની ગણતરી શરૃ થઇ એટલે તેઓ પોતાના હરીફ ઉમેદવાર કોંગ્રેસના આદમ ચાકીથી આગળ નિકળી ગયા અને ૧૪ હજારથી વધુ મતોની લીડ મેળવી હતી.

માંડવી બેઠકમાં કોંગ્રેસમાંથી રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે ઝુકાવ્યું હતું તેથી ભાજપે ભચાઉના ક્ષત્રિય અગ્રણી વિરેન્દ્રસિંહ જાડેજાને ઉભા રાખ્યા હતા. ભચાઉના સ્થાનિક રાજકારણ પૂરતા મર્યાદિત રહેલા વિરેન્દ્રસિંહ પર શક્તિસિંહ ભારે પડશે તેવું રાજકીય નિરીક્ષકો માનતા હતા પરંતુ વિરેન્દ્રસિંહ ૯ હજાર જેટલી લીડથી જીતીને જાયન્ટ કિલર સાબીત થયા છે.

ગાંધીધામની અનામત સીટ ભાજપના નવા ચહેરા માલતીબેન મહેશ્વરીએ જાળવી રાખી છે. કોંગ્રેસે અહીં નવા ચહેરા કિશોર પિંગોલને મેદાનમાં ઉતાર્યા હતા. માલતીબેન ગાંધીધામ પાલિકામાં નગરસેવિકા છે. તેઓ જ્યાંથી પાલિકામાં ચૂંટાયા છે તે મહેશ્વરી નગરમાં જ તેમને ઓછા મત મળ્યા હતા.

અંજારમાં પણ ભાજપના ઉમેદવાર વાસણભાઇ આહિરે સીટ જાળવી રાખી છે. કોંગ્રેસના વી.કે.હુંબલની હાર થઇ છે. અંજારની ચૂંટણી કાંટાની ટક્કર જેવી થશે તેવું મનાતું હતું. અંજારની ભાજપની જીત માટે અપક્ષોએ તોડેલા કોંગ્રેસના મત પણ કારણભૂત હોવાનું મનાય છે.

રાપરમાં ભાજપે ધારાસભ્ય પંકજ મહેતાને ફરી ઉભા રાખ્યા હતા તો કોંગ્રેસે બચુભાઇ આરેઠિયાના પત્ની સંતોકબેનને ટિકિટ ફાળવી હતી. બાબુભાઇ શાહને કોંગ્રેસે ટિકિટ ન ફાળવતા એન.સી.પી.ની ટિકિટ પર જંગ લડવા ઉતર્યા હતા. પરંતુ સંતોકબેને બે ધુરંધરોને હરાવીને ભારે ચર્ચા જગાવી છે. મતગણતરીની શરૃઆતથી જ કોંગ્રેસને લીડ મળી હતી. ગત પેટાચૂંટણીમાં કોંગ્રેસના બાબુભાઇને ભાજપના પંકજભાઇએ હરાવ્યા હતા પરંતુ આ વખતે બન્નેને નવા નિશાળિયા સંતોકબેને હરાવ્યા છે. જ્યારે બાબુભાઇની તો ડિપોઝીટ પણ જપ્ત થઇ છે. ભાજપના પંકજભાઇને સ્થાનિક કાર્યકરોનો અસંતોષ નડ્યાનું મનાય છે. તેમણે ઉમેદાવારી નોંધાવી ત્યારે પણ પક્ષમાંથી મોટો વિરોધ થયો હતો. સંતોકબેન ૧૫ હજાર જેવી લીડથી વિજયી થયા હતા. આમ કચ્છની છએ સીટ પૈકીની ત્રણ સીટ પર મહિલાઓને વિજેતા કરનારા મતદાતાઓએ બન્ને પક્ષોને સાનમાં મતદાતા પ્રત્યે વફાદાર રહેવાની ચિમકી આપી છે.

———————-.

loading...
loading...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

loading...
loading...