Abhiyaan-1655-Analysis-Himmat Kataria - Sambhaav News
Thu, Jan 18, 2018
mobile apps
Sambhaav Audio News

નર્વસ નાઇન્ટીઝના સંકેતો

Himmat Katria-Abhi-1656

પરિણામોના દિવસે તો એવું લાગતું હતું કે જંગ દક્ષિણ-પશ્ચિમ વચ્ચે ખેલાયો છે. સૌરાષ્ટ્ર એટલે કે પશ્ચિમ ગુજરાત કોંગ્રેસની વહારે ચડ્યુ તો દક્ષિણ ગુજરાતે ભાજપની મદદમાં જોર લગાવ્યુ હતું. આંદોલનની અસરથી તુટતા પાટીદાર મતોને સરભર કરવાની ગણતરી સાથે અમિત શાહે આદિવાસી પટ્ટા પર કરેલું માઇક્રો પ્લાનિંગ ભાજપની તરફેણમાં રહ્યુ છે.  દક્ષિણ ગુજરાતમાં વિધાનસભાની કુલ બેઠકોની ૧૯ ટકા બેઠકો છે પરંતુ આખા ગુજરાતમાં ભાજપને મળેલી કુલ બેઠકોમાં દક્ષિણ ગુજરાતનો ૨૫ ટકા હિસ્સો છે. ૧૩ આદિવાસી બેઠકો પર ભાજપના મતોમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. ૨૦૧૨માં દક્ષિણ ગુજરાતમાં ભાજપને ૨૮ અને કોંગ્રેસને ૬ સીટો મળી હતી. ૨૦૧૭માં પાટીદાર અનામત આંદોલનના નેતાઓ કોંગ્રેસ તરફી હતા તેથી ભાજપની ત્રણ સીટ ઘટીને ૨૫ થઈ અને કોંગ્રેસની બે સીટ વધીને ૮ થઈ છે.

ગુજરાતમાં નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બન્યા હતા ત્યારથી વિપક્ષ નામ માત્રનો રહ્યો છે. વિધાનસભામાં છેલ્લા બે દાયકામાં આ વખતે પહેલીવાર મજબુત વિપક્ષ આવી રહ્યો છે અને તેનો ફાયદો ગુજરાતને મળશે. લાંબો સમય સુધી એકધારી સત્તા અને વિપક્ષની ગેરહાજરીના કારણે ખાસ કરીને નરેન્દ્ર મોદીના વડાપ્રધાન બન્યા પછી ગુજરાત સરકારમાં આળસ, ગુમાન અને ભ્રષ્ટાચાર વ્યાપી ગયા હતા. જાણે કે સરકાર કોઈને જવાબદેહ જ નથી એવું પણ ક્યારેક પ્રજાને લાગતું હતું. એ કારણે જ “આ વખતે તો પાડી જ દેવા છે” સૂત્ર સાથે થોડોઘણો લોકમત જોડાયો હતો. મજબુત વિપક્ષનું કામ ખોટા માર્ગે જતી સરકારના કાન આમળવાનું છે. જોકે મજબુત વિપક્ષ બેફામ બને તો બીજો ખતરો. વાતે વાતે વિરોધ કરીને સરકારના વિકાસના કામો આડે રોડા નાખે તો સારા કાર્યોને અસર થાય. નવી વિધાનસભાને ઘણા ફ્રેશ યુવા ચહેરા મળશે. જિગ્નેશ મેવાણી, અલ્પેશ ઠાકોર અને તેમના સાથીદારો માટે ચડતુ લોહી અને સત્તા હાથમાં આવી છે, આવા બેવડા ઉન્માદની સ્થિતિને જીરવવી અઘરી છે. ધારદાર વાણી દ્વારા એક સમુહની વ્યથાને વાચા આપી આંદોલનો ચલાવવા સહેલા છે, કેમકે તેમાં બોલવા સિવાયનું કોઈ વિશેષ કર્તવ્ય નિભાવવાનું નથી. રાજનેતા તરીકેની કામગીરી અઘરી છે. તેમાં લોકકલ્યાણના કામો મંજૂર કરાવવાથીય અઘરુ અમલદારશાહી પાસેથી તેનો યોગ્ય અમલ કરાવવાનું કામ છે. આ નેતાઓે અત્યાર સુધી વાણીથી જીત મેળવતા હતા, હવે તેમણે કર્મથી જીત મેળવીને તે સ્થાને પોતાને યોગ્ય પુરવાર કરવાની કસોટીમાંથી પાર ઉતરવાનું છે. સંસદમાં ઠરેલા સારા કે ઉન્માદી યુવાનો સારા એનો ફેંસલો પણ થઈ જશે. જોકે કંઈક કરવાની મહેચ્છા સાથે રાજકારણમાં ઉતરેલા યુવાનો વિકાસકાર્યો કરશે જ એવી આશા રાખી શકાય. અલ્પેશ ઠાકોર અને તેમના જીતેલા સાથીઓ વિધાનસભામાં બેસશે. ઢીલી દારુબંધી સામે જનતા રેડ કરીને જોરાવર થયેલા અલ્પેશ ઠાકોર હવે કડક દારુબંધી માટે મળેલી શક્તિનો ઉપયોગ કરે તે જરુરી છે. કોંગ્રેસના તમામ દિગ્ગજો શક્તિસિંહ ગોહીલ, અર્જુન મોઢવાડિયા, સિદ્ધાર્થ પટેલ, તુષાર ચૌધરી હાર્યા છે. ભરતસિંહે ચૂંટણી નહી લડીને પોતાનું ડહાપણ સિદ્ધ કર્યુ છે. ગુજરાત કોંગ્રેસની શિર્ષસ્થ નેતાગીરીની આખી હરોળ ધ્વસ્ત થઈ છે. આ વાતનું આશ્ચર્ય નથી. કોંગ્રેસ મોવડી મંડળે ગુજરાત કોંગ્રેસની ધૂરા આમના ખભેથી ઉતારીને કોઈ અન્યોના ખભે મૂકવાનો સમય આવી ગયો છે. ગુજરાત કોંગ્રેસના કલેવરમાં પણ ધરખમ ફેરફારો થશે.

બીજુ આ ચૂંટણીમાં એક કામ એ સારુ થયુ છે કે ગુજરાતની જનતાએ પહેલીવાર પક્ષપલટાની પ્રવૃત્તિને જાકારો આપ્યો છે. કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા ૭ને ટીકીટ આપવામાં આવી હતી અને તેમાંથી માત્ર બે વિજયી બન્યા છે. જનતાએ પક્ષ પલટાની પ્રવૃત્તિને નકારાત્મક ગણી છે. આ ચૂંટણીમાં જીએસટીનો મુદ્દો નથી ચાલ્યો. ચૂંટણી દરમિયાન જીએસટીને રાહુલ ગાંધી ગબ્બર સિંહ ટેક્સ કહેતા હતા પરંતુ ચૂંટણી પરિણામમાં જીએસટીવાળી અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરાની ૨૮માંથી ૨૬ સીટ ભાજપને મળી છે.  બીત ગઈ સો બીત ગઈ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ વિજયી પ્રવચનમાં તાકીદ કરી છે કે ગુજરાત હવે જ્ઞાતિવાદી આંદોલન ભુલી જાય. વડાપ્રધાને ભારપૂર્વક કહ્યુ હતું કે ગુજરાતમાં કોંગ્રેસે ઉછેરેલા જ્ઞાતિવાદને નિર્મૂલન કરવા તેમને ભારે જહેમત કરવી પડી હતી. કેન્દ્રિય મંત્રી પ્રકાશ જાવડેકરે પણ એક ચેનલમાં આ વાતને દોહરાવતા કહ્યુ કે અમારે મંત્રણા માટે વારંવાર વડાપ્રધાનને મળવાનું થાય છે અને ત્યારે અમે જોઈએ છીએ કે વડાપ્રધાનને જાતિવાદ સામે સખત નફરત છે. હાર્દિકે અઠવાડિયા પછી ફરી આંદોલન ચાલુ કરવાની ચીમકી આપી છે.

મોદીના વડાપ્રધાન બન્યા પછી ગુજરાતને પ્રભાવી મુખ્યમંત્રીની તલાશ છે. સાત મંત્રીઓ હારતાં નવું અને સારુ મંત્રીમંડળ બનશે એવી આશા જાગી છે. હવે વડાપ્રધાન મંત્રીમંડળના કલાસ લેશે અને વિકાસ કાર્યો ઉપર નજર રાખશે. બધુ જ ગુજરાતની નેતાગીરીને હવાલે નહી સોંપાય. મંત્રીઓએ દબાણ હેઠળ કામ કરવું પડશે. નક્કર પરિણામ આપવું પડશે.

———————.

loading...
loading...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

loading...
loading...