Abhiyaan-1654-Gujarat Election 2017-Himmat Kataria - Sambhaav News
Thu, Jan 18, 2018
mobile apps
Sambhaav Audio News

પ્રચારની એ વાંકીચૂંકી ગલીઓ...

Abhi-1654 Galio

 

ગુજરાત વિધાનસભા ૨૦૧૭ની બંને તબક્કાની ચૂંટણી પૂરી થઈ. પરિણામને પોતાને પક્ષે કરવા ભાજપ-કૉંગ્રેસે ભારે મથામણ કરી છે. આ વખતનો ચૂંટણી પ્રચાર ઘણી રીતે અનોખો હતો. વળી તે સીધી ગતિનો નહીં પણ પૂરમાં તોફાને ચડેલી નદીની જેમ વાંકોચૂંકો હતો. શરુઆતથી અંત સુધી બંને પ્રમુખ રાજકીય પક્ષોના પ્રચારનાં રુપો કેવા હતા? આવો જોઈએ…

 

આ પૂર્વેની ચૂંટણીઓમાં એવું થતું હતું કે કૉંગ્રેસ ઉમેદવારોની યાદી બહાર પાડે એ સાથે જ પક્ષમાંથી આંતરિક બળવાખોરીની જ્વાળાઓ એટલી ઉંચી ઉઠતી કે તરત જ નક્કી થઈ જતું હતું કે કૉંગ્રેસ ચૂંટણી હારી ગઈ છે. કેન્દ્રના કૉંગ્રેસી નેતા ૨૦૦૨ના કોમી રમખાણોને યાદ કરતા એ સાથે જ બચેલી થોડી ઘણી આશા પર પણ પાણી ફરી વળતું. જનચર્ચા એવી થતી કે ભાજપ કૉંગ્રેસને નહીં પણ કૉંગ્રેસ જ કૉંગ્રેસને હરાવે છે. ભાજપ તો હારે પણ કૉંગ્રેસને જીતવું હોય તો ને. એમની દોડ તો બને એટલી જલ્દી હાર નિશ્ચિત કરવા માટેની હોય છે તેવી ચર્ચા થતી. આંતરિક બળવાખોરી અને મુદ્દાથી ભટકેલા પ્રચારના માહૌલ વચ્ચે કૉંગ્રેસી કાર્યકર્તાઓ પોતાને હાંસીપાત્ર માનતા. જાહેરમાં પોતાની અને પક્ષની મજાક કરીને સમાજ સાથે જોડાયેલા રહેવાનો પ્રયાસ કરતા. છાપેલા કાટલા જેવા ગુજરાત કૉંગ્રેસના શિર્ષસ્થ નેતાઓ અહીંતહીં પ્રચાર કરતા ફરતા કે કૉંગ્રેસ બહુમતથી ચૂંટાઈ આવશે. હકીકત તો એવી છે કે આ નેતાઓને આગલી હરોળમાં જોઈને જ ઘણા કૉંગ્રેસને મત આપવાનું મન બનાવેલા મતદારો ભાગી જતા. આ જ કારણે શંકરસિંહ વાઘેલા સિવાયના તમામ કૉંગ્રેસના શિર્ષસ્થ નેતાઓ ખુદ ૨૦૧૨ની ચૂંટણી હારી ગયા હતા. આ વખતે કૉંગ્રેસે એ બધી જ ભૂલો સુધારી લીધી.

અસાધારણ બાબત તો એ જોવા મળી કે કોંગ્રેસે સમગ્ર પ્રચાર દરમિયાન એકપણ વાર ૨૦૦૨ના કોમી રમખાણોનો ઉલ્લેખ નથી કર્યો. રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદીનું અનુસરણ કર્યુ, ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં આખા દેશમાં ભાજપની પ્રચારધૂરા એકલા મોદીએ પોતાના ખભે ઉપાડી હતી અને રેકોર્ડ જનસભાઓને સંબોધી હતી, રાહુલ ગાંધીએ પણ પોતાનાથી શક્ય બનતો બધો સમય ગુજરાતમાં વિતાવ્યો અને પ્રચારની ધૂરા પોતે એકલાએ જ વહન કરી. ગુજરાત કૉંગ્રેસના નેતાઓને પાછલી હરોળમાં ધકેલી દેવાયા. કૉંગ્રેસને એ બ્રહ્મજ્ઞાન લાધ્યું કે ગુજરાતમાં લઘુમતિને રાજી કરવા એક શબ્દ પણ બોલીશું તો બાકીનો બહુમત સમુદાય મ્હો ફેરવી લેશે. એટલે કૉંગ્રેસે સમગ્ર પ્રચાર દરમિયાન મુસલમાનોનું નામ સુદ્ધાં લેવાનું ટાળ્યું. મોટા કદના નેતા અહમદ પટેલને પણ પ્રચાર માટે બહાર ન કઢાયા. માત્ર મુસ્લિમ બહુમત વિસ્તારોમાં જ અહમદ પટેલ દેખાયા. સુરતના મુસ્લિમ બહુમત વિસ્તારમાં અહમદ પટેલ પોસ્ટર રુપે પણ દેખાયા. આ પોસ્ટરમાં લખ્યું હતું કે મુસ્લિમ એકતાને જાળવી રાખવા માટે અને અહમદભાઈ પટેલને ગુજરાતના વઝીર-એ-આલમ બનાવવા માટે મુસ્લિમ સમુદાય ફક્ત કૉંગ્રેસ પાર્ટીને જ વોટ આપે. ભાજપે આક્ષેપ કર્યો કે આ કૉંગ્રેસનું કારસ્તાન છે અને કૉંગ્રેસે આક્ષેપ કર્યો કે ભાજપનું.

રાહુલે એકપણવાર મુસ્લિમ ધર્મસ્થાનકની મુલાકાત ન લીધી, મુસ્લિમ ટોપી કે ખેસ ન પહેર્યો. એનાથી ઉલટું બધા જ હિંદુ દેવ-દેવીના સ્થાનકોમાં ફરી વળ્યા, કપાળે મોટા તિલક કરાવ્યા, યજ્ઞો કરાવ્યા. વડાપ્રધાન મોદીએ કેદારનાથની મુલાકાત વખતે મંદિરમાંથી લલાટે ત્રિપુંડ, રુદ્રાક્ષની માળાઓથી ભરાયેલું ગળું, રુદ્રાક્ષના બાજુબંધનો વેશ ધરીને સંબોધન કર્યુ હતું તે વેળાના દૃશ્યો હજુ લોકમાનસમાં સંઘરાયેલા હશે. રાહુલે પણ એમાંથી જ પ્રેરણા લીધી હોઈ શકે.

પ્રથમ દૃષ્ટિએ એવું લાગે કે કૉંગ્રેસ જાતિવાદના રાજકારણને મૂકીને મેદાને આવી હતી. પણ ના એ એક છળ જ હતું. કેવી રીતે? એ જાણવા માટે કૉંગ્રેસના સમગ્ર ચૂંટણી પ્રચારની નીતિરીતિ સમજવી પડે. નરેન્દ્ર મોદીએ એકલા ગુજરાત વિકાસના મોડલના સહારે ગત લોકસભા ચૂંટણીનું વહાણ કિનારે લાંગર્યુ હતું. રાજ્યના વિકાસના સહારે જે માણસ દેશ જીતી જતો હોય એમની સામે વિકાસના મુદ્દે ચૂંટણી લડવી કૉંગ્રેસ માટે શક્ય જ નહોતી. એટલે ચૂંટણીના ઘણા સમય પહેલાથી જ વિકાસને ગાંડો કરાયો. એકવાર વિકાસને હાંસીપાત્ર ઠેરવી દીધા પછી જીતના સમીકરણો ઘડી શકાય એમ હતું. હકીકત તો એ છે કે કૉંગ્રેસને જાતિવાદી રાજકારણ સિવાય કંઈ ફાવતું નથી, ૭૦ વર્ષ તેમણે આ જ કર્યુ છે. હિંદુ મતોનું વિભાજન થાય તો થાય, નિર્ણાયક મુસ્લિમ અને દલિત મતોને સહારે જીત પાક્કી જ છે એમ વિચારીને અત્યાર સુધી રાજકારણ ખેલ્યું. જરુર પડ્યે ‘ખામ’ જેવી થિઅરીઓ અપનાવવાની. આ પહેલા રાહુલની જાહેરમાં મુસ્લિમ ટોપી પહેરેલા અનેકાનેક પ્રસંગો હશે, કપાળે તિલક કે માતાજીની ચૂંદડી ધારણ કરેલા ફોટો નહીં જોયા હોય. આ જ કારણે સોમનાથથી અયોધ્યા રથયાત્રા જેવી નાની ઘટના ભાજપને કેન્દ્રમાં સત્તા અપાવી ગઈ. મતોનું ધ્રુવીકરણ થઈ ગયુ એટલે કૉંગ્રેસ ભિંસમાં મુકાઈ અને હવે તેમને સમીકરણો બદલવાની ફરજ પડી છે.

કૉંગ્રેસે જાતિવાદી સમીકરણો અંકે કરવા ગજબનું દિમાગ દોડાવ્યું. પટેલ, ઠાકોર અને દલિત મતો મળે તો સત્તા પાક્કી એ વાત તો દીવા જેવી સ્પષ્ટ છે. દેશમાં ગમે તે સ્થિતિ હોય, ગુજરાતમાં દલિતો કૉંગ્રેસ કરતા ભાજપની વધુ નજીક છે. આ દલિતોનું ભાજપ સાથેનું જોડાણ તોડવા અને તેમને ફરી કૉંગ્રેસ સાથે જોડવા, કૉંગ્રેસે દલિત યુવા નેતા જિજ્ઞેશ મેવાણીને ભાજપ વિરુદ્ધ ઉભા કર્યા. જેમણે સમગ્ર ચૂંટણી દરમિયાન પડકારો કર્યા કે હવે તો આ સરકારને પાડી જ દો. પટેલોને ભાજપ વિરુદ્ધ કરવા માટે પાટીદાર અનામત આંદોલનના નારા સાથે હાર્દિક પટેલને છૂટ્ટો મુકાયો. ગમે તેમ કરીને વ્યાપક ઠાકોર જનસમર્થન ધરાવતા અલ્પેશ ઠાકોરને કૉંગ્રેસનો ખેસ પહેરાવાયો. વધુમાં ગાંધીનગરના આર્ક બિશપ થોમસ મેકવાને એવો ફતવો બહાર પાડ્યો કે ભાજપને હરાવવા મેદાને પડો. રાષ્ટ્રવાદી પરિબળોને ઉખાડી ફેંકવા ગુજરાતના બધા બિશપો કામે લાગો. મૌલવી દ્વારા મુસ્લિમ મહિલાઓને એવી શીખ અપાઈ કે બુરખો કાઢીને મત આપવા જજો, બુરખો પહેરીને મત આપવા જશો તો હિંદુ મતદારોના માનસ પર અસર થશે અને ભાજપ તરફી મતદાન માટે તેઓ વધુ ઉદ્યમી બનશે. લોકમુખે એવું પણ ચર્ચાયુ કે માહૌલ ઉભો કરવા માટે હાર્દિક સહિતના નેતાઓની સભામાં શ્રોતાઓને ભાડેથી લવાયા હતા.

ભાજપે મોદીની પ્રશંસા કરતા નેતાઓની વીડિયો ક્લીપો વાઇરલ કરી. જેમાં વર્ષો પહેલા એડવોકેટ રામ જેઠમલાણીએ ઇન્ડિયા ટીવીના આપ કી અદાલત કાર્યક્રમમાં વડાપ્રધાન પદે મોદીની સિફારીશ કરતો અને તેની પાછળના તર્ક આપતો વીડિયો હતો, અરે પાકિસ્તાનની સભાઓમાં પાકિસ્તાનના નેતાઓએ કરેલી મોદીની પ્રશંસાના વીડિયો પણ હતા.

આ તરફ હિંદુ રાગ આલાપવામાં રાહુલ ગાંધીએ અને કૉંગ્રેસે કોઈ મણા ન રાખી. પરંતુ કૉંગ્રેસના નેતા કપિલ સિબ્બલના મુખેથી એ આલાપમાં એવો ઉપલો સૂર લાગી ગયો કે બાજી ઉંધી વળી ગઈ. સિબ્બલે મીડિયા સમક્ષ ત્યાં સુધી કહ્યંુ કે મોદી અસલી હિંદુ નથી કેમકે તે જનોઈધારી નથી. તેમનો કહેવાનો મતલબ એવો હતો કે રાહુલ ગાંધી મંદિરોમાં જાય છે અને તિલક, પૂજા કરે છે એ તો તમે જોયું. પણ રાહુલ જનોઈ પહેરે છે એ હું તમને કહુ છું.

ભાજપે હુમલો કર્યો કે કૉંગ્રેસ ઉંચનીચની માનસિકતામાંથી ઉંચી નથી આવતી. વડાપ્રધાનપદે મોદીને નહીં સાંખી શકતા જા, તું ચાય બેચ કહે છે, સતત તેમને નીચા વર્ણના ગણાવતી ફરે છે. હદ તો ત્યારે આવી ગઈ કે કૉંગ્રેસના મણિશંકર ઐયરે વડાપ્રધાન મોદીને “નીચ” કહી દીધા. મૌત કે સોદાગર અને ચાયવાલા સ્ટેટમેન્ટનો ચૂંટણીમાં ભરપુર લાભ ઉઠાવનારા અને તકની રાહ જોઈ રહેલા મોદીને બેટિંગનો મોકો મળી ગયો. લોકો સાથે ભાવનાત્મક સંબંધ ધરાવતા મોદીએ એ પછીની દરેક સભામાં જનમેદનીને યાદ અપાવી કે કૉંગ્રેસ મને “નીચ” કહે છે, હું નીચી જાતિનો ભલે રહ્યો, દેશ માટે કદી નીચું કામ નહીં કરું. એક જાટકે મોદી નીચી જાતિના લોકો સાથે કનેક્ટ થઈ ગયા એ જોઈને કૉંગ્રેસે વધુ નુકસાની ખાળવા તત્કાલ મણિશંકર ઐયરને કૉંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી હટાવી દીધા. એ પહેલા મોદી પોતાની ભૂલનો જરીકેય લાભ ન ખાટી જાય એ માટે રાહુલ ગાંધી સતત સતર્ક રહેતા હતા. એમની એક સભામાં મોદી મુર્દાબાદના સુત્રોચ્ચાર થયા તો રાહુલે તરત તેમને એમ કહીને અટકાવ્યા કે મોદીજી વડાપ્રધાન છે, તેમની સામે રાજનીતિક લડાઈ છે, મુર્દાબાદ બોલવાનું કામ કટ્ટરપંથીઓનું છે, આપણુ નથી. કૉંગ્રેસે એ વીડિયો વાઇરલ પણ કર્યો હતો.

દરમિયાન વકફ બોર્ડના વકીલ સિબ્બલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી કે રામ મંદિર મુદ્દે સુનાવણી ૨૦૧૯ સુધી ટાળવામાં આવે… અને બાજી બગડી. સુન્ની વકફ બોર્ડના આગેવાને કહ્યુ કે અમે સિબ્બલને આમ કરવા કહ્યુ નહોતું, અમારે તો જલ્દી કોર્ટનો નિર્ણય જોઈએ છે. મોદીએ જાહેરસભાઓ ગજવી કે કૉંગ્રેસને ચુકાદામાં નહીં ચૂંટણીમાં રસ છે એટલે એમને સુનાવણી પાછી ઠેલવામાં રસ છે. એ પછી પણ બદમાશી ન અટકી અને તિસ્તા સિતલવાડની આગેવાનીમાં મેધા પાટકર, અરુણા રોય, ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલી સેલિબ્રિટીઓ સહિતના ત્રણ ડઝન જેટલા લોકોએ સહી કરીને સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને કોર્ટને પ્રભાવિત કરવા પ્રયાસો કર્યા. અરજીમાં કોર્ટને અપીલ કરાઈ હતી કે રામ મંદિરના કેસ મુદ્દે કોઈ ચુકાદો આપશો તો પરિસ્થિતિ ગંભીર બનશે. આમ શરુઆતમાં મુસ્લિમ ટોપીથી આઘી રહેતી ચૂંટણીને આખરે હિન્દુ મુસ્લિમનો રંગ લાગી ગયો.

ઐયરની “નીચ” ટિપ્પણી સાથે જ ચૂંટણીના વાતાવરણમાં ભારે ગરમાવો આવી ગયો. વડાપ્રધાન મોદીએ બનાસકાંઠા-પાલનપુરની સભામાં કૉંગ્રેસ અને પાકિસ્તાનના પૂર્વ અધિકારીઓ વચ્ચેની સાંઠગાંઠના અને પાકિસ્તાન ગુજરાતની ચૂંટણીમાં દખલ કરી રહ્યુ હોવાના સનસનીખેજ આક્ષેપો કર્યા. મોદીએ ખુલાસો કરતા કહ્યુ કે થોડા દિવસો પહેલા દિલ્હીમાં મણિશંકર ઐયરના બંગલે પાકિસ્તાન હાઇકમિશન, પૂર્વ વિદેશ મંત્રી, ભારતના પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહનસિંહ અને પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારી વચ્ચે ભોજન સાથેની એક ગુપ્ત બેઠક મળી હતી અને તેમાં અહમદ પટેલને મુખ્યમંત્રી બનાવવાની યોજના ઘડાઈ હતી. શરુઆતની કૉંગ્રેસની આનાકાની વચ્ચે ડૉ.મનમોહન સિંહે ખુદ કબૂલાત કરી કે હા, મિટિંગ મળી હતી, પરંતુ તેમાં ગુજરાતની ચૂંટણીની કોઈ વાત નહોતી થઈ. માત્ર મિટિંગમાં ભારત-પાકિસ્તાનના સંબંધો કેવી રીતે સુધારવા તે વિશે જ વાત થઈ હતી. આ ઘટનાને મોદીએ આક્રમક પ્રચારમાં તબદીલ કરી દીધી.

ભાજપ તરફના પ્રચારના કેન્દ્રમાં નરેન્દ્ર મોદી હતા. રુપાલાને બાદ કરતા વિજ્ય રુપાણી કે અન્ય કોઈ સ્થાનિક નેતાઓનું બહુ મોટું યોગદાન નહોતું. નરેન્દ્ર મોદી, આદિત્યનાથ અને અમિત શાહે પ્રચારની મહત્તમ જવાબદારી સંભાળી હતી. રાજનાથ સિંહ, અરુણ જેટલી પશ્ચાદભૂમાં સરકી ગયા હતા. ત્રણેયનો લડાયક મિજાજ છે. ત્રણ મુદ્દાઓ -વિકાસ, નોટબંધી અને જીએસટી ભાજપના પ્રચારના કેન્દ્રમાં હતા. ભાષણોમાં નોટબંધી અને જીએસટી મુદ્દે કૉંગ્રેસે કેવી રીતે પ્રજાને ડરાવવા જુઠ્ઠાણા ફેલાવ્યા તેનો ચિતાર રજૂ કરવામાં આવ્યો અને અંતે પ્રજાએ અને ઉદ્યોગ જગતે કૉંગ્રેસના અપપ્રચારનો કેવો જડબાતોડ જવાબ આપ્યો તેની વાત મુકાઈ.

રમૂજ કળાને લઈને જાણીતા પરસોત્તમ રુપાલાએ વારંવાર એ વાત દોહરાવી કે કૉંગ્રેસને ગુજરાતનો વિકાસ ન દેખાતો હોય તો કોઈપણ થાંભલે ચડીને વાયર પકડીને આ વાત કરે તો અમે માની લઈશું. કૉંગ્રેસના શાસનમાં વીજળી ડૂલ થવાથી કેવી હેરાનગતિઓ થતી તેના ઉદાહરણો અપાયા. એ દુર્ભાગ્ય કહેવાય કે દેશ ઉપર મહત્વનો અને ઘણો સમય કૉંગ્રેસે રાજ્ય કર્યુ હોવા છતાં તેને વિકાસના મુદ્દે ચૂંટણી લડવાને બદલે વિકાસનો વિરોધ કરીને ચૂંટણી લડવી

પડે છે.

loading...
loading...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

loading...
loading...