Abhiyaan-1655-પ્રભુ ઇશુના વધસ્થંભના અવશેષો - હેતલ રાવ - Sambhaav News
Thu, Jan 18, 2018
mobile apps
Sambhaav Audio News

આંકલાવના ચર્ચમાં મોજૂદ છે ઇસુ ખ્રિસ્તના વધસ્તંભના અવશેષ

Hetal Rao-Abhi-1656

કહેવાય છે કે શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની જરૃર નથી હોતી.  આણંદ જિલ્લાના આંકલાવ ગામે આવેલા ચર્ચ માટે એવું કહેવાય છે કે આ ચર્ચમાં પ્રભુ ઇસુના વધસ્તંભના અવશેષો મોજૂદ છે, જેના દર્શન કરી ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓ ધન્યતા અનુભવે છે. ડિસેમ્બર માસ વર્ષનો અંતિમ મહિનો છે. સાથે જ આ મહિનામાં ખ્રિસ્તી સમુદાયનો સૌથી મોટો તહેવાર ક્રિસમસ આવે છે, ત્યારે આંકલાવના આ ચર્ચના વિશેષ મહત્ત્વ પર એક નજર…..

 

વિશ્વના વિવિધ દેશોમાં વસતા ખ્રિસ્તી ધર્મના લોકો માટે નાતાલનો તહેવાર વિશેષ મહત્ત્વ ધરાવેે છે. આજે એવા દેશોમાં પણ ક્રિસમસની ઉજવણી કરવામાં આવે છે કે જ્યાં ખ્રિસ્તીઓની વધુ વસતી પણ નથી, જેનું એક કારણ એ પણ છે કે પ્રભુ ઇસુ માટે સૌ કોઇના દિલમાં વિશેષ ભાવ રહેલો છે. ખ્રિસ્તી ધર્મમાં મુખ્ય વિશ્વાસ ઇસુ ખ્રિસ્ત પર રહેલો છે. મૃત્યુ પછી ઇસુ ખ્રિસ્ત ફરી સજીવન થયા અને સજીવન થયા બાદ ૪૦ દિવસ પછી સ્વદેહે આકાશમાં ઉંચે ગયા અને તેઓ ફરી ધરતી પર આવવાના છે તેવો વિશ્વાસ  ખ્રિસ્તીઓ ધરાવે છે. કહેવાય છે કે પ્રભુ ઇસુએ બધાના પાપની મુક્તિ માટે વધસ્તંભ પરનું અપમાનજનક અને કષ્ટદાયક મૃત્યુ પસંદ કર્યું હતું. આ જ કારણોસર ખ્રિસ્તી લોકોના જીવનમાં વધસ્તંભ ખૂબ જ મહત્વ ધરાવે છે. ખ્રિસ્તી ધર્મના મુખ્ય બે પંથ છે, જેમાં એક રોમન કેથોલિક અને બીજો પ્રોટેસ્ટન્ટ. આજે અહીં રોમન કેથલિકના એ ચર્ચની વાત કરવાની છે કે જે, સમગ્ર ભારતમાંનું એવું એક માત્ર ચર્ચ છે, જ્યાં હાલમાં પણ પ્રભુ ઇસુ જે વધસ્તંભ પર મૃત્યુ પામ્યા હતા તે વધસ્તંભના અવશેષો મોજૂદ છે.

આંકલાવ મિશનના મૂળ સ્થાપક ફાધર સૂર્યા હતા. જેમણે ઇ.સ. ૧૯૫૬માં  આ ચર્ચની સ્થાપના કરી હતી. જો કે પ્રભુ ઇસુના પવિત્ર વધસ્તંભના અવશેષ અહીં કેવી રીતે લાવવામાં આવ્યા તેની વિગતે માહિતી નથી. પરંતુ અહીં  જે અવશેષ મોજૂદ છે તે પ્રભુ ઇસુના વધસ્તંભનો છે તેવી લોકવાયકાઓ છે. ફાધર  સૂર્યાની હાજરીમાં પ્રથમવાર આ ચર્ચમાં ક્રોસના માર્ગની ભક્તિ કરવામાં આવી હતી. તે સમયે આ ચર્ચમાં દર્શન માટે આવતા દર્શનાર્થિઓની સંખ્યા માત્ર છ હતી. આજે હજારોની સંખ્યામાં લોકો પ્રભુ ઇસુના દર્શન માટે છે.

આ ચર્ચમાં વધસ્તંભ ઉપરાંત દેવળની બહાર ક્રોસના માર્ગની ભક્તિ કરવા માટે ૧૪ સ્થાનો આવેલા છે. કહેવાય છે કે ભગવાન ઇસુએ પાપી માનાવોેની મુક્તિ માટે જીવનના જે છેલ્લા ત્રણ કલાક ગાળ્યા અને ક્રોસ ઉપર મૃત્યુ પામ્યા, તેની યાદગીરીમાં આ ૧૪ સ્થાનો સ્થાપવામાં આવ્યા છે. જેમાં સૌથી અગત્યનું સ્થાન સુતોપાસિકા છે. જ્યાં માતા મરિયમ પોતાના ખોળામાં ઇસુના પાર્થિવ દેહને લઇને બેઠાં છે. કહેવાય છે, આની અસલ પ્રતિમા માઇકલ એન્જેલોએ ૧૬મી સદીમાં બનાવી હતી અને જે હાલમાં પણ રોમમાં હયાત છે. દરેક ચર્ચમાં હોય તેવી ઘણી ખાસિયતો આ ચર્ચમાં પણ જોવા મળે છે. જેમાં સૌ પ્રથમ આવે છે યજ્ઞવેદી, જે લાંબા ટેબલ જેવી છે. છેલ્લા ભોજન સમયે પ્રભુ ઇસુએ પોતાનું જીવન પાપી માનવીઓની મુક્તિ માટે અર્પણ કર્યું તેની યાદગીરી દરેક કેથોલિક ચર્ચમાં રાખવામાં આવે છે. જેના પર બાઇબલ રાખી તેનું પઠન કરવામાં આવે છે તે દરેક ચર્ચમાં ક્રોસ પણ જોવા મળે છે, જે ભગવાન ઇસુના બલિદાનનું પ્રતિક ગણાય છે. આ કારણોસર ખ્રિસ્તી ભાઇ- બહેનો પોતાના ગળામાં ક્રોસ પહેરે છે. જ્યારે ઇસુની હાજરી દર્શાવતા મંજુસાનું પણ અનેરું મહત્ત્વ છે. જેને પ્રિત સંસ્કારની પેટી પણ કહેવાય છે.

આંકલાવમાં ક્રિસમસ સમયે હજારો ભાવિકો દર્શન માટે આવે છે. રવિવારની પ્રાર્થના સભામાં પણ દૂર દૂરથી લોકો આવે છે. હાલમાં ક્રિસમસ નજીક હોવાથી અહીં અનેરો આનંદ જોવા મળે છે. આ ચર્ચને વિશેષ માનવામાં આવે છે. આ વિશે વાત કરતા આણંદ રહેતા અને  ચર્ચમાં નિયમિત રીતે જતા અનિલ મેકવાન કહે છે, “હું નાનો હતો ત્યારથી મારા પિતા સાથે આ ચર્ચમાં જતો આવ્યો છું. ઘરના વડીલોના મોઢે સાંભળ્યું છે કે અહીં જે વધસ્તંભના અવશેષ છે તે પ્રભુ ઇસુનો સાક્ષાત્કાર કરાવે છે. અહીં માત્ર ખ્રિસ્તી સમુદાયના લોકો જ આવે છે તેવું નથી પરંતુ દરેક જ્ઞાતિના લોકો અહીં શીશ નમાવે છે. બધાની ભાવના આ ચર્ચ સાથે જોડાયેલી છે. ઇસુના ઉપદેશમાં વિદ્યુત જેવી શક્તિ છે. આજના યુગમાં તેના માટે યોગ્ય યંત્ર શોધવાની જરૃર છે. એવું યંત્ર કે જે તેમના ઉપદેશોને માનવજાતિના કલ્યાણ માટે વ્યવહારમાં મૂકી શકે. જો આવુ શક્ય બનશે તો ચોક્કસથી સમાજમાં ક્રાંતિ આવશે.” તો વળી  મહેમદાવાદમાં રહેતા અને નિયમિત આંકલાવ ચર્ચમાં દર્શન માટે જતા હસમુખલાલ ડાભી અને તેમના પત્ની યુનીસ ડાભી કહે છે, “આમ તો દરેક ધાર્મિક સ્થળમાં તમને શાંતિ મળે છે પરંતુ અહીં અમને અપાર શાંતિની અનુભૂતિ થાય છે. પ્રભુ ઇસુના અવશેષરૃપે જે વધસ્તંભનો ભાગ અહીં મોજૂદ છે તેના દર્શન માત્રથી દરેક મુશ્કેલી દૂર થતી હોય તેવુ લાગે છે. આ ચર્ચ માત્ર ચરોતરનું જ નહીં પણ સમગ્ર ભારતમાં લોકો માટે આસ્થાનું કેન્દ્ર છે.”

આંકલાવ ગામના એંસી વર્ષીય વડીલ ભુરાભાઇ કહે છે કે, “હું આ ચર્ચમાં નિયમિત જાઉં છુ. મેં બાઇબલ સાથે અનેક ધાર્મિક ગ્રંથો વાંચ્યા છે. દરેક ધર્મના વિચારો અને ઉપદેશો લોકોને સમજાવવામાં શરૃઆતના સમયમાં ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. ભગવાન ઇસુને પોતાના શિષ્યોને શરૃઆતના સમયમાં ઉપદેશ આપતા ઘણી મુશ્કેલીઓ પડી હતી જેના કારણે તેમણે વારંવાર એક ઉપદેશ આપ્યો અને તે ઉપદેશ આજે પણ આપણી દરેક સમસ્યાઓ દૂર કરે છે. તે ઉપદેશ હતો કે, મારે અને મારી જિંદગીમાં ભાગીદાર થનારાઓએ દુઃખનો કટોરો પીવો પડશે અને મૃત્યુની દીક્ષા લેવી પડશે. એ અનુભવ ગમે તેટલો આકરો હોય પણ તેનો સ્વાદ સૌએ ચાખવાનો છે. પ્રભુ ઇસુના આ ઉપદેશમાં ઘણું બધુ આવી જાય છે. આજની યુવા પેઢીએ પ્રભુ ઇસુના આ સંદેશને અનુસરવો જોઇએ. મારા મતે એકવાર તો આંકલાવ ચર્ચની મુલાકાત લેવી જ જોઇએ. જ્યાં શાંતિની અનુભૂતિ થાય છે.”

હવે જ્યારે ક્રિસમસનો તહેવાર નજીકમાં છે ત્યારે બહારથી આવતા સહેલાણીઓ પણ આ ચર્ચની મુલાકાત લે છે. હાલમાં આ ચર્ચનો કાર્યભાર સંભાળતા ફાધર સુનિલને પુરોગામી ફાધર લોયરેગીએ જે તે સમયે આપેલી માહિતી પ્રમાણે આ ચર્ચમાં પ્રભુ ઇશુના વધસ્તંભના અવશેષો મોજૂદ છે. ગામના વડીલો પણ આ વાતને માને છે. એવું પણ જાણવા મળ્યુ છે કે હવે તો ભારતના અન્ય ચર્ચાેમાં પણ પ્રભુ ઇસુના વધસ્તંભના અવશેષો લાવવામાં આવ્યા છે પરંતુ તે વિશેના નક્કર પુરાવા નથી.

—————————–.

loading...
loading...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

loading...
loading...