વાલીમંડળનું બંધનું એલાનઃ અમદાવાદ-વડોદરા-સુરેન્દ્રનગરની સ્કૂલોમાં હોબાળો

આજે રાજ્યભરમાં ફી નિયમનના મુદ્દે વાલીમંડળ દ્વારા શાળા બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જો કે રાજ્યના ઘણા શહેરોમાં આ બંધને આછો પ્રતિસાદ મળી રહ્યો છે. વડોદરા, રાજકોટ, સુરત અને અમદાવાદમાં ઘણી ખરી શાળાઓમાં શિક્ષણકાર્ય રાબેતા મુજબ જ ચાલી રહ્યું છે.

જો કે કેટલીક સ્કૂલોમાં વાલીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા હોબાળો કરવામાં આવી રહ્યો છે. અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી યુનાઈટેડ સ્કૂલમાં પણ વાલીઓ દ્વારા હોબાળો કરવામાં આવી રહ્યો છે.

આ શાળા દ્વારા ફીની કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી રહી તેવું વાલીઓનું કહેવું છે. શાળા દ્વારા ધોરણ 1 થી 3ની 28 હજાર ફી મંગાતા વાલીઓમાં રોષ ફાટી નીકળ્યો છે. ઉપરાંત આ શાળામાં 10 હજાર રૂપિયા ડોનેશન લેવામાં આવે છે, તેવો પણ વાલીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.

શાળાઓને અપાયેલા બંધના એલાનમાં સુરેન્દ્રનગરમાં પણ હોબાળો થયો હતો. સુરેન્દ્રનગરમાં ફી મુદ્દે વાલીઓ દ્વારા અલ્ટ્રાવિઝન સ્કૂલમાં હોબાળો હોબાળો કરવામાં આવ્યો છે. અલ્ટ્રાવિઝન સ્કૂલની બહાર વાલીઓએ રસ્તા પર બેસી સૂત્રોચ્ચાર કર્યા હતા. જો કે બાદમાં પોલીસ આવતા મામલો થાળે પડ્યો હતો.

વડોદરાની જય અંબે સ્કૂલમાં પણ વાલીઓ દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો. વડોદરાની સ્કૂલનું શિક્ષણકાર્ય બંધ કરાવવા માટે વાલીઓ દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો.

You might also like