SCએ આપી લીલી ઝંડી, તેમ છતાં ગુજરાતમાં ‘પદ્માવત’ રિલીઝ નહીં થાય, જાણો કેમ?

‘પદ્માવત’ ફિલ્મને લઈને સંજય લીલા ભણશાળીને સુપ્રિમ કોર્ટની સાથે સાથે અભિનેતા અક્ષય કુમારે પણ રાહત આપી દીધી છે, પરંતુ તેમ છતાં પણ મુશ્કેલીઓ ઓછી થઈ રહી નથી. આ ફિલ્મને સુપ્રિમ કોર્ટે રિલીઝ કરવાની મંજૂરી આપી દીધી હોવા છતાં પણ ગુજરાતમાં આ ફિલ્મ રિલીઝ થઈ શકશે નહીં.

ગુજરાતના મલ્ટિપ્લેક્સ એસોસિએશને રાજ્યના થિએટરોમાં ફિલ્મની સ્ક્રિનીંગ નહીં કરવાનો નિર્ણય કર્યો છે. ગુજરાતના મલ્ટિપ્લેક્સ એસોસિએશનના રાકેશ પટેલે જણાવ્યું છે કે, ‘અમે ગુજરાતમાં પદ્માવત ફિલ્મ પરદા પર નહી બતાવવાનો નિર્ણય કર્યો છે. અમે બધા ડરેલા છીએ. અમે ફિલ્મ રિલીઝ કરીને કોઈ નુકશાન કરાવવા માગતા નથી. અમે નુકશાન શા માટે વેઠીએ?’

ઉલ્લેખનીય છે કે સુપ્રિમે ફિલ્મ પરનો પ્રતિબંધ હટાવ્યો હોવા છતાં પણ ગુજરાતમાં હજુ પણ અનેક સ્થળોએ ફિલ્મનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. બનાસકાંઠા, સુરત, રાજકોટ અને પાટણ તેમજ ગાંધીનગરમાં આ ફિલ્મનો વિરોધ થઈ રહ્યો છે. એટલું જ નહીં આ ફિલ્મના વિરોધમાં બસો પણ સળગાવવામાં આવી રહી છે. સતત થઈ રહેલા વિરોધ અને હિંસાને પગલે ગુજરાતના થિએટરોના માલિકોમાં ડર વ્યાપી ગયો છે, તેથી તેઓ ફિલ્મ રિલીઝ કરવા માગતા નથી.

You might also like