VIDEO: વડોદરામાં હવેથી નહીં વસૂલાય પાર્કિંગ ચાર્જ, થશે કડક કાર્યવાહી

વડોદરાઃ ગુજરાત હાઈકોર્ટ દ્વારા પાર્કિંગ બાબતે ટ્રાફિક વિભાગને ફટકાર લગાવાઇ છે. ત્યારે વડોદરા શહેરમાં પાર્કિંગનાં નામે લૂંટ કરતા મોલનાં સંચાલકો હવે બચી શકશે નહીં. પાર્કિંગનાં નામે થતી લૂંટ સામે શહેરનાં મોલ, મલ્ટીપ્લેક્ષ સામે કડક કાર્યવાહી થશે. મોલ, મલ્ટીપ્લેક્ષનાં સંચાલકો લોકો પાસેથી પાર્કિંગ ચાર્જ વસૂલી શકશે નહીં.

મોલમાં સંચાલકો પાર્કિંગ ચાર્જ વસુલશે તો છેતરપિંડીનો ગુનો નોંધાશે. મ્યુનિસિપલ કમિશ્નર અજય ભાદુ મોલની મુલાકાત કરીને આ મામલે જરૂરી કાર્યવાહી કરશે. મહત્વનું છે કે મલ્ટીપ્લેક્ષ અને મોટી બિલ્ડીંગો પાર્કિગ ચાર્જ ના વસુલી શકે તેવો ગુજરાત હાઈકોર્ટે આદેશ કર્યો છે કે જેનાં કારણે લાખો વાહન ચાલકોની મુશ્કેલી હળવી થાય તેવો આદેશ છે.

જો કે વડોદરામાં હજુ આ આદેશનું પાલન કરાવવા માટે કોઈ જ પગલાં લેવાયાં નથી. વડોદરાનાં મલ્ટીપ્લેક્ષ અને મોલમાં તેમજ બસ સ્ટેન્ડનાં ટ્રાન્સક્યુબ પ્લાઝામાં પણ પાર્કિગ ચાર્જ વસુલવામાં આવી રહ્યો છે. અહીં 10થી 30 રૂપિયા ટુ વ્હીલર વાહનનો ચાર્જ આજે પણ વસુલવામાં આવે છે.

મહત્વનું છે કે તંત્ર દ્વારા આ કાર્યવાહીની માત્ર જાહેરાત જ કરવામાં આવી છે પરંતુ ચાર્જ વસુલતાં લોકો સામે કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી. આજે હાઈકોર્ટનાં આદેશને પગલે વાહનચાલકો પણ ઉગ્ર વિરોધ કરતાં હતાં. જો કે તેમ છતાં પાર્કિગ ચાર્જ વસુલવામાં આવી રહેલ છે.

ઉલ્લેખનીય છે કે હાઇકોર્ટે તાજેતરમાં જ ટ્રાફિક વિભાગને કડક આદેશ કર્યો છે. જેને પગલે રાજ્યભરમાં ટ્રાફિક વિભાગે ગેરકાયદેસર પાર્કિંગ કરનારા લોકો સામે તેમજ ગેરકાયદેસર રીતે પાર્કિંગ ચાર્જ વસૂલ કરનાર લોકો સામે પણ કડક કાર્યવાહી કરવાનું શરૂ કર્યું છે.

You might also like