VIDEO: ઠાસરા જિલ્લા પંચાયતનાં સભ્ય કાંતિભાઇ પરમારનું રાજીનામું, જાણો કેમ…

ઠાસરા વિધાનસભામાં ભાજપનાં ઉમેદવારનાં દાવેદાર અને ઢુંનાદરા જીલ્લા પંચાયત બેઠક ઉપરથી જીતેલા ભાજપનાં કાન્તીભાઈ પરમારે કોંગ્રેસમાંથી છેડો ફાડીને આવેલ રામસિંહ પરમારને ભાજપની ટીકીટ આપવામાં આવતા નારાજ થઇને જીલ્લા પંચાયતનાં સદસ્ય અને ભાજપનાં પ્રાથમિક સભ્ય પદ ઉપરથી પોતાનું રાજીનામું આપ્યું હતું. જીલ્લા પંચાયતનાં પ્રમુખ હાજર ના હોઈ ટપાલ શાખામાં પોતાનું રાજીનામું આપીને તેઓએ રોષ ઠાલવ્યો હતો.

ભાજપ રામસિંહ સિવાય અન્ય કોઈ પાયાનાં કાર્યકરને ટીકીટ આપે તેવી માંગ કરી છે. વીટીવી પાસે પાકી માહિતી છે કે કાન્તીભાઈ પરમારને કોંગ્રેસ દ્વારા ટીકીટ ફાઈનલ કરી દેવામાં આવી છે.

ઠાસરા વિધાનસભા ઉપર કોંગ્રેસનો ગઢ બનાવી અજય કિલ્લો બનાવેલ કોંગ્રેસનાં રામસિંહ પરમારે કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપનો ખેસ પહેર્યો હતો અને ભાજપ દ્વારા પણ તેમને જ ટીકીટ આપવામાં આવતા જ જુનાં ભાજપનાં કાર્યકરોમાં પણ અસંતોષ વ્યાપી ગયો હતો. તે આજે ચરમસીમાએ પહોંચતાં ઢુંનાદરા જીલ્લા પંચાયત બેઠકનાં સભ્ય કાન્તીભાઈ પરમારે સભ્ય પદ અને ભાજપ પક્ષમાંથી રાજીનામું આપી દીધું.

જેને લઇ જીલ્લા અને ઠાસરા વિધાનસભા મતવિસ્તારમાં રાજકારણનો માહોલ ઘણો ગરમાયો છે. કાન્તીભાઈ પરમાર પૂર્વ ધારાસભ્ય રામસિંહ પરમારનાં એક સમયનાં મિત્ર હતાં. જે બાદમાં દુશ્મન બની જતા રામસિંહ સામે આજ સુધી તાલુકા, જીલ્લા અને એક વિધાનસભા મળીને કુલ પાંચ ચૂંટણીઓ લડ્યાં હતાં. જેમાં બે વાર વિજયી બન્યાં હતાં. ત્યારે ત્રણ વાર હાર્યા હતાં.

જેમાં કાન્તીભાઈનાં પુત્રવધુ પણ તાલુકા પંચાયતનાં પ્રમુખ પણ બન્યાં હતાં ત્યારે રામસિંહ પરમાર ભાજપમાં જતા કોંગ્રેસ ઠાસરામાં મૃતપ્રાય બની હતી. જેને લઇ કોંગ્રેસનાં નેતાઓ અંદરખાને કાન્તિભાઈને કોંગ્રેસમાંથી ચુંટણી લડાવવા માંગતાં હતાં. કોંગ્રેસની સાથે ટીકીટની ડીલ થતાં જ આજે રાજીનામું આપી તેઓએ પોતાનો રોષ ઠાલવ્યો હતો. ત્યારે કોંગ્રેસનાં ઉમેદવારોની યાદી જાહેર થાય તેમાં કાન્તીભાઈ પરમારનું નામ હવે નક્કી જ છે.

You might also like