શિક્ષિત-દિક્ષિત અને તંદુરસ્ત સ્વાસ્થ્ય ધરાવતી કન્યાઓ ધરાવતો સમાજ જ પ્રગતિ કરી શકે છેઃ મુખ્યમંત્રી

અમદાવાદ: મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે જણાવ્યું છે કે, શિક્ષિત-દિક્ષિત અને તંદુરસ્ત સ્વાસ્થ્ય ધરાવતી કન્યાઓ ધરાવતો સમાજ જ પ્રગતિ કરી શકે છે અને તે સમાજ સંસ્કારી અને સુવાસિત બને છે. ઉદ્દાત વિચારધારાના પ્રવર્તક રવિભાણ સંપ્રદાયના સદ્ગુરુ ભાણ સાહેબની ૩૧૮મી જન્મજયંતીના અવસરે જાણીતા રામાયણી મોરારીબાપુના વ્યાસાસને વિરમગામ તાલુકાના કમીજળા ખાતે યોજાઈ રહેલી રામકથાના બીજા દિવસે લોહાણા મહાપરિષદ આયોજિત આંતરરાષ્ટ્રીય રઘુવંશી સંમેલનને સંબોધતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે મારા તારાની વાડાબંધી તોડીને જ સમાજ એક અને નેક બની શકે છે અને રાજય તથા રાષ્ટ્રના વિકાસમાં સંવાહક બને છે.

સમાજ મોવડીઓ આ માટે આગળ આવે, ગરીબના ઘર સુધી રોટલો પહોંચે તે માટે સમાજ શ્રેષ્ઠીઓ કર્મશીલ બને તે માટે મુખ્યમંત્રીએ પ્રેરક અનુરોધ કર્યો હતો. મુખ્યમંત્રીએ કન્યા કેળવણી અને કન્યા તંદુરસ્તી માટે સમાજમાં જાગૃતિ ફેલાવવા અને સમાજને સંવર્ધિત કરવા માટે આહ્વાન કરતાં જણાવ્યું હતું કે, કન્યા કેળવણી અભિયાનના કારણે વર્ષ ૨૦૦૧માં કન્યા શિક્ષણનું પ્રમાણ ૫૮ ટકા હતું તે વર્ષ ૨૦૧૧માં ૭૪ ટકા થયું છે. કન્યા જાતિ પ્રમાણ કે જે વર્ષ ૨૦૦૧માં ૮૦૨ હતું તે વધીને ૨૦૧૧માં ૯૦૪ થયું છે.

રાજયમાં ૫૬ લાખ બહેનોની આરોગ્ય તપાસણી થઈ છે અને તેમાં કેન્સરગ્રસ્ત જણાયેલ બહેનોને નજીકની સરકારી હોસ્પિટલમાં વિના મૂલ્યે સારવાર આપવામાં આવી છે તેમ તેઓએ ઉમેર્યું હતું. રઘુવંશી સમાજ દ્વારા કન્યા કેળવણી માટે અપાયેલા રૂ. ૫ લાખનો ચેક મુખ્યમંત્રીએ સ્વીકાર્યો હતો. લોહાણા યુવા સમાજ દ્વારા ગુજરાતના કોઈ પણ વિસ્તારમાં લોહીની જરૃરિયાત માટે રક્તદાતા ઉપલબ્ધ બને તે માટેની મોબાઈલ એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે તેની મુખ્યમંત્રીએ પ્રશંસા કરી હતી.

લોહાણા સમાજ દ્વારા આગામી સમયમાં અંબાજી ખાતે શરૂ કરવામાં આવનાર હોસ્પિટલના પ્રકલ્પ માટે તેઓએ અભિનંદન આપ્યા હતા. પ્રખર રામાયણી મોરારી બાપુ તથા ભાણ સાહેબની ગુરુ ગાદીના મહંત જાનકીદાસ બાપુએ આ પ્રસંગે આર્શીવચન પાઠવ્યા હતા. લોહાણા મહાપરિષદના પ્રમુખ પ્રવિણભાઈ કોટકે સ્વાગત પ્રવચન કર્યું હતું. રઘુવંશી સમાજનો ઈતિહાસ અને વિકાસ ગાથા દર્શાવતી ડોકયુમેન્ટરી દર્શાવવામાં આવી હતી. લોહાણા સમાજના વિદેશ વિભાગમાં નિયુક્ત ઉપપ્રમુખોને મુખ્યમંત્રી તથા મહાનુભાવોના હસ્તે નિમણૂંકપત્રો આપવામાં આવ્યા હતાં.

You might also like