Airport પરની ડ્યૂટી ફ્રી શોપમાં હાલ GST લાગશે નહીં

મુંબઇ: એરપોર્ટ પરની ડ્યૂટી ફ્રી શોપમાં સામાન ખરીદી પર જીએસટી લાગશે તેવા સમાચાર છેલ્લા કેટલાક સમયથી વહેતા થયા હતા, પરંતુ સરકારે સ્પષ્ટતા કરી છે કે હાલ એરપોર્ટ પરની ડ્યૂટી ફ્રી શોપમાંથી સામાન ખરીદતા સમયે જીએસટી નહીં લાગે.

કોલકાતા અને અન્ય ૧૬ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરની ડ્યૂટી ફ્રી શોપમાંથી સામાન ખરીદતા જીએસટી લાગશે નહીં. એનું પાછળનું મુખ્ય કારણ આ શોપમાંથી સામાનના વેચાણમાં સતત ઘટાડો થઇ રહ્યો છે અને કમાણી ઘટી રહી છે.

પ્રાપ્ત થતી માહિતી મુજબ જીએસટી લાગવામાં આવે તો શોપમાંથી વેચાતી ચીજવસ્તુઓ વધુ મોંઘી થઇ શકે છે અને તેના કારણે વેચાણ ઉપર સીધી અસર થાય તેવી પણ શક્યતા જોવાઇ રહી છે અને તેના કારણે સરકારે હાલ ડ્યૂટી ફ્રી શોપમાં જીએસટી નહીં લગાવવાનું મન બનાવી લીધું છે.

ઉલ્લેખનીય છે કે જીએસટી લગાવવાના કારણે ડ્યૂટી ફ્રી શોપ અને અન્ય દુકાનોમાં વેચાતી ચીજવસ્તુઓના ભાવ લગભગ એકસરખા જોવા મળશે અને તેના કારણે એરપોર્ટ પરની ડ્યૂટી ફ્રી શોપનું આકર્ષણ ઘટી જશે અને આ શોપના વેચાણમાં પણ સીધી અસર જોવાશે.

You might also like