GST ૧૭થી ૨૦ ટકા વચ્ચે હોવો જોઈએ

નવી દિલ્હી: જીએસટી બિલ પાછલા સપ્તાહે રાજ્યસભામાંથી પસાર થઇ ગયું છે. આજે લોકસભામાં મુકાવા જઇ રહ્યું છે ત્યારે જીએસટીના દર ૨૦ ટકાથી નીચે હોવા જોઇએ તેવી ઉદ્યોગ જગત માગ કરી રહ્યું છે. મોંઘવારીને અંકુશમાં રાખવા ઉદ્યોગ જગતનો એક વર્ગ જીએસટીના રેટ ૧૭થી ૨૦ ટકા રાખવાની માગ કરી રહ્યો છે, જેમાં ખાસ કરીને ટેલિકોમ, બેન્કિંગ, હેલ્થકેર અને રેલવે જેવી સેવાઓને વિશેષ યાદીમાં સામેલ કરવામાં આવે.

દરમિયાન નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે જીએસટી લાગુ થવાના કારણે માલ પરિવહન સેક્ટરને વાર્ષિક એક અંદાજ મુજબ ૧૩,૪૦,૦૦૦ કરોડ રૂપિયાની બચત થવાનો અંદાજ સેવાઇ રહ્યો છે. દેશની જીડીપીમાં આ સેક્ટરનો એક અંદાજ મુજબ ૧૪ ટકાનો હિસ્સો છે. જીએસટી આવવાના કારણે ચીજવસ્તુઓની ડિલિવરી ઝડપી થશે.

એસોચેમના જણાવ્યા પ્રમાણે જીએસટી સંબંધી ટેક્સમાં સુધારો ત્યાં સુધી સફળ નહીં થાય કે જ્યાં સુધી કેન્દ્ર અને રાજ્યો બંનેને નક્કી કરેલ આવક ના મળે. એસોચેમના કહેવા પ્રમાણે રેવન્યૂ ન્યૂટ્રલ રેટ નક્કી કરતાં સમયે આવકમાં નુકસાન ન થાય તેનું ધ્યાન રાખવું પડશે.

You might also like