GSTના પ્રશ્નોના નિરાકરણ માટે હેલ્પલાઈન શરૂ કરાશે

નવી દિલ્હી: ગુડ્સ અને સર્વિસ ટેક્સ અંગે વેપારીઓના મનમાં અનેક પ્રશ્નાર્થ છે. આગામી દિવસોમાં જ્યારે અમલી બને ત્યારે વધુ પ્રશ્નો ઊભા થઈ શકે છે. ઉદ્ભવેલા પ્રશ્નોનો વ્યાપક સ્તરે ઉકેલ લાવવા માટે કારોબારીઓ માટે હેલ્પલાઈન સર્વિસ શરૂ કરવામાં આવશે.

જીએસટી માટે વ્યાપક સ્તરે જાગૃતતા આવે તે માટે કેન્દ્ર અને રાજ્યમાં કોલ સેન્ટર ઊભાં કરવામાં આવશે. જીએસટીની આઈટી સિસ્ટમ માટે ‘જીએસટી નેટવર્ક’ માટે પણ એક કોલ સેન્ટર ઊભંુ કરવામાં આવશે. આ કોલ સેન્ટર દ્વારા કારોબારીને જીએસટી રિટર્ન અને જીએસટીના રજિસ્ટ્રેશન સંબંધે કોઈ સમસ્યા ઊભી થાય તો તે અંગેની જાણકારી મેળવી શકશે.

રેવન્યૂ ડિપાર્ટમેન્ટના સેક્રેટરી હસમુખ અઢિયાએ કહ્યું હતું કે આગામી વર્ષના જાન્યુઆરીથી માર્ચ સુધી વ્યાપક સ્તરે જીએસટી અંગે એક અભિયાન ચલાવવામાં આવશે. દેશનાં જુદાં જુદાં રાજ્યનાં મોટાં શહેરોમાં કારોબારીઓ સાથે બેઠક થશે. તેઓને જીએસટી અંગે જાણકારી આપવામાં આવશે.

વેટ ડિપાર્ટમેન્ટે પણ હેલ્પલાઈન શરૂ કરવાની કવાયત હાથ ધરી
રાજ્યના વેટ ડિપાર્ટમેન્ટે પણ જીએસટી સંબંધે કારોબારીઓના કોઈપણ ગૂંચવાતા પ્રશ્નો હોય કે રજિસ્ટ્રેશન સંબંધે મુશ્કેલી હોય એટલું જ નહીં રિટર્ન ભરવા અંગે પણ કોઈ પ્રશ્નો હોય તો તે માટે ડિપાર્ટમેન્ટના અધિકારીઓ દ્વારા પ્રશ્નોનું સમાધાન થાય તથા વેપારીઓની મુશ્કેલી હળવી થાય તે માટે હેલ્પલાઈન સેવા શરૂ કરવાની કવાયત હાથ ધરી છે.
વાર્ષિક રૂ.૨૫ લાખ સુધીનાં ટર્નઓવર કરતી કંપનીઓ

પર ટેક્સ નહીં લદાયઃ રેવન્યૂ સેક્રેટરી
રેવન્યૂ સેક્રેટરી હસમુખ અઢિયાએ કહ્યું છે કે વાર્ષિક રૂ.૨૦થી ૨૫ લાખ સુધીનો કારોબાર કરતા વેપારીઓને જીએસટીમાં રાહત આપવામાં આવશે. કેન્દ્ર અને રાજ્ય સંભવતઃ આ વાર્ષિક ટર્નઓવરની લિમિટ સાથે સંમત થશે. તેમણે વધુમાં જણાવ્યું કે નાના કારોબારીઓ માટે આ મર્યાદા રૂ.૨૫ લાખ સુધીની કરવામાં આવી શકે છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર આ અંગે ગંભીરતાથી ચર્ચા કરી રહ્યાં છે.

You might also like