GST પોર્ટલનાં ધાંધિયાંઃ વેપારીઓ નોટિસનો જવાબ પણ આપી શકતા નથી

અમદાવાદ: રાજ્યના કોમર્શિયલ ટેક્સ ડિપાર્ટમેન્ટે જીએસટીઆર ૩-બી અને જીએસટીઆર-૧ રિટર્નના તફાવતને લઇને એક અંદાજ મુજબ ૧.૨૫ લાખથી પણ વધુ નોટિસો કાઢી છે, જેનાથી વેપારીઓમાં ગભરાટની લાગણી ફેલાઇ ગઇ છે. ટેક્સ નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે સરકાર દ્વારા આ નોટિસો કાઢવામાં આવી છે, પરંતુ નોટિસના ઓનલાઇન જવાબ આપવા માટે પોર્ટલ પર કોઇ વ્યવસ્થા કરવામાં આવી નથી.

વેપારીઓએ આ નોટિસનો જવાબ આપવા માટે રૂબરૂ હાજર થવું પડશે અથવા તો ઇ-મેલથી જવાબ મોકલી શકે તેવો બચાવ ડિપાર્ટમેન્ટ દ્વારા કરાઇ રહ્યો છે ત્યારે ટેક્સ નિષ્ણાતો દ્વારા ઓનલાઇન વ્યવસ્થા ઊભી કરવા માગ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે જીએસટીમાં મોટા ભાગે ઓનલાઇન કામકાજની વ્યવસ્થા ઊભી કરાઇ છે, જેમાં પેમેન્ટ, રિફંડ, ઇ-વે બિલની તમામ કામગીરીઓ પોર્ટલ પર ઓનલાઇન કરવામાં આવે છે, પરંતુ આ નોટિસોના જવાબ આપવા માટે ઓનલાઇન કોઇ વ્યવસ્થા કરવામાં આવી ન હોવાથી વેપારીઓમાં આ અંગે રોષ જોવા મળી રહ્યો છે.

ડિપાર્ટમેન્ટનાં સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી મુજબ શહેરમાં આવા પાંચ હજારથી વધુ વેપારીને નોટિસો મળી છે, જેમાં જીએસટીઆર-૧ અને જીએસટીઆર-૩-બીના રિટર્ન વચ્ચે ૫૦૦ કરોડથી વધુનો તફાવત સામે આવ્યો છે. ખાસ કરીને કાપડ બજાર, ઓટોમોબાઇલના વેપારીઓ દ્વારા મોટા પ્રમાણમાં આ પ્રકારની ગેરરીતિઓ આચરાઇ હોવાનું ડિપાર્ટમેન્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે.

આ અંગે ગુજરાત સેલ્સટેક્સ બાર એસોસિયેશનના વારીશ ઇશાનીના જણાવ્યા પ્રમાણે ડિપાર્ટમેન્ટ દ્વારા નોટિસો કાઢવામાં આવી છે, પરંતુ આ નોટિસનો જવાબ આપવા માટે ઓનલાઇન વ્યવસ્થા ન હોવાના કારણે વેપારીઓને ભારે મુશ્કેલી અનુભવવી પડી રહી છે.

ઉલ્લેખનીય છે કે જીએસટી અમલમાં આવ્યા બાદ પોર્ટલની મુશ્કેલીના કારણે જીએસટીઆર-૩-બી-ખરીદ-વેચાણની સમરીનું રિટર્ન ભરવાનું હતું, પરંતુ ત્યાર બાદ જીએસટીઆર-૧ રિટર્નમાં ઇન્વોઇસ સહિતના વેચાણની વિગતો આપવાની હતી. બંને રિટર્નમાં તફાવત હોય એવા વેપારીને નોટિસો પાઠવવામાં આવી છે.

You might also like