GST આવે તે પૂર્વે જ્વેલર્સ દ્વિધામાંઃ બેથી અઢી ટકા ટેક્સ સ્લેબની માગણી

અમદાવાદ: ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ લાગુ કરવાની સમય સીમા ધીમે ધીમે ઘટી રહી છે. આગામી મે મહિનામાં સોના સહિત તમામ કોમોડિટી કયા ટેક્સ માળખા હેઠળ આવશે તે અંગેનો નિર્ણય થઇ જશે, જોકે સ્થાનિક જ્વેલર્સ જીએસટી કયા દરે આવશે તે અંગે દ્વિધા અનુભવી રહ્યા છે.

જ્વેલર્સના એક વર્ગનું સ્પષ્ટ માનવું છે કે ઘડામણ ચાર્જને સર્વિસ ચાર્જ માનવામાં આવે છે અને તેને બિલમાં અલગ દર્શાવવામાં આવે છે, પરંતુ ઘડામણ ચાર્જિસને સેવા માનવામાં આવે તેવા સંજોગોમાં જીએસટી અંતર્ગત ઘડામણ ચાર્જ હેઠળ ૧૮ ટકાના દરે ટેક્સ લાગુ થઇ શકે છે, પરંતુ કેટલાક જ્વેલર્સનું કહેવું છે કે જ્વેલરીના ઘડામણ ચાર્જિસને જ્વેલરીની કિંમતમાં સામેલ કરવામાં આવે અને જેના કારણે ઘડામણ ચાર્જિસને અલગ દર્શાવવામાં ના આવે તેવી સ્થિતિમાં જીએસટી અંતર્ગત તેના પર બે ટકા ટેક્સ લાગી શકે છે.

જ્વેલર્સનું કહેવું છે કે જો ઘડામણ ચાર્જિસને સર્વિસ ટેક્સ અંતર્ગત લાવવામાં આવે તો જ્વેલર્સ ઉપર વધારાનો એક અંદાજ મુજબ ૫,૦૦૦થી ૫,૨૦૦ કરોડનો બોજો વધી શકે છે. દરમિયાન અમદાવાદ જ્વેલર એસોસિયેશનના સેક્રેટરી જિગરભાઇ સોનાની જણાવ્યા પ્રમાણે જીએસટી ચાર ટકાના દરે લાદવામાં આવે તો પણ કારોબારીઓ પર બોજ વધી શકે છે. અમે બેથી અઢી ટકાના ટેક્સ સ્લેબમાં જીએસટી આવે તેવી માગ કરી રહ્યા છીએ.
http://sambhaavnews.com/

You might also like