GST ઇમ્પેકટ્સઃ હવે બાય-વન-ગેટ-વન ઓફર્સ બંધ

નવી દિલ્હી: ગુડસ એન્ડ સર્વિસીસ ટેકસ (જીએસટી) લાગુ કર્યા બાદ એક પિઝા સાથે એક પિઝા ફ્રી જેવી ઓફર્સ કંપનીઓને આપવાનું મોઘું પડશે. જુલાઇમાં જીએસટી લાગુ થયા બાદ ઘણી સી પેકેજડ પ્રોડકટસ અને ફૂડ સર્વિસીસ કંપનીઓએ આ પ્રકારની ઓફર બંધ કરી દીધી છે.

જીએસટી હેઠળ કંપનીઓ તરફથી ગ્રાહકોને કોઇ પણ ચીજ ફ્રી આપવા પર કંપનીઓએ વધારાનો ટેકસ ચૂકવવો પડશે અને જ્યારે તેઓ કોઇ પ્રોડકટના વેચાણને ફ્રી તરીકે બતાવશે તો તેમને ઇનપુટ ક્રેડિટ નહીં મળે અને આ કારણસર કંપનીઓ હવે ગ્રાહકોને આકર્ષવા માટે અન્ય રસ્તાઓ અંગે વિચારી રહી છે.

દેશની સૌથી મોટી બિસ્કિટ કંપની પારલે પ્રોડકટના માર્કેટિંગ હેડ મયંક શાહે જણાવ્યું હતું કે અમે હવે બાય-વન ગેટ-વન ઓફર્સ બંધ કરી રહ્યા છીએ અને તેના બદલે અમે હવે બિસ્કિટના પેકેટ પર સીધું ડિસ્કાઉન્ટ આપવા જઇ રહ્યા છીએ. તેનાથી બિઝનેસમાં મુશ્કેલી પડી રહી છે, પરંતુ જીએસટી હેઠળ આમ કરવું જરૂરી બની ગયું છે.

દેશની બે મોટી ફૂડ સર્વિસીસ કંપનીઓ જ્યુબિલન્ટ ફૂડ વર્કસ (ડોમિનોઝ પિઝા, ડન્કીન ડોનટસ) અને યમ રેસ્ટોરન્ટ (પિઝા હટસ) પણ હવે બાય-વન ગેટ-વન સ્કીમો બંધ કરવા જઇ રહી છે. ટેકસ નિષ્ણાતોએ જણાવ્યું છે કે જો કોઇ કંપની દ્વારા કોઇ પણ ચીજ ફ્રી સપ્લાય કરવામાં આવશે તો તે ચીજ પર પણ જીએસટી ચૂકવવો પડશે. તેમાં ફાર્માસ્યુટિકલ કંપનીઓ તરફથી ડોકટર્સને ફ્રીમાં આપવામાં આવતી પ્રોડકટસનો પણ સમાવેશ થાય છે.
http://sambhaavnews.com/

You might also like