GST સામે ફર્નિચરના વેપારીઓ પણ મેદાનમાંઃ બંધ પાળ્યો

અમદાવાદ: જીએસટીના વિરોધમાં કાપડ બજાર, હાર્ડવેર, હીરા બજાર સહિત અનેક એસોસિયેશન બજારો બંધ રાખીને નારાજગી વ્યક્ત કરી રહ્યાં છે. જે ફર્નિચર ઉપર હાલમાં ૧૫ ટકા ટેક્સ વસૂલવામાં આવી રહ્યો છે તેના ઉપર ૧ જુલાઇથી ૨૮ ટકા ટેક્સ લાગવાના કારણે ફર્નિચર બજારમાં મંદીનો માહોલ સર્જાશે તેથી ફર્નિચર પરનો હાલનો ટેક્સ યથાવત્ રાખવાની માગ સાથે અમદાવાદ સહિત રાજ્યભરના ફર્નિચર શો રૂમ તેમજ ઉત્પાદકોએ આજે એક દિવસનો બંધ પાળ્યો છે.

આજે અમદાવાદના ૧૨૦૦થી વધુ વેપારીઓ સહિત ૩૦૦૦થી વધુ ટ્રેડર્સ અને ઉત્પાદકો પણ બંધમાં જોડાયા છે.
અમદાવાદના વેપારી આનંદ અગ્રવાલે જણાવ્યું હતું કે ફર્નિચર પર ૨૮ ટકા જેટલો ટેક્સ લાગવાના કારણે ફર્નિચર મોંઘું બનશે. ફર્નિચર પરના ટેક્સનું ભારણ ગ્રાહક પર પડશે.

સોફા અને અન્ય ફર્નિચર બનાવતા રાજુભાઇ વછેટાએ જણાવ્યું હતું કે અમે ફર્નિચર તૈયાર કરીને વેચાણ કરીએ છીએ તેના પર ટેક્સનું ભારણ વધતાં તે મોંઘું થશે, જેથી વેચાણમાં તકલીફ તો થશે, અને મંદી પણ આવશે.  અમારા જેવા નાના વેપારીને વધારામાં ઓનલાઇન રિટર્ન ફાઇલિંગનો ખર્ચ પણ વધશે જે અમને પોષાય તેમ નથી. વેપારીઓની ફરિયાદ અને માગ છે કે ફર્નિચર પરનો ટેક્સ હાલમાં ૧૫ ટકા છે તે યથાવત્ રાખવામાં આવે.

૧ જુલાઇથી દેશભરમાં જીએસટી લાગુ થઇ રહ્યો છે ત્યારે કાપડ, ગાર્મેન્ટ, સ્ટીલ, હાર્ડવેર, કલર, ટૂલ્સ, અનાજ-કરિયાણા, સેનેટરી આઇટમના વેપારીઓ માર્કેટ બંધ રાખીને વિરોધ વ્યક્ત કરી રહ્યા છે ત્યારે સમગ્ર ગુજરાત ફર્નિચર એસોસીએશને પણ આજે બંધનું એલાન આપીને ધંધા-રોજગાર બંધ રાખવાનો નિર્ણય લીધો છે.

આ અંગે અમદાવાદ ફર્નિચર એસોસીએશનના પ્રમુખ દિનેશભાઇ શેઠે જણાવ્યું હતું કે આ કાળો કાયદો છે, જેનાે અમલ થવાના કારણે અમારા ફર્નિચર ઉદ્યોગના ૮૫ ટકા લોકો પર તેની વિપરીત અસર થવાની છે. અનેક લોકોના ધંધા-રોજગાર બંધ થઇ જાય તેમ હોવાથી તેના વિરોધમાં રાજ્યભરનો ફર્નિચર ઉદ્યોગ બંધ પાળશે. રાજ્યભરમાં પાંચ હજાર વેપારીઓ છે. ઇસનપુર ખાતે બપોરે યોજાનારી સભામાં આગળની રણનીતિ તૈયારી કરીશું.
http://sambhaavnews.com/

You might also like