GST-બેન્કરપ્સી કોડથી દેશમાં FDI વધશેઃ મૂડીઝ

મુંબઇ: ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ તથા બેન્કરપ્સી કોડ જેવા આર્થિક સુધારાના કારણે ભારતમાં ડાયરેક્ટ વિદેશી રોકાણ વધી શકે છે. વૈશ્વિક રેટિંગ એજન્સી મૂડીઝે એક રિપોર્ટમાં આ વાતનો ઉલ્લેખ કરી વધુમાં જણાવ્યું કે સરકારના આર્થિક સુધારાની નીતિના કારણે વૈશ્વિક ડિમાન્ડમાં વધારો થવાથી એશિયા-પ્રશાંત ક્ષેત્રમાં તેની સકારાત્મક અસર થશે.

મૂડીઝના જણાવ્યા પ્રમાણે સરકારે કેટલાક સેક્ટરમાં સત્તાવાર ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટની ઉપરની મર્યાદા વધારી દીધી છે. ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રિયલ પોલિસી એન્ડ પ્રમોશનના જણાવ્યા અનુસાર પાછલા વર્ષે દેશમાં એફડીઆઇ ૧૮ ટકા વધીને ૪૬ અબજ ડોલરની સપાટીએ પહોંચી ગઇ હતી.

નરેન્દ્ર મોદીની આગેવાનીએ એનડીએ સરકારે ઇન્શ્યોરન્સ, ડિફેન્સ, સિવિલ એવિયેશન સહિત જુદા જુદા કેટલાક સેક્ટરમાં એફડીઆઇના નિયમોને હળવા કર્યા છે. કારોબાર પણ સરળતાથી થાય તે માટે સરકારે કેટલાંક પગલાં ભર્યાં છે. મૂડીસના કહેવા પ્રમાણે ભારત અને ઇન્ડોનેશિયાએ મોટા પ્રમાણમાં વિદેશી મૂડીરોકાણ આકર્ષવા માટે લીધેલાં પગલાંના કારણે આ ક્ષેત્રમાં મજબૂત આર્થિક વિકાસ જોવાશે. દરમિયાન મૂડીઝે ભારતનું બીએએએ૩ પોઝિટિવ સોવરેન રેટિંગ યથાવત્ રાખ્યું છે.

You might also like