GSTના વિરોધમાં આજથી કાપડ બજાર અનિશ્ચિત મુદત માટે બંધ

અમદાવાદ: સરકારે કાપડ ઉપર પ ટકા જીએસટી લાદ્યો છે. કાપડના વેપારીઓ આ ટેકસ સામે છેલ્લા કેટલાક સમયથી આંદોલન ચલાવી રહ્યા છે. માર્કેટ બંધ રાખી હડતાળ પણ પાડી હતી એટલું જ નહીં, સરકારના ઉચ્ચ અધિકારીઓને તથા શાસક પક્ષના અગ્રણીઓને કાપડ સેકટરમાં જીએસટી બાદ મૂંઝવતા પ્રશ્નો અંગે વિવિધ કક્ષાએ રજૂઆત પણ કરવામાં આવી હતી, પરંતુ તેમના પ્રશ્નને ધ્યાને ન લેવાતાં છેવટે શહેરનાં કાપડ બજાર આજથી અનિશ્ચિત મુદત સુધી બંધ કરી દેવાયાં છે, જેના પગલે આજે શહેરના ન્યુ કલોથ માર્કેટ, મસ્કતી માર્કેટ, ઘંટાકર્ણ માર્કેટ, પાંચકૂવા સહિત શહેરનાં તમામ કાપડ બજાર સજ્જડ બંધ રહ્યાં હતાં.

શહેરનાં કાપડ બજાર બંધ રહેતાં એક અંદાજ મુજબ રોજના એક હજાર કરોડથી પણ વધુના કાપડનાં કામકાજ ઠપ થઇ ગયાં છે. કાપડનાં મહાજનોએ જીએસટીને લઇ પ્રશ્નો સરળતાથી ઉકેલાય તે માટે સરકારમાં ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા માંડી હતી. જીએસટીના અમલને એક સપ્તાહ કરતાં વધુ સમય વીતી ગયો છે, પરંતુ રજૂ કરેલા પ્રશ્નો સંબંધે કોઇ એક પ્રશ્નનો પણ ઉકેલ નહીં આવતાં છેવટે નાછૂટકે વેપારીઓએ ધંધા-રોજગાર અનિશ્ચિત મુદત માટે બંધ રાખવા નિર્ણય કર્યો છે. આ અંગે મસ્કતી કાપડ માર્કેટના પ્રમુખ ગૌરાંગ ભગતના જણાવ્યા મુજબ જીએસટીના પગલે કાપડ બજારમાં ઊભા થયેેલ પ્રશ્નનો કોઇ ઉકેલ ન આવતાં શહેરનાં તમામ કાપડ મહાજનો તથા વિવિધ કાપડ એસોસીએશનોએ અનિશ્ચિત મુદતની હડતાળ પર જવાનો નિર્ણય કર્યો છે.

જીએસટી બાદ ઊભી થયેલી સ્થિતિના પગલે આજથી શહેરના તમામ કાપડબજારોએ અનિશ્ચિત મુદતના બંધના એલાનની જાહેરાત કરી છે જેના પગલે સરકાર સફાળી જાગી છે.

આજે બપોરે સુરત સહિત અમદાવાદ શહેરભરના તમામ કાપડ એસોસિયેશનો, મહાજનો, સ્પીનિંગ અને વિવિંગ સાથે સંકળાયેલા વેપારીઓ મુખ્યમંત્રી અને ડેપ્યુટી મુખ્યમંત્રીને મળશે તથા તેમના પ્રશ્નોની રજુઆત કરશે આ અંગે ગૌરાંગભગતે જણાવ્યું કે જીએસટીના કારણે ટેક્સટાઇલ સેકટર પર સરકારના મેઇક ઇન ઇન્ડિયા અને સ્ટાર્ટઅપ ઇન્ડિયાના અભિયાનને ફટકો પડશે.
http://sambhaavnews.com/

You might also like