GSTના વિરોધમાં આજથી ત્રણ દિવસ માટે શહેરનાં કાપડ બજાર બંધ રહેશે

અમદાવાદ: જીએસટીનું કાઉન્ટ ડાઉન શરૂ થઇ ચૂક્યું છે. તેના અમલને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે ટેક્સ રેટ અને કાયદામાં રહેલી વિસંગતતાઓ સામે વિરોધનો વંટોળ શરૂ થયો છે. આજથી શહેરનાં કાપડ બજારના સંલગ્ન કારોબારીઓ ત્રણ દિવસની હડતાળ પર જઇ રહ્યા છે. કારોબારીઓનું કહેવું છે કે સરકારે કાપડ પર પાંચ ટકા ટેક્સનું ભારણ નાખતાં નાના કારોબારીઓની મુશ્કેલીમાં મોટો વધારો થશે તથા તેઓએ ટેક્સના વ્યવહારો નિયમિત મેઇન્ટેન રાખવા પડશે, જે વેપારીઓ માટે મુશ્કેલરૂપ સાબિત થઇ શકે છે.

નોંધનીય છે કે કાપડ બજારમાં ૫૦ ટકાથી વધુ કારોબારીઓ નાના અને મધ્યમ વર્ગના છે તથા ગ્રામીણ વિસ્તારમાં પણ મોટો કારોબાર જોડાયેલો છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ કાપડ પર ક્યારેય ટેક્સ ન હતો.

કાપડના વેપારીઓના જણાવ્યા પ્રમાણે જૂના સ્ટોકની ૧ જુલાઇ બાદ કઈ રીતે ઇન્પુટ ટેક્સ ક્રેડિટ લેવી તથા વેચેલો માલ લાંબા સમયગાળા બાદ પાછો આવે તો ટેક્સ ક્રેડિટ કેવી રીતે લઇ શકાય, એટલું જ નહીં વેપારી રજિસ્ટર પ્રક્રિયાથી દૂર રહે તો આવી સ્થિતિમાં શું કરવું તેની ચિંતા વેપારી મહાજનો તથા કારોબારીઓને સતાવી રહી છે.

આ અંગે મસ્કતી કાપડ માર્કેટ મહાજનના પ્રેસિડેન્ટ ગૌરાંગ ભગતના જણાવ્યા પ્રમાણે સરકારે કાપડ પર પાંચ ટકા ટેક્સ નાખવાના કારણે કાપડ ઉદ્યોગ પર આગામી દિવસોમાં મરણતોલ ફટકો પડી શકે છે, જેનો નાના તેમજ મોટા તમામ કાપડના વેપારીઓનો વિરોધ છે.
http://sambhaavnews.com/

You might also like