GSTમાં માત્ર CA-કોસ્ટ એકાઉન્ટન્ટને ઓડિટની સત્તા અપાતા નાના વેપારીઓની મુશ્કેલી ‍વધશે

અમદાવાદ: ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના નવા મોડલ એક્ટમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને કોસ્ટ એકાઉન્ટન્ટ-આઈસીડબલ્યુએને જ ઓડિટ કરવાની સત્તા આપવામાં આવી છે. પ્રસ્તાવિત આ દરખાસ્તના કારણે નાના વેપારીઓ મુશ્કેલીમાં મુકાવવાનો વારો આવી શકે છે.
ટેક્સ નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે હાલ રાજ્યમાં વેટના કોર્મશિયલ ટેક્સ પ્રેક્ટિશનર્સ, એડ્વોકેટ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓડિટ કરી શકે છે. રાજ્યમાં ૨૦૦૬થી તેઓને ઓડિટ કરવાની સત્તા આપવામાં આવી છે.

પરંતુ જીએસટીના નવા મોડલ એક્ટ સેક્શન-૫૩ મુજબ વેપારીઓના ઓડિટ કરવાની સત્તા સીએ અને આઈસીડબલ્યુએને જ આપવામાં આવી છે અને તેના કારણે નાના વેપારીઓની મુશ્કેલી વધી શકે છે. ટેક્સ નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે સીએ અને આઈસીડબલ્યુએને જ ઓડિટ કરવાની સત્તા આપવામાં આવવાના કારણે નાના વેપારીઓના ઓડિટ કરવાના ખર્ચમાં પણ વધારો થવાની શક્યતા છે, જોકે આ દરખાસ્તને જીએસટી કાઉન્સિલમાં મંજૂરીની મહોર માર્યા બાદ સંસદમાં ‌િબલ પસાર થયા બાદ કાયદો બની શકે છે.

આ અંગે સેલ્સ ટેક્સ બાર એસોસિયેશનના વાઈસ પ્રેસિડેન્ટ વા‌િરસ ઈશાનીના જણાવ્યા પ્રમાણે આ દરખાસ્તથી નાના વેપારીઓની મુશ્કેલીમાં વધારો થશે. એ જ પ્રમાણે હાલ વેટમાં કોમર્શિયલ ટેક્સ પ્રેક્ટિશનર્સ ઓડિટ કરે છે તેમાં કામકાજ થવાનો પણ ભય સેવાઈ રહ્યો છે. પ્રસ્તાવિત આ દરખાસ્ત અંગે નાણાં વિભાગ સહિત સંબંધિત વિભાગને રજૂઆત કરી છે.

તેમણે વધુમાં જણાવ્યું કે જીએસટીમાં માત્ર સીએ અને આઈસીડબલ્યુએ દ્વારા જ ઓડિટ કરવાની સત્તા આપવાના કારણે ગ્રામીણ વિસ્તારના વેપારીઓની મુશ્કેલીમાં વધારો થશે.

૭૦ ટકા પ્રેક્ટિશનર્સનાં કામકાજ બંધ થઈ જશે
રાજ્યમાં વેટના કાયદા મુજબ હાલ કોમર્શિયલ ટેક્સ પ્રેક્ટિશનર્સ, એડ્વોકેટ અને ચાટર્ડ એકાઉન્ટન્ટ વેપારીઓના ઓડિટ કરી શકે છે. વર્ષ ૨૦૦૬થી આ જોગવાઈ કરવામાં આવી છે, પરંતુ જીએસટીની પ્રસ્તાવિત દરખાસ્તના કારણે ૭૦ ટકાથી વધુ પ્રેક્ટિશનર્સના કામકાજ ઉપર અસર થઈ શકે તેવી ભીતિ બાર એસોસિયેશન દ્વારા વ્યક્ત કરાઈ છે.

You might also like