MRPથી વધુ કિંમત વસૂલવા પર જંગી દંડ અને સજા થઈ શકે છે

નવી દિલ્હી: એરપોર્ટ, મલ્ટિપ્લેક્સ અને હોટલો સહિત તમામ સ્થળોએ પેક્ડ વોટર અને મિનરલ વોટરનું વેચાણ મહત્તમ છુટક કિંમત (એમઆરપી) કરતાં વધુ ભાવ પર જો વેચાણ કરવામાં આવશે તો હવે દંડ અને જેલ જેવી કડક શિક્ષાત્મક કાર્યવાહીનો સામનો કરવો પડે છે. ગ્રાહક બાબતોના પ્રધાન રામવિલાસ પાસવાને આ અંગે જાણકારી આપતાં જણાવ્યું હતું કે એમઆરપીથી વધુ કિંમત વસૂલવી એ કાયદાના ભંગ સમાન છે.

રામવિલાસ પાસવાને વધુમાં જણાવ્યું હતું કે હવે અમે ખાસ કરીને એરપોર્ટ, મલ્ટિપ્લેક્સ અને હોટલ પર નજર રાખીશું કે જ્યાં એમઆરપી કરતાં વધુ કિંમતે પાણીની બોટલ જેવી ચીજવસ્તુઓનું વેચાણ કરવામાં આવે છે. તેમણે જણાવ્યું હતું કે આ સ્થળોએ પાણીની બોટલ ૧૦થી ૨૦ ટકા કરતાં વધુ કિંમતે વેચવામાં આવે છે અને કેટલાક કિસ્સાઓમાં પાણીની બોટલ પર એમઆરપી પણ હોતી નથી. એટલું જ નહીં કોકાકોલા જેવા કોલ્ડ્રડ્રિંક્સ પણ નિર્ધારિત કરતા વધુ ભાવે વેચવામાં આવે છે.

અમારી પાસે આ રીતે એમઆરપી કરતાં વધુ ભાવ વસૂલ કરતા વિક્રેતાઓ સામે કાર્યવાહી કરવાની સત્તા છે અને ગ્રાહકોની ફરિયાદ મળશે તો તેમની સામે કાનૂની સત્તાનો ઉપયોગ કરીને કાર્યવાહી કરવામાં આવશે. નિયમોનો ભંગ કરનારને જંગી દંડ અને જેલ સુધીની સજા પણ થઈ શકે છે.

You might also like