GST રિટર્ન ન ભરનારા વેપારીઓ સામે સરકારની લાલ આંખ

મુંબઈ: જીએસટી રિટર્ન નહીં ભરનારા અંદાજે ૩.૮૫ લાખ વેપારી સામે સરકારે લાલ આંખ કરી છે. જીએસટી કાઉન્સિલને કેન્દ્ર અને રાજ્યના ટેક્સ અધિકારીઓએ જીએસટી રિટર્ન નહીં ભરનારા વેપારીઓની એક યાદી સોંપી છે. ટેક્સ અધિકારીઓ હવે આવા વેપારીઓ વિરુદ્ધ સખત કાર્યવાહી કરવાની તૈયારીઓ કરી રહ્યા છે.

સેન્ટ્રલ બોર્ડ ઓફ એક્સાઈઝ એન્ડ કસ્ટમ અને જીએસટીએનએ જુલાઇથી અત્યાર સુધી જીએસટી રિટર્નના ડેટાનું  વિશ્લેષણ કર્યું હતું, જેમાં ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. નાણાપ્રધાન અરુણ જેટલીની અધ્યક્ષતામાં પાછલા સપ્તાહે મળેલી જીએસટી કાઉન્સિલની બેઠકમાં આ ડેટા સંબંધે ચર્ચા થઈ હતી.

સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી મુજબ જુલાઈ-૨૦૧૭થી જીએસટી લાગુ થયા બાદ સાત મહિનામાં જીએસટીઆર-૩બી રિટર્ન ભરવાનું થતું હોય છે, પરંતુ વિશ્લેષણમાં એવી વિગતો બહાર આવી છે કે ૮ માર્ચ, ૨૦૧૮ સુધી ૩.૮૫ લાખ વેપારીઓએ જીએસટી-૩બી રિટર્ન ભર્યું નથી, જોકે સરકાર માટે સંતોષની વાત એ છે કે રિટર્ન નહીં ભરનારા લોકોની સંખ્યા ખૂબ જ ઓછી છે.

પ્રાપ્ત માહિતી મુજબ ૧૦ ફેબ્રુઆરી, ૨૦૧૮ સુધીમાં રિટર્ન ન ભરનારા વેપારીની સંખ્યા ૪.૩૫ લાખ હતી. જીએસટી લાગુ થયા બાદ સરકારના ટેક્સમાં ખાસ કોઈ વૃદ્ધિ જોવા મળી નથી. સરકાર ટેક્સની ચોરી ઘટે તે માટે પ્રયાસ કરી રહી છે. આ જ દિશામાં વધુ એક પગલું લઈ સરકાર આગામી એપ્રિલ-ર૦૧૮થી ઈ-વે બિલ લાગુ કરવા જઈ રહી છે.

ખાસ કરીને આયાતકાર દ્વારા પોર્ટ પર આયાત સમયે મૂકવામાં આવેલા આઈજીએસટી અને તેઓના દ્વારા એસટીઆર-૩બીમાં કરવામાં આવેલ ઈનપુટ ટેક્સ ક્રેડિટના દાવામાં ખૂબ મોટું અંતર છે અને તેના કારણે સરકારે હવે રિટર્ન નહીં ભરનારા સામે લાલ આંખ કરી છે.

૩૪ હજાર કરોડની જીએસટી કરચોરીની વિગતો બહાર આવી
જુલાઈથી ડિસેમ્બર મહિના સમયગાળામાં વેપારીઓએ ૩૪ હજાર કરોડથી પણ વધુની કરચોરી કરી હોવાનું બહાર આવ્યું છે. જીએસટી કાઉન્સિલની બેઠકમાં કરચોરીના આ મુદ્દે ચર્ચા પણ છેડાઈ હતી.

You might also like