GORKHPUR CASE: મુખ્યમંત્રી યોગીના આદેશ પર ડો. કફીલ સહિત 7 વિરુદ્ધ ફરિયાદ દાખલ

ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથના આદેશ પર રાજ્ય સરકારે ગોરખપુરમાં બાબા રાઘવદાસ(BRD) મેડિકલ કોલેજમાં કથિતપણે ઓક્સિજનની તંગીને કારણે બાળકોના મોતના મામલે બુધવારે મોડી રાત્રે લખનૌના હજરતગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તેમાં IPC કલમ-420, 308, 120બી, ભ્રષ્ટાચાર નિવારણ કાયદા, ઇન્ડિય મેડિકલ કાઉન્સિલ એક્ટની કલમ-15 સહીતની 6 કલમો હેઠળ મામલો નોંધવામાં આવ્યો છે.

સરકાર તરફથી બુધવારે જાહેર કરવામાં આવેલા નિવેદન અનુસાર, આ મામલામાં ગોરખપુરની બીઆરડી મેડિકલ કોલેજમાં ઓક્સિજનનો પુરવઠો પુરો પાડતી કંપની પુષ્પા સેલ્સના સંચાલકો, પ્રિન્સિપાલ ડો. રાજીવ મિશ્ર અને તેમની પત્ની સહિત 7 કર્મચારીઓ અને તબીબોને ફરિયાદમાં આરોપી બનાવવામાં આવ્યા છે.

યુપીના મુખ્ય સચિવ રાજીવ કુમારને તપાસની જવાબદારી સોંપવામાં આવી હતી. રાજીવ કુમારે મામલાની તપાસ બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને સોમવારે પોતાનો અહેવાલ સોંપ્યો હતો. ત્યાર બાદ મેડિકલ શાખાના શિક્ષણ વિભાગના અધિક મુખ્ય સચિવ અનીત ભટનાગર જૈનને હટાવવામાં આવ્યા હતા. આ મામલામાં ગોરખપુર મેડિકલ કોલેજના પ્રિન્સિપાલ સામે વહીવટીય બેદરકારી, ભ્રષ્ટાચાર અને અણદેખી કરવા જેવા આરોપોમાં તથ્ય જણાયું છે. સાથે તપાસમાં ઓક્સિજન આપૂર્તિ કરનારી કંપનીઓને ચુકવણીમાં કમિશનખોરીની પણ સમસ્યા હોવાની જાણકારી સામે આવી છે. તેને કારણે પુષ્પા સેલ્સને 68 લાખ રૂપિયાની ચુકવણીમાં પણ વિલંબ થયો હતો.

મુખ્ય સચિવના રિપોર્ટમાં બીઆરડી મેડિકલ કોલેજના બાળરોગ વિભાગના મુખ્ય તબીબ ડો. કફીલખાન, ખરીદી વિભાગના પ્રમુખ ડો. સતીષ કુમાર, પ્રિન્સિપાલ ડો. રાજીવ મિશ્ર અને તેમની પત્ની ડો. પૂર્ણિમા શુક્લાને પણ ભ્રષ્ટાચારના આરોપમાં ફરિયાદમાં આરોપી બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત, મેડિકલ કોલેજ એકાઉન્ટિંગ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓ પણ દોષિત પુરવાર થયા છે સાથે ચીફ ફાર્માસિસ્ટ ગજાનન જયસ્વાલને પણ ફરિયાદમાં આરોપી બનાવવામાં આવ્યા છે.

મહત્વપૂર્ણ છે કે ગોરખપુરની બીઆરડી મેડિકલ કોલેજમાં કથિતપણે ઓક્સિજનની તંગીને કારણે લગભગ 60 બાળકોના મોત નીપજ્યા હતા.

You might also like