UIDAI હેલ્પલાઇન નંબર મામલે ગૂગલે ભૂલ સ્વીકારીઃ અમે નંબર હટાવવાનું ભૂલી ગયા

નવી દિલ્હી: સ્માર્ટ ફોનમાં આપોઆપ આધાર હેલ્પલાઇન નંબર સેવ થવાના મામલે છેડાયેલા વિવાદ વચ્ચે એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ બનાવનાર કંપની ગૂગલે માફી માગી છે. ગૂગલે જણાવ્યું છે કે અજાણતામાં સ્માર્ટ ફોનમાં નંબર સેવ થયો છે, પરંતુ એન્ડ્રોઇડ સિસ્ટમ હેક થઇ નથી. અમે એન્ડ્રોઇ સિસ્ટમમાંથી આ નંબર હટાવવાનું ભૂલી ગયા હતા.

આધાર જારી કરનાર યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (યુઆઇડીએઆઇ) અને ટેલિકોમ ઓપરેટર એસો‌‌િસયેશન (સીઓએઆઇએ) આ વિવાદમાં સ્પષ્ટતા કરી છે કે તેમના તરફથી આ નંબર લોકોની ફોન બુકમાં સેવ કરવામાં આવ્યો નથી અને ત્યાર બાદ એવા પ્રશ્નો ઊભા થવા લાગ્યા કે શું દેશના ફોન યુઝર્સ પર કોઇ પ્રકારનો સાયબર એટેક કરવામાં આવી રહ્યો છે કે કેમ?

આ વિવાદ વચ્ચે ગૂગલે પોતાની જવાબદારી સ્વીકારીને એક નિવેદન જારી કર્યું છે કે અમારા ઇન્ટરનલ રિવ્યૂમાં એવું બહાર આવ્યું છે કે વર્ષ ર૦૦૪માં યુઆઇડીએઆઇ અને અન્ય ૧૧ર હેલ્પલાઇન નંબર એન્ડ્રોઇડના સેટઅપ વિઝાર્ટમાં કોડ કરવામાં આવ્યા હતા. આ નંબર એક વખત યુઝરના કોન્ટેક્ટ લિસ્ટમાં આવી જાય તો ડિવાઇસ બદલવા છતાં આપોઆપ નવા ડિવાઇસમાં આવી જાય છે.

ગૂગલે વધુમાં જણાવ્યું છે કે લોકોને તેના કારણે થયેેલી પરેશાની માટે અમને ખેદ છે. લોકોને અમે ખાતરી આપીએ છીએ કે એન્ડ્રોઇ ફોનમાં કોઇ પણ પ્રકારની અનઓથોરાઇઝ એકસેસ નથી કે કોઇ એન્ડ્રોઇડ ડિવાઇસ હેક થઇ નથી. આ નંબરને યુઝર્સ મેન્યુઅલી ડિલિટ કરી શકે છે. અમે આગામી એન્ડ્રોઇડ સેટઅપ વિઝાર્ટ પરથી તેને હટાવવાની કામગીરી કરીશું.

અત્રે ઉલ્લેખનીય છે કે શુક્રવારે હજારો સ્માર્ટ ફોન યુઝર્સને એ સમયે ઝાટકો લાગ્યો હતો કે જ્યારે તેમણે પોતાના ફોનના કોન્ટેક્ટ લિસ્ટમાં આધાર ઓથોરિટી યુઆઇડીએઆઇનો ટોલ ફ્રી નંબર જોયો. યુઆઇડીએઆઇનો આ ટોલ ફ્રી નંબર અચાનક કેટલાય સ્માર્ટ ફોન યુઝર્સના ફોનમાં બાય ડિફોલ્ટ સેવ થયો હતો.

ટ્વિટર પર યુઝર્સે આ ઓટો સેવિંગ સામે સવાલ ઉઠાવ્યો હતો. આખરે લોકોના કોન્ટેક્ટ લિસ્ટમાં એકસેસ યુઆઇડીએઆઇ કઇ રીતે કરી શકે છે? વાસ્તવમાં યુઆઇડીએઆઇએ જણાવ્યું હતું કે ટોલ ફ્રી નંબર ૧૮૦૦-૩૦૦-૧૯૪૭ ખોટો અને આઉટ ડેટેડ છે અને તેના સ્થાનેે ટોલ ફ્રી નં.૧૯૪૭ રિપ્લેસ કરવામાં આવ્યો છે, જે છેલ્લાં બે વર્ષથી કામ કરી રહ્યો છે.

મોડી રાત્રે ગૂગલે પોતાની ભૂલ સ્વીકારી લીધી હતી અને જણાવ્યું હતું કે એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ આ નંબર હટાવવાનું ભૂલી ગઇ હતી.

You might also like