E-Way Bill ના હોય તો ગુડ્સ જપ્ત ના કરી શકાયઃ હાઈકોર્ટ

નવી દિલ્હી: ૧ એપ્રિલથી સમગ્ર દેશમાં ઇ-વે બિલની અમલવારી થઇ ચૂકી છે. સરકાર તેનો કડક અમલ કરાવી રહી છે, જોકે વ્યક્તિ પાસે ફિઝિકલ ઇ-વે બિલ ના હોય તો ટેક્સ અધિકારીઓ સામાન જપ્ત કરી શકે નહીં તેવો ચુકાદો અલ્હાબાદ હાઇકોર્ટે આપ્યો છે.

કોર્ટના ચુકાદા મુજબ ઇ-વે બિલ જનરેટ થયું હોય, પરંતુ વ્યક્તિ પાસે ફિઝિકલ સ્વરૂપમાં ન હોય તો સામાન જપ્ત નહીં કરી શકાય. ટેક્સ સત્તાવાળાઓએ ઇ-વે બિલ વગર માલ હેરફેરનું કારણ આપી વેચનારનો સામાન જપ્ત કર્યો હતો. કોર્ટે ટેક્સ વિભાગની દલીલ ફગાવી દીધી હતી.

ઉલ્લેખનીય છે કે જે માલ જપ્ત કરવામાં આવ્યો હતો તેનું ટેક્સ ઇન્વોઇસ જપ્તીથી ઘણું વહેલું જનરેટ કરાયું હતું અને ડાઉનલોડ પણ કરવામાં આવ્યું હતું. આ કેસમાં ભૂમિકા એન્ટરપ્રાઇઝીસે યુપી સરકારના સત્તાવાળાઓ સામે માલની જપ્તી બાબતે પિટિશન ફાઇલ કરી હતી. ટેક્સ અધિકારીઓએ ભૂમિકા એન્ટરપ્રાઇઝીસનો સામાન ઇ-વે બિલ વગર હેરફેર કરાતી હોવાનું કારણ આપીને માલ જપ્ત કરાયો હતો.

ઉલ્લેખનીય છે કે રાજ્યો વચ્ચે હેરફેર કરાતાં માલનું મૂલ્ય રૂ. ૫૦ હજારથી વધુ હોય તો જીએસટીનું ઇ-વે બિલ જરૂરી છે, પરંતુ ટેક્સ અધિકારીઓ મનઘડંત રીતના કાયદાની કલમનો દુરુપયોગ કરીને તેની અમલવારી કરાવતા હોવાનું બહાર આવ્યું છે અને તેના પગલે ઘણી વાર ટેક્ અધિકારીઓ અને ટ્રાન્સપોર્ટરો વચ્ચે સંઘર્ષના બનાવો પણ બહાર આવ્યા છે.

You might also like