Heartના દર્દીઓ માટે ગુડ ન્યૂઝઃ ડિજિટલ નર્સ કહેશે એટેકનાં લક્ષણો

મેલબોર્ન: હંમેશાં લક્ષણ દેખાવાના થોડા જ કલાકોમાં દર્દીને હાર્ટએટેક આવી જતો હોય છે અને હોસ્પિટલમાં પહોંચવામાં સહેજ મોડું થાય એટલામાં તેનું મૃત્યુ પણ થઇ જાય છે. યોગ્ય સમયે હોસ્પિટલ પહોંચીને હૃદયના દર્દીઓના મૃત્યુદરને ઘટાડી શકાય છે. આ બાબત ત્યારે જ શક્ય બનશે જ્યારે લક્ષણ યોગ્ય સમયે ઓળખી શકાશે. ‘સેવ’ એપની ડિજિટલ નર્સ તમને સહાયતા કરી શકે છે.

ઓસ્ટ્રેલિયાની ક્લિન્ડર યુનિવર્સિટીએ ‘અવતાર’ આધારિત આ એપને વિકસાવી છે. ‘અવતાર’ કોઇ વ્યક્તિના ડિજિટલ રૂપને કહેવાય છે, જે યુઝર સાથે વાતચીત કરી શકે છે. ‘સેવ’ એપમાં ‘કોરા’ નામની ડિજિટલ નર્સનો ઉપયોગ કરાયો છે. કોરા તમને હૃદયરોગના સંકેત ઓળખવાના અને સંકેત દેખાતાં શું કરવું જોઇએ તેની જાણકારી આપશે. આ એપને ચાર ભાગમાં વહેંચવામાં આવી છે.

પહેલા તબક્કામાં લક્ષણની જાણ થાય તે માટેની ક્વિઝ છે. બીજામાં એટેકનાં લક્ષણોની જાણકારી અપાઇ છે અને તેમાં એ પણ જણાવાયું છે કે પુરુષોમાં કયાં અને સ્ત્રીઓમાં કયાં લક્ષણ પ્રબળ હોય છે. ત્રીજા ભાગમાં લક્ષણ દેખાતાં શું કરવું જોઇએ તેની જાણકારી અપાઇ છે. અંતિમ ભાગમાં લક્ષણની ઓળખ કરનાર ટેસ્ટને સામેલ કરાયો છે.

આ રીતે એપનો ટેસ્ટ કરાયો
સૌથી પહેલાં આ એપને હાર્ટએટેકમાંથી બચી ગયેલા ૧૦ દર્દી પર ટેસ્ટ કરાઇ, પછી ૭૦ દર્દીની ટ્રાયલ તરીકે છ મહિના માટે એપનો ઉપયોગ કરાયો. આ દરમિયાન જાણ થઇ કે કેટલી વાર દર્દીઓએ એમ્બ્યુલન્સ બોલાવી કે હોસ્પિટલમાં ભરતી થયા. સંશોધન અનુસાર આ એપનો ઉપયોગ કરનાર લોકોમાં લક્ષણ દેખાતાં અન્યની સરખામણીમાં વધુ વાર એમ્બ્યુલન્સ બોલાવાઇ.

આ ઉપરાંત જ્યાં સામાન્ય દર્દીઓ સરેરાશ ૬.૪ દિવસ માટે હોસ્પિટલમાં ભરતી થયા જ્યારે આ એપના યુઝર્સને માત્ર ૩.૬ દિવસ સુધી જ હોસ્પિટલમાં રહેવું પડ્યું. હાર્ટએટેકનાં લક્ષણોને લઇને પણ આ યુઝર્સની જાણકારી અન્યની સરખામણીમાં વધારે હતી.

You might also like