સ્થાનિક બજારમાં સોનાના ભાવમાં મોટો ઘટાડો નોંધાય તેવી શક્યતા

મુંબઇ: વૈશ્વિક બજારમાં સળંગ ચોથા સપ્તાહે સોનાના ભાવમાં ઘટાડો નોંધાતો જોવા મળ્યો છે. યુએસ ફેડરલ રિઝર્વ આગામી ડિસેમ્બર મહિનામાં વ્યાજના દરમાં વધારો કરે તેવી શક્યતા પાછળ ડોલરની મજબૂતાઇએ વૈશ્વિક સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે. વૈશ્વિક સોનાનો ભાવ ૦.૨ ટકાના ઘટાડે ૧૦૮૧ની સપાટીએ જોવા મળ્યો છે, જે ફેબ્રુઆરી-૨૦૧૦ના ૧૦૭૪ ડોલર પ્રતિઔંસની સપાટીની નજીકનો ભાવ જોવા મળ્યો છે.

દરમિયાન વૈશ્વિક બજારમાં સોના-ચાંદીના ભાવમાં પડેલા ગાબડાંના પગલે સ્થાનિક મોરચે પણ સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો નોંધાય તેવી મજબૂત શક્યતા જોવાઇ રહી છે. દરમિયાન ચાંદીના ભાવમાં પણ ૦.૫ ટકાનો ઘટાડો નોંધાયો છે. ચાંદીનો ૧૪.૨૦ ડોલર પ્રતિઔંસની સપાટીએ ભાવ જોવાયો છે. સ્થાનિક બજારમાં પણ સોનાના ભાવમાં મોટાં ગાબડાં પડે તેવી પૂરેપૂરી શક્યતા છે.

સોના-ચાંદીની આયાત-ડ્યૂટીમાં ઘટાડો કરાયો
કેન્દ્ર સરકારે વૈશ્વિક બજારમાં જોવા મળી રહેલ ભાવમાં નરમાઇના પગલે આયાતડ્યૂટીમાં ઘટાડો કર્યો છે. સોનાની આયાતડ્યૂટીના મૂલ્યમાં ઘટાડો કરી ૩૫૪ ડોલર કરી છે, જે અગાઉ ૧૦ ગ્રામ શુદ્ધ સોનાની આયાતડ્યૂટી ૩૭૩ ડોલર હતી. જ્યારે ચાંદીમાં પણ આયાતડ્યૂટીમાં ઘટાડો કર્યો છે. ચાંદીની આયાતડ્યૂટી અગાઉ ૫૧૭ ડોલર પ્રતિકિલોની સપાટીએ હતી તેમાં ઘટાડો કરી ૪૭૦ ડોલર પ્રતિકિલો કરી દીધી છે.

જુલાઈ-સપ્ટેમ્બર મહિનામાં સોનાની આયાત ૧૫ ટકા વધી
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલે જુલાઇથી સપ્ટેમ્બર મહિનાના ત્રીજા ત્રિમાસિક સમયગાળાના બહાર પાડેલા ડેટા અનુસાર સ્થાનિક મોરચે નીચા ભાવને કારણે માગમાં મોટો વધારો નોંધાયો છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના જણાવ્યા પ્રમાણે પાછલા વર્ષે જુલાઇથી સપ્ટેમ્બર મહિનાના સમયગાળામાં ૧૮૪.૨૦ ટન સોનાની આયાત થઇ હતી, જ્યારે ચાલુ વર્ષે આ સમયગાળામાં ૨૧૧.૧૦ ટન સોનાની આયાત થઇ છે, જેને પગલે સોનાની આયાતમાં ૧૫ ટકાનો વધારો નોંધાયો છે. વર્ષ ૨૦૦૮ બાદ ત્રીજા ત્રિમાસિક સમયગાળામાં પ્રથમ વાર આ પ્રકારની માગ જોવા મળી છે. ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૦૮માં જુલાઇથી સપ્ટેમ્બર મહિનાના ત્રીજા ત્રિમાસિક સમયગાળામાં ૨૧૩ ટન સ્થાનિક બજારમાં સોનાની માગ જોવા મળી હતી. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના જણાવ્યા પ્રમાણે સ્થાનિક બજારમાં સોનાના નીચા ભાવને કારણે માગમાં વૃદ્ધિ જોવા મળી છે.

You might also like